ખાવ ખોંખારો – અશરફ ડબાવાલા

પડે સામા જો ગઢના કાંગરા તો ખાવ ખોંખારો,
નડે તમને તમારા વાવટા તો ખાવ ખોંખારો.

તમારા બિંબને જોઈ શરમ આવે ભલે તમને;
તમારી લાજ કાઢે આયના તો ખાવ ખોંખારો.

તમે જે પાળિયાને પૂજતા હો એ જ બેઠો થૈ,
ધસે હથિયાર લૈને મારવા તો ખાવ ખોંખારો.

મરણ તો આવશે ઘોડે ચડીને જીવની પાસે;
કદી સંભળાય તમને ડાબલા તો ખાવ ખોંખારો.

જો તમને રોજની ઘટમાળમાં ડૂબેલ જોઈને,
જવા લાગે સ્મરણના કાફલા તો ખાવ ખોંખારો.

જગતના ટાંકણા સામે ખડક થૈને અડગ રે’જો,
મથે આકાર કોઈ આપવા તો ખાવ ખોંખારો.

તમે મૃતપ્રાય છો એવું ગણીને સ્નેહી ને મિત્રો
કબર ખોદીને મંડે દાટવા તો ખાવ ખોંખારો.

– અશરફ ડબાવાલા

7 replies on “ખાવ ખોંખારો – અશરફ ડબાવાલા”

  1. આને શું કવિની “ખુમારી” કહેવાય ?
    “મરણ તો આવશે ઘોડે ચડીને જીવની પાસે;
    કદી સંભળાય તમને ડાબલા તો ખાવ ખોંખારો.”
    -લા’કાન્ત / ૧૮-૬-૧૩

  2. જીવંત રહેવા માટેની સરસ રજુઆત……………………….

  3. તમારા બિંબને જોઈ શરમ આવે ભલે તમને;
    તમારી લાજ કાઢે આયના તો ખાવ ખોંખારો….વાહવાહ!!

    બધાજ શેરો લાજવાબ છે!
    ગઝલ છે ફાંકડી એમ કહી દેતા જાવ હોંકારો…

  4. ઘણી બધી જગ્યાએ ખોંખારો ખાઈ શકીએ.
    જગત ના ટાંકણા સામે અડગ રહેજો, મરણ ના ડાબલા સંભળાય ત્યારે, સ્મરણ ના કાફલા ખોવાય ત્યારે.
    રચના ગમી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *