Category Archives: ગઝલ

ખાવ ખોંખારો – અશરફ ડબાવાલા

પડે સામા જો ગઢના કાંગરા તો ખાવ ખોંખારો,
નડે તમને તમારા વાવટા તો ખાવ ખોંખારો.

તમારા બિંબને જોઈ શરમ આવે ભલે તમને;
તમારી લાજ કાઢે આયના તો ખાવ ખોંખારો.

તમે જે પાળિયાને પૂજતા હો એ જ બેઠો થૈ,
ધસે હથિયાર લૈને મારવા તો ખાવ ખોંખારો.

મરણ તો આવશે ઘોડે ચડીને જીવની પાસે;
કદી સંભળાય તમને ડાબલા તો ખાવ ખોંખારો.

જો તમને રોજની ઘટમાળમાં ડૂબેલ જોઈને,
જવા લાગે સ્મરણના કાફલા તો ખાવ ખોંખારો.

જગતના ટાંકણા સામે ખડક થૈને અડગ રે’જો,
મથે આકાર કોઈ આપવા તો ખાવ ખોંખારો.

તમે મૃતપ્રાય છો એવું ગણીને સ્નેહી ને મિત્રો
કબર ખોદીને મંડે દાટવા તો ખાવ ખોંખારો.

– અશરફ ડબાવાલા

સ્મરણ માટે – કિરણસિંહ ચૌહાણ

મળ્યું’તું કોઇ એક જ વાર, તે પણ અડધી ક્ષણ માટે,
મિલન બસ એટલું કાફી હતું એના સ્મરણ માટે!

નિખાલસ ગુફ્તગૂ ને શબ્દમય વાતાવરણ માટે,
ગઝલનો બાગ ખુલ્લો મૂકું છું પ્રત્યેક જણ માટે.

તમે આકાશ થઇ કાયમ ટકી રહેશો આ દુનિયામાં,
તમારી દૃષ્ટિની તૈયારી હો જો વિસ્તરણ માટે.

ભરી શકતો નથી ડગલુંય જે પોતાની મરજીથી,
એ પર્વતને તણખલું રોજ ઉશ્કેરે તરણ માટે.

સતત દોડીને તૂટી જાય, હાંફી જાય… અંતે શું?
બધાં જીવે છે આખી જિંદગી જાણે મરણ માટે!

– કિરણસિંહ ચૌહાણ

આઝાદ પણ કરું – સુધીર પટેલ.

ઊમેરું શું હવે ને શું બાદ પણ કરું?
શું શું ભૂલું અહીંથી, શું યાદ પણ કરું?

બોલી, કશુંક બોલી, વિખવાદ પણ કરું!
ને મૌન સાધી જબરો સંવાદ પણ કરું!

પામ્યો છું ઊડવાને આકાશ હું અસીમ,
આંખો ઉઘાડી એને મર્યાદ પણ કરું!

પાળી રહ્યો છું ઈચ્છાઓ પિંજરે ઘણી,
એક એક ગણીને એ સૌ આઝાદ પણ કરું!

ભૂલો થશે જીવનમાં નાની-મોટી ‘સુધીર’,
ફટ! ભૂલ એની એ જો એકાદ પણ કરું!

– સુધીર પટેલ.

સમંદરને તળ લીલું વન દાટવું છે – કિસ્મત કુરેશી

સ્વરાંકન – ઉદ્દયન મારૂ
સ્વર – ઝરણા વ્યાસ

સમંદરને તળ લીલું વન દાટવું છે
અને રણની ભીતર ચમન દાટવું છે

કહો કંટકોને કબર ખોદી નાખે
કે કરમાયેલું આ સુમન દાટવું છે

સમાશે ન એ સાગર એકે ધરામાં
નયનમાં અમારે ગગન દાટવું છે

જગા દુઃખના ડુંગરોમાં મળે તો
અમારે ત્યાં સુખનું સ્વપન દાટવું છે

– કિસ્મત કુરેશી

માર્ગ મળશે – ગની દહીંવાલા

સ્વર – ઐશ્વર્યા મજમુદાર
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય
આલબ્મ – હૈયા ને દરબાર

માર્ગ મળશે હે હ્રદય તો મૂંઝવણનું શું થશે
ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે

હાય રે ઝાકળની મજબૂરી રડ્યું ઉદ્યાનમાં
ના વિચાર્યું રમ્ય આ વાતાવરણનું શું થશે

કંઈ દલીલો ના કરો અપરાધીઓ ઈશ્વર કને
આપણે થાશું સફળ તો દેવગણનું શું થશે

જૂઠ્ઠી તો જૂઠ્ઠી જ આશે જીવવા દેજો મને
જૂજવા મૃગજળ જતાં રે’શે તો રણનું શું થશે

જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો ગની
આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે

