પ્રિયકાન્ત મણિયાયનું આ ખૂબ જ જાણીતું અને મોટેભાગે બધાને માટે થોડું ખાસ એવું રાધા-કૃષ્ણ કાવ્ય.. આમ તો ઘણા વખતથી આ ગીત સૌમિલ – આરતી મુન્શીના કંઠે ટહુકે છે ટહુકો પર.. અને એ ગીતની શરૂઆતમાં તુષારભાઇની જે પ્રસ્તાવના છે, એ પણ એક અલગ કાવ્ય જ હોય જાણે.. આજે એક વધુ સ્વર સાથે આ ગીત ફરી એકવાર..
મમ્મી ગુજરાતી ટીવી ચેનલ ચાલુ રાખતી ત્યારે આમ તો હું અકળાતી.. પણ આજે સમજાય છે કે ગુજરાતી સાહિત્ય-કવિતા પ્રત્યેનો પ્રેમ મને મમ્મી પાસેથી જ મળ્યો છે. મને બરાબર યાદ છે કે આ ગીત પહેલીવાર ટીવી પર સાંભળેલું ત્યારે મમ્મી સાથે હતા, અને એમણે એ પણ જણાવેલુ કે એમણે ગુજરાત વિદ્યાપીઠમાં કવિના મુખે આ ગીત સાંભળ્યું છે.
આજે ૨૫ મી મે એટલે મારા માટે થોડો ખાસ દિવસ.. મમ્મી પપ્પાના અને સાથે એક વ્હાલી સખીના લગ્નની વર્ષગાંઠ. એમને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આ સનાતન પ્રેમ કાવ્ય ભેટ..!
સ્વર : નિરુપમા શેઠ
સંગીત : અજિત શેઠ
.
=================
Posted on August 26, 2006.
આમ તો પ્રભૂ એક જ છે, અને જુદાં જુદાં તો ફક્ત એના નામ છે.. આ વાત હું પણ માનું છું, અને તો યે પ્રભૂનું ‘કાનુડા’નું રૂપ મને ઘણું વધારે વ્હાલું. ઘણાં વર્ષો પહેલા દૂરદર્શન ગુજરાતીના એક કાર્યક્રમમાં ‘આશિત દેસાઇ અને હેમા દેસાઇ’ના કંઠે આ ગીત સૌથી પહેલી વાર સાભળ્યું, અને તરત જ સીઘું દિલમાં કોતરાઇ ગયું. પછી ઘણું શોધ્યું, પણ કોઇ કેસેટમાં મળ્યું જ નહીં. (ઓડિયો સીડી ત્યારે આટલા ચલણમાં નો’તી.) લગભગ 3-4 વર્ષ પહેલા ચિત્રલેખાના કોઇ અંકમાં ‘પ્રભાતના પુષ્પો’ વિભાગમાં જ્યારે આ કાવ્ય લખાયું, ત્યારે તો એવું થયું, કે આ અંકમાં બીજું કંઇ પણ ના હોય તો યે ચાલે. હું તો આ ગીતના શબ્દો મેળવીને જ ખુશ હતી, ત્યાં તો અચાનક એક દિવસ ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કેસેટમાં આ ગીત સાંભળવા પણ મળ્યું. વાહ વાહ… ત્યારે જે ખુશી થઇ હતી, એને શબ્દો આપવાનું મારી આવડતની બહાર છે…
આજે જન્માષ્ટમી. આજે ટહુકા પર કાનુડા સિવાય બીજું કશું તો ક્યાંથી હોય ?
સ્વર : સૌમિલ, આરતી મુન્શી.
.
આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે,
આ સરવરજળ તે કાનજી
ને પોયણી તે રાધા રે,
આ બાગ ખીલ્યો તે કાનજી
ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી
ને કેડી ચડે તે રાધા રે,
આ ચાલ્યાં ચરણ તે કાનજી
પગલી પડે તે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી
ને સેંથી પૂરી તે રાધા રે,
આ દીપ જલે તે કાનજી
ને આરતી તે રાધા રે,
આ લોચન મારાં કાનજી
ને નજરું જુએ તે રાધા રે !
કવિ શ્રી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ને એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.. ! અને સાથે એમનો આ ગરબો બે અલગ-અલગ સ્વરાંકન સાથે.. આરતી મુન્શીના મીઠેરા સ્વર સાથે…!
