Category Archives: કાવ્યપ્રકાર

હજુ રસભર રાત તો – અવિનાશ વ્યાસ

ગઇકાલે – ૨૧ જુલાઈ એટલે ઉમાશંકર જોશીના જન્મશતાબ્દી વર્ષની શરૂઆત – અને સાથે કવિ – સ્વરકાર – અને ગુજરાતી સંગીતજગતનો આધાર સ્તંભ – એવા શ્રી અવિનાશ વ્યાસનો પણ એ જ દિવસે જન્મદિન..!! એમને ફરી એકવાર યાદ કરી માણીએ એમની આ યાદગાર રચના….. સ્વરાંકન શ્રી ગૌરાંગ વ્યાસનું – અને સાંભળીએ આ ગીતની મૂળ ગાયિકાઓના સ્વરમાં..

ગુજરાતી ગીતોમાં female duets આમ ઘણા ઓછા છે – એ રીતે પણ આ ગીત ઘણું ખાસ ગણાય….

સ્વર : વિભા દેસાઈ અને હર્ષિદા રાવલ

.

હજુ રસભર રાત તો બાકી રહી ગઈ,
ના જા, ના જા, સાજના…..

હજુ ચંદ્ર નથી બુઝાઈ ગયો
છે તારાઓની છાંય,
હજુ રજનીના શ્યામલ પગલાં
થોડું દૂર રહ્યું છે પ્રભાત…
જરી જંપ્યુ ગગન વિરાટ,
ના જા, ના જા, સાજના…..

હજુ ચંદનભીની કુંજન છે
હજુ સૂર ગુંજે સૂનકાર…
હજુ ઢળ્યું નથી કંકુ સૂરજનું
તિમિર ને પગથાર.
હજુ ઝાંખી બળે દીપમાળ,
ના જા, ના જા, સાજના…..

– અવિનાશ વ્યાસ

રામમઢી રે મારી રામમઢી – ઉમાશંકર જોશી

આજે ૨૧ જુલાઈ એટલે ઉમાશંકર જોશીની જન્મશતાબ્દી છે. એ અવસરે એમની આ યાદગાર રચના…..

આલ્બમ : હસ્તાક્ષર
સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : રવિન્દ્ર સાઠે

.

રામમઢી રે મારી રામમઢી,
ગંગા ને કાંઠે રામમઢી;
રામમઢી રે મારી રામમઢી,
જમુના ને કાંઠે રામમઢી.

કોઈ સંતન આવે મંગલ ગાવે,
અલખ ધૂનરસ રંગ લગાવે;
આવે કોઈ અવધૂત ચઢી,
રામમઢી રે મારી રામમઢી….

રસભર હૈયાની ડોલે નૈયા,
પીયુ પીયુ બોલે પ્રાણ પપૈયા;
ચેતનની વરસંત ઝડી,
રામમઢી રે મારી રામમઢી….

– ઉમાશંકર જોશી

પહેલી હેલી પછી – ઉશનસ્

પ્હેલા મેઘે અજળ ઉજડેલી સીમે રંગ લીધો !
ભીંજાયેલી ધરતી ઊઘડી શી ભીને વાન રમ્ય !
ધોવાઈને નીલમ સરખા જાંબલી ડુંગરાઓ !
વ્હેવા માંડ્યા ઘવલફીણના ફૂલગુચ્છે ઝરાઓ !

બીડે ઝીણું મખમલ ફૂટ્યું કો રહસ્યે અગમ્ય !
જેવી હેલી શમી, કંઈક ખેંચાઈ જ્યાં મેઘજાળ
ત્યાં ડોકાતો ગગનપરીનો શો બિલોરી મહાલ !
આભા ભીની ચકરઈ રહી પૃથ્વી યે સ્નિગ્ધઘેરી

જેમા પ્હેલાં સલિલ પુરકાસારનાં યે સુનેરી !
પ્હેલી હેલી પછીથી ઊઘડે પંકમાં યે પ્રસાદ
થોડું નીલું ગગન ખૂલતાં રંગ લેતો વિષાદ :
વાછંડોની-નયનજલશી-વ્યોમ વ્યાપી ભીનાશો
ધીમેધીમે પ્રગટતું ધનુ ઇન્દ્રનું અદ્રિશૃંગે,
સાતે વર્ણે વિકસતી ન શું વ્યોમમાં કોઈ યાદ.