– ગની દહીંવાલા

આંગળીમાંથી – મનોજ ખંડેરિયા

કંકુ ખરે છે આંગળીમાંથી…. Picture from : http://serc.carleton.edu

સકળ જીવનની પીડા અવતરે છે આંગળીમાંથી
ન થતી જાણ ને વીંટી સરે છે આંગળીમાંથી

કરું જો બંધ મુઠ્ઠી- હસ્તરેખા થઈ જતી ભીની,
ઝીણું ઝાકળ સમું કૈં ઝરમરે છે આંગળીમાંથી

ન સ્પર્શાતું – ન તરવરતું – ન રોકાતું – ન સમજાતું
પવનથી પાતળું આ શું સરે છે આંગળીમાંથી

જીવનની શુષ્ક બરછટતાનું આશ્વાસન છે એક જ આ
સુંવાળું રોજ રેશમ ફરફરે છે આંગળીમાંથી

વીત્યાં છે વર્ષ પ્હેલા સ્પર્શની પૂનમને ઝીલ્યાને –
છતાં ભરતી હજી ક્યાં ઓસરે છે આંગળીમાંથી

પીળાછમ બોર જેવો પોષનો તડકો ઝીલ્યો એની –
હજી પણ વાસ કૈં આવ્યા કરે છે આંગળીમાંથી

ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું?
સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી

– મનોજ ખંડેરિયા

વિવેક ટેલરના ગીત-ગઝલ અને એના સ્વરનામાનું નવું સરનામું..!!

મિત્રો,

આપે શબ્દો છે શ્વાસ મારા – લયસ્તરો – ટહુકો અને
બીજા બ્લોગ્સ – ફેસબુક જેવી જગ્યાએ ઓનલાઇન, કવિ સંમેલનમાં, કોઇ કવિતાની ચોપડીમાં, અખબારમાં.. એમ ઘણીવાર વિવેક ટેલરની કલમને માણી જ હશે..!

vivek

અને કદાચ આપે એના કાવ્યસંગ્રહ – શબ્દો છે શ્વાસ મારા, ગરમાળો પણ વાંચ્યા હશે, અને હા અડધી રમતથી… વિવેકના શબ્દોનું એ સ્વરમાનું તો ક્યાંથી ભૂલાય?

તો આજે… વ્હાલા મિત્ર વિવેકના જન્મદિવસે – એને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે – એના શબ્દો અને સ્વરનામાનું એક નવું સરનામું..!

અમેરિકામાં રહેતા વિવેકના ચાહકો માટે ખાસ:
વિવેકનો ગઝલસંગ્રહ ‘શબ્દો છે શ્વાસ મારા’ , કાવ્યસંગ્રહ ‘ગરમાળો’ અને એના ગીત-ગઝલોનું સ્વરાંકન – અડધી રમતી – હવે કોમ્પ્યુટરની થોડી ક્લિક પર તમારા ઘર આંગણે..!!

નીચે આપેલ લિંક પર ક્લિક કરો – જે તમને લઇ જશે – Ebay – જેના પરથી તમે વિવેકના શબ્દો-સ્વર તમારા ઘર આંગણે મંગાવી શકશો.

અડધી રમતથી – વિવેક ટેલરના ગીત-ગઝલનું સ્વરનામું

Click here to buy this CD from Ebay!

ગરમાળો – કાવ્યસંગ્રહ 

Click here to buy this book from Ebay!

 ********

 

શબ્દો છે શ્વાસ મારા – ગઝલસંગ્રહ  

 

Click here to buy this book from Ebay!

એક વળગણ જોઈએ – ઊર્મિ

25706_428448634941_4320931_n
(અઢળક ઈચ્છા…           Picture by Urmi, April 2010)

*

જીવનકાવ્યે
મિત્રતાનું ગાલગા
પણ જોઈએ.

*

માન્યતાને એક સરહદ જોઈએ,
રૂઢતાને પણ નિયંત્રણ જોઈએ.

શક્ય ક્યાં છે અહીં પરિત્યાગી થવું !
ત્યાગનું પણ એક વળગણ જોઈએ.

પ્રેમ, સમજણ કે પછી હો જીન્દગી…
સાવ નટખટ એક બચપણ જોઈએ.