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીને એમની પૂણ્યતિથિને દિવસે શ્રધ્ધાંજલી.. ! ( જન્મ – August, 17, 1896 :અવસાન – March 9, 1947 ). અને સાંભળીયે આ સુંદરગીત..!
સાથે આજે તમારા માટે એક કામ લઇને આવી છું. મકરંદ દવે એ ઝવેરચંદ મેઘાણી માટે લખેલું કાવ્ય ‘મેઘાણીને’ – શોધી આપશો?
વાત સૂર-સંગીતની હોય કે પ્રેમની, રાધા-માધવ અને વાંસળી વગર અધૂરી જ કહેવાય… જાણે રાધાના આવતા એના ઝાંઝર રણકે એના અવાજ સાથે શરૂ થતું સંગીત અને એમાં આરતી મુન્શીનો વાંસળીના સૂર જેવો મીઠેરો અવાજ.. રાધા-માધવની સાથે સાથે આપણે ય સૂર સૂર થઇ જઇએ એવું ગીત…
આજનું આ મારું તો અતિપ્રિય ગીત ખરું જ – અને આ ગીત વિષે થોડી વાત વિવેક ટેલરના શબ્દોમાં …
‘હસ્તાક્ષર’ના છ ભાગમાંથી કયું ગીત મને સૌથી વધુ સ્પર્શી ગયું છે એમ કોઈ પૂછે તો નિમિષમાત્રનો વિલંબ કર્યા વિના હું આ ગીત પર આંગળી મૂકું. કવિતાની દૃષ્ટિએ ઉત્તમ ગીત, સ્વરબદ્ધતાની નજરે શ્રેષ્ઠ અને ગાયકી જુઓ તો એ પણ બેમિસાલ… હસ્તાક્ષરની MP3 ગાડીમાં વાગતી હોય ત્યારે આ ગીત જેટલીવાર રસ્તામાં આવે, છ-સાતવાર એકધારું સાંભળું નહીં ત્યાં સુધી ચેન પડતું નથી….
આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
આંખોમા બેઠેલા…
કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
આંખોમા બેઠેલા…
શ્યામલ, સૌમિલ – આરતી મુન્શી અને એમની ટીમ હમણા અમેરિકાના પ્રવાસે આવી છે. ટહુકો પર તો આપણે એમને હંમેશા સાંભળ્યા જ છે, અને વધુ ને વધુ સાંભળશું, પણ જો તમને મોકો મળે – તો એમને રૂબરૂ સાંભળવાનો અવસર ચૂકી ના જતા… મેં એમને અમદાવાદના એક પ્રોગ્રામમાં સાંભળ્યા હતા, અને એ અનુભવને શબ્દો આપવાનું મારા માટે મુશ્કેલ છે.
આ લ્યો… આજનું આ ગીત મારા માટે… (એટલે કે હું અને અમિત – બંને માટે)
કવિ તુષાર શુક્લની કલમનો જાદુ હોય, પછી ગીતની મીઠાશ માટે બીજું કઇં કહેવાનું બાકી રહે? અને આ ગીત સાંભળતાની સાથે જ કવિ તુષાર શુક્લનું જ એવું જ મઘમીઠું ગીત – એક હુંફાળો માળો… યાદ આવે ને?
કોઇ કહે કે મૂળ ઉખડશે
કોઇ કહે કે ડાળો
શંકા છેદી કરીયે સૈયર
સમજણનો સરવાળો
——————————-
અને હા, એક મહત્વની વાત કહેવાની તો રહી જ ગઇ… આ ગીતના કવિ તુષાર શુક્લ, અને ગાયક સંજય ઓઝા – પોતાની ટીમ સાથે હમણા અમેરિકામાં છે. એક-બે દિવસમાં એમના પ્રોગ્રામની વધુ માહિતી ટહુકો પર જરૂર મુકીશ.
તુષાર શુક્લનું આ ગીત દરેક લગ્નપ્રસંગે ભેટ આપવા જેવું છે… સહિયારા જીવનના સ્વપ્નને કવિએ અહીં એવી સરસ રીતે શબ્દોમાં ઢાળ્યું છે કે.. વાહ ! સિવાયના કોઇ શબ્દો યાદ જ ન આવે…!!
