આણીકોર શમણાં ઓલીકોર શમણાં, વચમાં લોચનિયાં લાચાર
માગીએ તો મબલખ કાંટા મળે અહિ, ફૂલો તો કેવળ બે-ચાર!
સૌના નસીબનો હિસ્સો લઇને સૌ
ભજવે છે જીવનનો વેશ
ચાંદરણું હોય ભલે ચાર જ દિવસોનું
પણ આવે છે સાલ્લો ટેસ!
મેહુલો તો આજકલ વરસે છે ક્યાં? લાગણીઓ વરસે ધોધમાર,
આણીકોર શમણાં ઓલીકોર શમણાં, વચમાં લોચનિયાં લાચાર.
પંખીઓ આજકલ મૂંગા મંતર
અને ઝાડવાએ પાડી હડતાળ
બાઇમીરાં મશગૂલ છે ભજનુંની ધૂનમાં
નરસિંહ બજાવે કરતાલ!
મનવાને મુગતિ નથી આ પાર કે મુગતિ નથી પેલ્લે પાર!
આણીકોર શમણાં ઓલીકોર શમણાં, વચમાં લોચનિયાં લાચાર.
આ પમ્ક્તીઓ ગમી
મનવાને મુગતિ નથી આ પાર કે મુગતિ નથી પેલ્લે પાર!
આણીકોર શમણાં ઓલીકોર શમણાં, વચમાં લોચનિયાં લાચાર.