Category Archives: કિરણ ચૌહાણ

બંધ કર – કિરણ ચૌહાણ

કોઈનો ડાયાબિટીસ ભડકાવવાનું બંધ કર,
આટલા મીઠા અવાજે બોલવાનું બંધ કર.

ભરઉનાળે, ભરબપોરે ટાઢ વાગે છે મને,
મારો ફોટો ફ્રિઝમાં સંતાડવાનું બંધ કર.

દોસ્ત ! જાણી લીધું મેં વસ્ત્રો તું કેવા સીવશે,
આમ ફૂટપટ્ટી વડે તું માપવાનું બંધ કર.

ભાઈ મારા, જર્જરિત દીવાલની હત્યા ન કર,
લઈ હથોડો રોજ ખીલા ઠોકવાનું બંધ કર.

પત્ની તારી શાકભાજી કાપશે કાતર વડે,
મૂછને ચપ્પુ વડે તું કાપવાનું બંધ કર.

જીવતા જો એ હશે, તું જીવતો રહેશે નહીં,
આ ઈલેક્ટ્રિક વાયરોને સ્પર્શવાનું બંધ કર.

– કિરણ ચૌહાણ

સ્મરણ માટે – કિરણસિંહ ચૌહાણ

મળ્યું’તું કોઇ એક જ વાર, તે પણ અડધી ક્ષણ માટે,
મિલન બસ એટલું કાફી હતું એના સ્મરણ માટે!

નિખાલસ ગુફ્તગૂ ને શબ્દમય વાતાવરણ માટે,
ગઝલનો બાગ ખુલ્લો મૂકું છું પ્રત્યેક જણ માટે.

તમે આકાશ થઇ કાયમ ટકી રહેશો આ દુનિયામાં,
તમારી દૃષ્ટિની તૈયારી હો જો વિસ્તરણ માટે.

ભરી શકતો નથી ડગલુંય જે પોતાની મરજીથી,
એ પર્વતને તણખલું રોજ ઉશ્કેરે તરણ માટે.

સતત દોડીને તૂટી જાય, હાંફી જાય… અંતે શું?
બધાં જીવે છે આખી જિંદગી જાણે મરણ માટે!

– કિરણસિંહ ચૌહાણ

નાદાન મનને એ બધું ક્યાં ભાન હોય છે – કિરણ ચૌહાણ

સ્વર – સંગીત : શૌનક પંડ્યા

.

નાદાન મનને એ બધું ક્યાં ભાન હોય છે,
આંસુની પૂર્વભૂમિકા અરમાન હોય છે.

તેઓ સુખી છે જેમને બીજાના દુઃખ મહીં,
દુઃખી થવાનું દોહ્યલું વરદાન હોય છે.

મિત્રો જો શત્રુ નહિ બને તો એ કરેય શું ?
દુશ્મન ઉપર તમારું વધું ધ્યાન હોય છે !

હાથે કરીને ગુંચવ્યું છે કોકડું તમે,
નહિતર તો જીવવું ઘણું આસાન હોય છે.

ઝઘડો કરીને થાકી ગયાં ચંદ્ર ને નિશા,
ઝાકળનાં બુંદ રૂપે સમાધાન હોય છે.

– કિરણ ચૌહાણ

એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે – કિરણ ચૌહાણ

koel 

બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે,
એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે.

એજ માણસ જિંદગી સહેલાઈથી જીવી શકે,
જે મરણના આગમનની વાત ભુલી જાય છે.

કોઈ પણ હાલતમાં ખુશ રહેવાનું મન શીખી ગયું,
એટલે મારાં બધાંયે દર્દ હાંફી જાય છે.

પહોંચવા તારા લગી કંઈ ચાલવું પડતું  નથી,
પગ તળેથી માર્ગ આપોઆપ સરકી જાય છે.

આ અધૂરી ઝંખનાઓનું પરાક્રમ છે ‘કિરણ’
રોજ તું મરવા પડે ને રોજ જીવી જાય છે.

-કિરણ ચૌહાણ

બિંદુ ઝાકળ તણું – કિરણ ચૌહાણ

દર્દનો હું આજ પડછાયો હણું,
ત્યાં પછી આનંદનો પાયો ચણું.

દે ઘડીભર સ્પર્શવાનો હક મને,
હું ય સ્પંદનનો હવે કક્કો ભણું.

ઝંખના છે કોઇ પથ્થરમાં હવે,
લાગણીનો તાર થઇને રણઝણું.

રણમહીં વેરાઇ મારી જિંદગી,
રેતમાં ભીંજાયેલી યાદો વણું.

સૂર્યને પણ પી ગયો આજે ‘કિરણ’,
લ્યો ! બનીને બિંદુ આ ઝાકળ તણું.

ગઝલ – કિરણ ચૌહાણ

બે જ પળની જિંદગી છે તો ય જીવાતી નથી :
એક પળ ખોવાઇ ગઇ છે બીજી સચવાતી નથી.

ઓ શિકારી ! પાંખ લીધી આંખ પણ લઇ લે હવે,
આભને જોયા પછીની પીડ સહેવાતી નથી.

હા કદી બિલકુલ અનાયાસે ગઝલ સર્જાય છે,
સો પ્રયત્નો બાદ પણ ક્યારેક સર્જાતી નથી.

ઇશ્વરે કાળા તમસ પર શ્યામ અક્ષરથી લખી,
વાત મારા ભાવિની મુજને જ વંચાતી નથી.

તું હવે તારી જ ગઝલો ભૂલવા લાગ્યો, ‘કિરણ’,
આટલી મૂડી છે તારી, એ ય સચવાતી નથી ?

Gazal , kiran chauhan