– ઉશનસ્

તો તુ શું કરીશ ? – મુકેશ જોષી

ખેરવી નાખે જ તારાં પાન તો તુ શું કરીશ ?
ખીલવાનું દે પછી આહ્વવાન તો તુ શું કરીશ ?

વેશ સાધુનો લૈ તું બ્રહ્મચારી થાય પણ
જાગશે તારા મહી શેતાન તો તુ શું કરીશ ?

એમને મુઠ્ઠી ભરી તુ શાપ દેવા નીકળે
એ તને જો આપશે વરદાન તો તુ શું કરીશ ?

કાલ જેને તે હણ્યો તે સત્યવક્તા હુ હતો
રુબરુ આવી કહે ભગવાન તો તુ શું કરીશ ?

જિંદગી વાંચીને તારી એ કરે જો ફેસલો
ભાગ્યમાં તારા નથી અવસાન તો તુ શું કરીશ ?

– મુકેશ જોષી

પ્રેમ કરું છું – તુષાર શુક્લ

સ્વરાંકન – સ્વર: નયન પંચોલી

Carmel-by-the-Sea, California

.

પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું,
જાણું નહીં કે કેટલો ને કેમ કરું છું.

વધતો રહે છે, સહેજ પણ ઘટતો નથી કદી
છલકાતો જાય છે, હું જેમ જેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

દિવસો વીતી રહે છે તને જોઈ જોઈને,
રાતો પસાર હું જેમ-તેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

ખીલતો રહું છું હુંય ને ખૂલતો જઉં છું હું,
ગમતું રહે છે જેમ તને હું તેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

ભૂલીને ઘાટ જૂજવા એકાંતની ક્ષણે,
ઓગાળી એને હેમનું હું હેમ કરું છું.
હું તને પ્રેમ કરું છું..

– તુષાર શુક્લ

મરવાનું મન થયું – અમર પાલનપુરી

સ્વર – સંગીત : હરીશ સોની

.

તરછોડ્યો જ્યારે આપે, હસવાનું મન થયું;
બોલાવ્યો જ્યારે પાછો, તો રડવાનું મન થયું.

ખોળામાં જ્યારે કોઈના માથું મૂકી દીધું;
સોગંદ જીવનના, ત્યાં ને ત્યાં મરવાનું મન થયું.

દિલને મળ્યું જે દર્દ એ ઓછું પડ્યું હશે!
નહિતર ફરી કાં આપને મળવાનું મન થયું?

દીઠી જ્યાં મસ્ત ઝૂલ્ફ ને ચકચૂર આંખડી,
તૈબાને ઘોળી, પ્યાલીઓ ભરવાનું મન થયું.

ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ;
નહિતર કાં એની લાશને તરવાનું મન થયું!

– અમર પાલનપુરી

અમે ફેર ફુદરડી ફરતા તાં….

સ્વર – અંજના દવે
સંગીત – ઉદયન ભટ્ટ
આલ્બમ – આંગણામાં નાચે મોર (ગમતાં બાળગીતો)

.

અમે ફેર ફુદરડી ફરતાં તાં
અમે ફેર ફુદરડી ફરતાં તાં
ફેર ફુદરડી ફરતાં ફરતાં
પડી જવાની કેવી મજા
ભાઈ પડી જવાની કેવી મજા

અમે સાતતાળી રમતાં તાં
અમે દોડમ દોડી કરતાં તાં
દોડમ દોડી કરતાં કરતાં
બેસી જવાની કેવી મજા
ભાઈ બેસી જવાની કેવી મજા

અમે આમલી પીપળી રમતાં તાં
અમે ઝાડે ઝાડે ચડતાં તાં
ઝાડે ઝાડે ચડતાં ચડતાં
લપસી જવાની કેવી મજા
ભાઈ લપસી જવાની કેવી મજા

અમે સંતાકુકડી રમતાં તાં
અમે ખોળમ ખોળાં કરતાં તાં
ખોળમ ખોળાં કરતાં કરતાં
પકડાઈ જવાની કેવી મજા
ભાઈ પકડાઈ જવાની કેવી મજા

અમે ઉંદર બિલ્લી રમતાં તાં
અમે ચું ચું મ્યાઉં મ્યાઉં કરતાં તાં
ચું ચું મ્યાઉં મ્યાઉં કરતાં કરતાં
નાસી જવાની કેવી મજા
ભાઈ નાસી જવાની કેવી મજા

માત ભવાની દુર્ગે – પરેશ ભટ્ટ

આજે જુલાઇ ૧૪, સ્વરકાર શ્રી પરેશ ભટ્ટની પુણ્યતિથિ. તો આજે એમનું આ અદભૂત સ્વરાંકન, એમના પોતાના અવાજમાં સાંભળીને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.