તુજ ઓષ્ઠોથી એક ગીત સર્યું,
મટકીથી શીતળ જળ ઝર્યું, કિન્નરી કંઠથી કવન કર્યું.
(લ્યો લ્યો રે દાદા ચુંદડી)
તુજ ઓષ્ઠોથી એક ગીત સર્યું,
મટકીથી શીતળ જળ ઝર્યું, કિન્નરી કંઠથી કવન કર્યું.
જનમ જનમ યાદ રહી જાય એ ગાણું તારે ગાવું નો’તું!
———————–
કવિએ પતિ અને પત્નીના સંબંધને ઝાડ અને વેલની ઉપમા આપી છે. ઝાડ જમીનમાં ઊંડે પોતાના મૂળિયાં દાટે છે અને ટટ્ટાર થઈ એક સ્વમાનથી પોતાના અસ્તિત્વને દુનિયાની વચ્ચે ખડું કરે છે. થાક્યાંને છાંયો આપી વિસામો આપે છે, ભૂખ્યાંને ફળપાન આપી ખોરાક આપે છે. ઝાડની ગતિ હંમેશા ઊર્ધ્વ હોય છે અને એક ઉચ્ચ ધ્યેયનું demonstration કરી જાય છે. આવા કલ્યાણના કામોમાં થાકેલા પાકેલા ઝાડને એક દિવસ એક નાજુક નમણી વેલ આવીને પૂછે છે કે તમે આ બધું એકલા કરો છો, તો મને તમારી જીવનસાથી બનાવશો? આપણે બન્ને સાથે સંસાર માંડશું- અને ઉદભવ્યું પહેલવેલું લગ્ન! વેલી એ નબળાઈનું નહીં, નમણાઈનું પ્રતિક છે. વેલી ઝાડ ફરતે વીંટળાય છે ત્યારે એ એક આધાર શોધે છે એટલું જ માત્ર બસ નથી, એ ઝાડની રુક્ષતાને ઢાંકતો શણગાર પણ બને છે! ઝાડના થડની એકએક ખરબચડી ચામડીને વેલ ઢાંકે છે. વેલીના વીંટળાવાથી ઝાડને એક નવું જીવન મળે છે, એના જીવનની એકેએક ઘટનાઓને મીઠો અર્થ મળે છે. અને વેલ પણ પોતાનાં મૂળિયાં ઝાડની અંદર ખૂંપે છે, વેલનો શ્વાસ કહો, ધડકન કહો, પ્રાણ કહો એ સઘળું એનું ઝાડ છે! વેલીની દરેક લાગણીઓને સમજે છે એ ઝાડ! આવી વેલ સંપૂર્ણ ખીલી ઊઠે છે, મ્હોરી ઊઠે છે, મહેંકી ઊઠે છે, ભરાઈ જાય છે…….પતિ અને પત્નીનું પણ આવું જ છે- પતિ એ ઝાડ અને પત્ની એ વેલ!
આવાં વૃક્ષ અને વેલ જેવાં પતિ અને પત્નીને ભાગ્યવશાત જુદાં પડવાનું થયું ત્યારે એમના ઉપર શું વીતતું હશે? કવિ ખૂબ જ સરળ ભાષામાં પતિની એ વેદનાને વ્યક્ત કરતાં કહે છે કે આમ અચાનક જાવું નો’તું, જાવું’તું તો તરુવર ફરતું વેલી શું વીંટળાવું નો’તું! એ વેદના એટલી તીવ્ર હોય છે કે ઘડીભર તો કહેવાનું મન થઈ જાય કે આમ મને છોડી દેવાના હતા તો આટલો બધો પ્રેમ કેમ કર્યો?? બન્નેને એ જુદાઈનો શૂન્યાવકાશ સહન કરવો કપરો લાગે છે. પતિનું આ દુખ એ કોઈને કહી શકતો નથી કારણ કે કોઈ એને સમજી શકે એટલું sensitive છે જ નહીં. અને આ કહેતાં કહેતાં એને હમણાં જ દૂર થયેલી પત્ની યાદ આવે છે…આજ સખી એણે આંખલડીના કાજલની કરી ચોરી એ ગીતને સ્ત્રીના અવાજમાં મૂકીને સ્વરકાર દક્ષેશ ધૃવે કમાલ કરી છે. જુદાઈમાં ઝૂરતો પતિ કે જેની સંવેદના વિયોગથી ક્ષુબ્ધ થઈ ગઈ છે, જેને થાય છે કે વેલી શું વીંટળાવું નો’તું, એને પાછી પત્નીની મીઠી યાદ આવી જાય છે એના પ્રતિક રૂપે આ ગીતની પંક્તિ સ્ત્રીના અવાજમાં આવે છે- કાજલની કરી ચોરી….