ગયા વર્ષે નવરાત્રી વખતે ફક્ત શબ્દો સાથે પ્રસ્તુત કરેલો આ ‘માર્મિક, not ધાર્મિક’ ગરબો – આજે શ્યામલ-સૌમિલના સ્વરાંકન અને શ્યામલભાઇના અવાજમાં ફરી.. ગરબો પણ એવો મઝાનો છે કે મારા જેવાઓની હૈયાવરાળ નીકળતી તો લાગશે જ – પણ મસમોટા ગ્રાઉંડમાં અને કાનતોડ સાઉંડમાં ગરબે રમવાવાળાઓને પણ આના પર ગરબા રમવાની મઝા આવશે..!!! 🙂
સ્વરાંકન : શ્યામલ-સૌમિલ
સ્વર : શ્યામલ મુનશી
અને હા … આ ગરબો જે આલ્બમમાંથી લેવાયો છે – અમદાવાદના Red FM નો Red Raas..!! છેલ્લા ત્રણ વર્ષથી નવરાત્રીમાં ‘માર્મિક’ ગરબાઓનું જે આલ્બમ બહાર પાડે છે – એમાં એવા ગીતો/ગરબા છે – જેની સાથે આજની પેઢીની આજની વાતો વણી લેવામાં આવી છે..!! અને એ આખા ખજાનાની ચાવી આ રહી..!! 🙂
————————————————
Posted previously on September 28, 2011:
શ્યામલભાઇનું આ ગીત મારા જેવાઓની લાગણીઓને બખૂબી વાચા આપે છે..! (નવરાત્રીના મારા થોડા સંભારણા અહિં વાંચી શકશો). અહીં શ્યામલભાઇએ જે નવરાત્રી વર્ણવી છે – એનાથી કોઇ અજાણ્યું તો નથી જ… હું પણ એવા ઘણા મેળાવડાઓમાં ‘નવરાત્રી’ અને ‘ગરબા’ ના નામે જઇ આવી છું. અને દર વખતે એક અદમ્ય ઇચ્છા પૂરી કર્યા વગર પાછી આવી છું. એ ઇચ્છા એવી છે કે – જ્યારે સ્ટેજ પરથી ‘બાબુજી ઝરા ધીરે ચલો’ કે ‘રંગીલા રે’ શરૂ થાય ત્યારે ત્યાં જઇને એમને કહી દઉં..! – ઓ બેન (કે ભાઇ), તમે જરા ગરબાની રીતે ગરબા ગવડાવોને… !
હું ભલે એવી ‘નવરાત્રી’ઓમાં ગઇ છું, અને રાતે 3-4 વાગા સુઘી એક પણ તાળી વગર દોઢિયા કરીને રમી પણ છું. અને હવે તો વળી નવું – weekend to weekend..! દેશમાં રમાતી ૯ રાતોની નવરાત્રી અહીં ૪-૫ weekend સુધી ચાલતી હોય છે..!! પણ છતાં, મને અમારી સુવિધા કોલોની (અતુલ)ની નવરાત્રી જેવી મઝા કોઇ દિવસ નથી આવી.

ગરબાની રીતે તું ગરબાને ગા,
આ કોઈ રેપ નથી, સાલસાનાં સ્ટેપ નથી, લોહીની લાલી છે, મેકઅપનો લેપ નથી.
આવડતું ના હોય તો શીખી લે જા. – ગરબાની
ડી. જે. નું બેન્ડ છે, સાથે ગર્લ-ફ્રેન્ડ છે, બોલીવુડ ટ્યુન્સ પર ફરવાનો ટ્રેન્ડ છે,
રમવા ક્યાંથી આવે જગદંબે મા !– ગરબાની
તારો તહેવાર છે, તારા સંસ્કાર છે, તારી સંસ્કૃતિને તારો આધાર છે,
દસ દિવસ માટે તો ગુજરાતી થા. – ગરબાની
મસમોટા ગ્રાઉન્ડમાં, કાનતોડ સાઉન્ડમાં, અસ્તવ્યસ્ત નાચે સૌ, કોઈ નથી રાઉન્ડમાં,
હાલ થયા ગરબાના સરવાળે આ !– ગરબાની
– શ્યામલ મુનશી