સ્વર – સંગીત : પરેશ ભટ્ટ

કેમ છો ? – ચિનુ મોદી

હજુ ગઇકાલે જ કવિ શ્રી ચિનુ મોદી પાસેથી આ કવિતા સાંભળી. અમારા ‘ડગલો‘ ના બેનર તળે અમે ચિનુભાઇ જેવા Legendary કવિને બોલાવી શક્યા અને એક મઝાની સાંજ એમની સાથે માણવા મળી એ અમારું સદભાગ્ય. તો વધુ પૂર્વભૂમિકા વગર ફરીથી મમળાવીએ – એમનું આ મઝાનું ગીત..!

કેમ છો ? સારું છે ?
દર્પણમાં જોએલા ચહેરાને રોજ રોજ
આમ  જ  પૂછવાનું  કામ  મારું  છે ?
કેમ છો ? સારું છે ?

અંકિત  પગલાંની  છાપ  દેખાતી  હોય
અને મારગનું નામ ? તો કહે: કાંઈ નહીં,
દુણાતી   લાગણીના   દરવાનો   સાત
અને દરવાજે કામ ? તો કહે: કાંઈ નહીં;
દરિયો  ઉલેચવાને  આવ્યાં  પારેવડાં
ને  કાંઠે  પૂછે   કે   પાણી  ખારું  છે ?
કેમ છો ? સારું છે ?

પાણીમાં   જુઓ   તો   દર્પણ  દેખાય
અને  દર્પણમાં  જુઓ  તો  કોઈ નહીં,
‘કોઈ નહીં’ કહેતામાં ઝરમર વરસાદ
અને  ઝરમરમાં  જુઓ તો કોઈ નહીં;
કરમાતાં   ફૂલ   ખરતાં  બે  આંસુઓ
ને   આંખો  પૂછે  કે  પાણી  તારું છે ?
કેમ છો ? સારું છે ?

– ચિનુ મોદી

મનોજ પર્વ ૧૪ : ક્યાંય પણ ગયો નથી – સુરેશ દલાલ

આજે આ વર્ષના મનોજ પર્વનો છેલ્લો દિવસ… પણ ગયા વર્ષે પણ કહ્યું હતું એમ, આ તો અલ્પવિરામ છે. આવતા વર્ષે ફરીથી મનોજભાઇના શબ્દોનો ઉત્સવ ઉજવશું..!!

અને ગયા વર્ષે કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના શબ્દોમાં મનોજભાઇને અંજલિ અર્પી હતી.. દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે – એ જ ભાવ સાથે આજે કવિ શ્રી સુરેશ દલાલના શબ્દોમાં મનોજભાઇને શબ્દાંજલિ..!

ક્યાંય પણ ગયો નથી : હાજરાહજૂર છે
જૂનાગઢ શહેરમાં એક ગુલમહોર છે.
નરસિંહના ઝૂલણા છંદમાં ઝૂલતો
ઝૂલતો આ રહ્યો : ગઝલનો પ્હોર છે.

ક્ષણોને તોડતો, બુકાની છોડતો
હ્રદયને જોડતો ગઝલ-ઘાયલ કવિ
કેટલા લય નવા, કેટલી કલ્પના :
કલમની મશાલને તેં નથી ઓલવી.

તું મનોજ : કામદેવ :
ગઝલને સો વરસ થઈ ગયાં તે છતાં
મનોજના હાથમાં રેશમી દોર છે
નરસિંહના ઝૂલણા છંદમાં ઝૂલતો
ઝૂલતો આ રહ્યો : ગઝલનો પ્હોર છે.

– સુરેશ દલાલ