પતિની પાછી ભૂતકાળનાં સંસ્મરણોની સફર આગળ ચાલે છે- એણે મને ખોબે ખોબા ભરીને પ્રણયામૃત પાયું હતું, એણે પોતાના પ્રાણ રેડીને કેટકેટલું કર્યું હતું મારા માટે! આખી દુનિયાને એક બાજુ પર રાખીને ધસમસતી નદીની જેમ મને વળગી પડી હતી એ! સ્વરકાર અહીં પાછા પત્નીના અવાજમાં એક ગીત લઈને આવે છે- ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળીયા! પણ પાછો એ વિરહી જીવ વર્તમાનમાં આવે છે ત્યારે બોલી પડે છે કે હ્રદયસભર અમી આપવું નો’તું!! પતિનું આ મીઠી યાદો વાગોળવી અને પાછું કહેવું કે આટલો બધો પ્રેમ કરવો નો’તો એ ચાલુ જ રહે છે….
પતિને યાદ આવે છે પત્નીનું એ ગીત કે જે પતિ કોઈ કામથી બહારગામ ગયા હોય ત્યારે ફોન ઉપર વારંવાર ગાતી હતી, મસ્તી ચડે ત્યારે ગાતી હતી, કૃતજ્ઞતાથી ઘેલી થઈને ગાતી હતી…એવું તો એ ગીત એના કાનમાં ગાયું હતું કે એ એમનું જીવનસંગીત બની રહ્યું હતું. બન્નેનાં જીવન જ એક ગીતરૂપ બની ગયાં હતાં કે લોકો એ ગીતને ગાતાં હતાં, અનુસરતાં હતાં. છોકરો અને છોકરી હમણાં જ પ્રેમમાં પડ્યા હોય તો આ પતિપત્નીનાં જીવનગીત સમું જીવવાના એકબીજાને કોલ આપતાં હતાં! પત્નીનો એક એક બોલ જાણે મટકીથી શીતળ જળ ઝર્યું! પત્નીના જીવનની એક એક ક્ષણ એના માટે કવિતા બની રહેલી. સ્વરકાર અહીં પણ પત્નીના અવાજમાં બે ગીત લાવી મૂકે છે….પણ આખરે તો એ કરૂણ વાસ્તવિકતા આવી ઊભી કે જનમ જનમ યાદ રહી જાય એ ગાણું તારે ગાવું નો’તું! શું કરે એ પરાધીન હ્રદય? એને ખબર છે કે પત્નીની મીઠી યાદો જ એના શેષ જીવનનું પાથેય છે, છતાં પલભર તો બોલાઈ જાય છે કે તમે આટલો બધો પ્રેમ મને કેમ કર્યો?
Note: અહીં પતિપત્નીના એકબીજાથી દૂર જવાના સંદર્ભમાં ઉપરનું લખાણ લખાયું છે, પરંતુ હકીકતમાં કવિ દેવજીભાઈ મોઢાએ પોતાની સહધર્મચારિણીના મૃત્યુ સમયે આ રચના કરી હતી. એના સ્વરનિયોજન માટે ક્ષેમુભાઈ દિવેટીયાને આ ગીત આપવામાં આવ્યું હતું, પણ એ વખતની એમની અત્યન્ત સંવેદનશીલ સ્થિતિને લીધે એ સ્વર આપી શક્યા નહીં. એટલે આખરે દક્ષેશભાઈ ધૃવે એનું સ્વરાંકન કર્યું અને ક્ષેમુભાઈનાં પત્ની સુધાબેનની યાદ રૂપે એમનાં ગાયેલાં/મનપસંદ ગીતોની એક-બે પંક્તિઓ દેવજીભાઈ મોઢાના ગીતની વચ્ચે વચ્ચે મૂકી દીધી!…અને શ્રુતિવૃંદ તરફથી સૌમિલ-આરતી મુન્શીએ એ ગીત ગાયેલું!!