Category Archives: ભાસ્કર શુક્લા

જીવનનો માર્ગ – ‘બેફામ’

2 વર્ષ પહેલા ભાસ્કર શુક્લના અવાજમાં મુકેલી આ ગઝલ, આજે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર સંગીત સાથે ફરી એકવાર 🙂

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.

મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

-’બેફામ
(આભાર : લયસ્તરો )

( કવિ પરિચય )

સામસામે આવીએ તો ફફડે બે હોઠ – વંચિત કુકમાવાલા

સ્વર : પ્રીતિ ગજ્જર, ભાસ્કર શુક્લ
સંગીત : ડો. ભરત પટેલ
sam-same.jpg

.

સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ,
બે’ક ઘડી લાગે કે આટલામાં હોઇએ ને બે’ક ઘડી લાગે ન હોઇએ.

આખું આકાશ એક બટકેલી ડાળ પર લીલેરી કુંપળ થઇ ફૂટે
છાતીમાં સંઘરેલ સાત-સાત દરિયાઓ પરપોટા જેમ પછી ફૂટે
ધોમધોમ તડકામાં પાસપાસે ચાલીએ તો લાગે કે ભીંજાતા હોઇએ…
… બોલવાનું સાનભાન ખોઇએ.
સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ.

સાવ રે સભાનતાથી સાચવેલું ભાન અહીં યાદોમાં ધૂળધૂળ થાતું,
ડેલીબંધ બેઠેલા હોઇએ છતાંય કોઇ આવીને સાવ લૂંટી જાતું,
પૂરબહાર હસવાની મૌસમમાં કોઇવાર ઓચિંતા અંદરથી રોઇએ..
… બોલવાનું સાનભાન ખોઇએ.

સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ,
બે’ક ઘડી લાગે કે આટલામાં હોઇએ ને બે’ક ઘડી લાગે ન હોઇએ.

તું રાધા કેમ રીસાણી છે?

કવિ – સંગીતકાર : ?
સ્વર : ભાસ્કર શુક્લા

1.JPG

.

તું રાધા કેમ રીસાણી છે?
તારી આંખો કેમ ભીંજાણી?
તું મનમાં કેમ મુંઝાણી છે,
તારી આંખ કેમ ભીંજાણી?

કહે કડવા વેણ કહ્યાં તુજને,
તારા મનનું દુ:ખ તું કહે મુજને
તું દિલમાં કેમ દુભાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?

વ્રજ નારી ઘણી છે મતવાલી,
તે સૌ માં તું મુજને વ્હાલી,
મારા હ્રદય કમળની તું રાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?

તને બંસી ગમે તો બંસી દઉં,
જીવનભર તારો થઇ ને રહું,
તારી વેણી કેમ વિખાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?

તારા આસુંડા હું લૂંછી નાખું,
તારું નામ સદા આગળ રાખું
એ સાચી મારી વાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?

રાધાને રીઝાવી ગાવિંદનાથે,
વા’લા રાસ રમ્યા સૌની સાથે,
એવી પ્રિત પ્રભુની પુરાણી છે,
તારી આંખો કેમ ભીંજાણી?

સાંજ….

સ્વર : ભાસ્કર શુક્લા

.

એક તું નથી અહીં તો સાવ ખાલી ખાલી સાંજ,
જીવન સળગતી પ્યાસ ને તુટેલ પ્યાલી સાંજ.

એક એક શ્વાસ તરબતર છે તારી યાદ થી,
જાહોજલાલી આપની ઉજવે સવાલી સાંજ.

કઇ કઇ રીતે દિલ ને દિલાસા દઉ છું, શું કહું?
ખુશ્બુનો તારી પત્ર લઇ આવે ટપાલી સાંજ.

છલછલતી આંખ તાકી તાકી તારી રાહને,
ચૂપચાપ એ ઘુંટાતી હો મહેંદીની લાલી સાંજ.