હા, યુવાની થોડી ઉન્મદ જોઈએ…
પણ હો માનદ, એવું ઘડપણ જોઈએ.

જોઈએ, ઈચ્છા યે અઢળક જોઈએ,
પણ કદી અનહદની પણ હદ જોઈએ !

એક સરખી હોય ના ભરતી, સખા !
‘ઊર્મિ’ની પણ ક્યાંક વધઘટ જોઈએ…

-’ઊર્મિ’ (૨૬ મે, ૨૦૦૯)

મિલનનાં દીપક – બરકત વિરાણી ‘બેફામ’

સ્વર – મુહમ્મદ રફી
સંગીત – દિલીપ ધોળકિયા
ગુજરાતી ફિલ્મ – સ્નેહ બંધન (૧૯૬૭)

સ્વર – મનહર ઉધાસ
આલબ્મ – અક્ષર

મિલનનાં દીપક સૌ બુઝાઈ ગયાં છે,
વિરહનાં તિમિર પણ દહન થઈ ગયાં છે;
અભાગી નયન વાટ કોની જુએ છે,
હતાં સત્ય જે એ સ્વપન થઈ ગયાં છે.

અમારાં સ્વપનનું એ સદભાગ્ય ક્યાંથી?
સ્વપનમાં રહેલા સુખો થાય સાચા;
કે આ વાસ્તવીક જગનાં સાચાં સુખો પણ,
અમારા નસીબે સ્વપન થઈ ગયાં છે.

ઘણાએ દુ:ખો એ રીતે પણ મળ્યા છે,
કે જેને કદી જોઈ પણ ના શક્યો હું;
ઘણી એ વખત નીંદમાં સુઈ રહ્યો છું,
અને બંધ આંખે રૂદન થઈ ગયાં છે.

નથી મેળવાતી ખુશી સંપત્તીથી,
આ મોજાં રડીને કહે છે જગતને;
ભીતરમાં જ મોતી ભર્યાં છે છતાંયે,
સમુદ્રોનાં ખારા જીવન થઈ ગયાં છે.

પ્રણયમાં મેં પકડ્યા તમારા જે પાલવ,
પ્રણયની પછી પણ મને કામ આવ્યા;
પ્રસંગો ઉપરનાં એ પડદાં બન્યા છે,
ઉમંગો ઉપરનાં એ કફન થઈ ગયાં છે.

કવિ દિલ વીના પ્રકૃતિનાં સીતમને
બીજું કોણ ‘બેફામ’ સુંદર બનાવે?
મળ્યા દર્દ અમને જે એનાં તરફથી,
અમરા તરફથી કવન થઈ ગયાં છે.

– બરકત વિરાણી ‘બેફામ’

ન હો તમે જો કને સખી તો – હિમાંશુ ભટ્ટ્

આ ગઝલ જેના વિચારમાં લખાઇ છે – એ કવિની સખીનો આજે જન્મદિવસ છે..!! તો એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ આ ગઝલના performance નું live recording..!

Happy Birthday…!!!  🙂

**********

Posted on August 22, 2012:

February 27th, 2010 માં પહેલા મૂકેલી હિમાંશુભાઇની આ ગઝલ, આજના ખાસ દિવસે ફરી એકવાર – એકદમ મઝાના સ્વરાંકન સાથે..! અને હા, આ ગઝલ જેમના માટે ખાસ છે – એ બંને માટે આજનો દિવસ (August 22) ખૂબ જ Special છે.. તો બંનેને આજના દિવસની શુભેચ્છાઓ સાથે આ ગઝલ માણીએ..!! કર્ણિકભાઇ અને જયદેવભાઇએ એવું મઝાનું સ્વરાંકન કર્યું છે કે બસ સાંભળ્યા જ કરીએ..

સ્વર – ડોલર મહેતા
સંગીત – જયદેવ ભોજક, કર્ણિક શાહ
આલબ્મ – મેઘધનુષ

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે
ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે

લટક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે
કદી એ ખેંચે કદી ડુબાડે, જો યાદ એની લગાર આવે

તમારી સુરખી, તમારું ચિતવન, સ્મરણ સ્મરણ પર અસર તમારી
કદી ધરા પર, કદી ગગન માં, બધે તમારો ખુમાર આવે

સખી, એ ખૂણો ક્યાં વિશ્વ નો છે, ન હો ફિકર જ્યાં મને કશાની?
તમારે પાલવ, જ્યાં સાંજ ઉગે, તમારા સ્મિતે સવાર આવે…

આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે? કદી કદી એ વિચાર આવે…

– હિમાંશુ ભટ્ટ્