Category Archives: અમર પાલનપુરી

આંખોમાં છલકતો કૈફ હશે – અમર પાલનપુરી

આલ્બમ: હવે બોલવું નથી
ગાયક અને સ્વરકાર : હરીશ સોની

.

આંખોમાં છલકતો કૈફ હશે,હાથોમાં ભરેલા જામ હશે;
બોલાવ્યા અમે ના બોલીશું,પણ હોઠે તમારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

મેં લાખ ગુનાઓ કીધાં છે,પણ સાવ નિખાલસ હૈયાથી;
હો નર્ક જ મારું ધામ ભલે,પણ સ્વર્ગમાં મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

હું તુજને કરી દઉં માફ ભલે,પણ લોક નહીં છોડે તુજને;
જે માર્ગમાં માર્યો તેં મુજને,એ માર્ગ પર મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’,હમદર્દી ખપે ના દુનિયાની;
મનગમતો દિલાસો મળશે તો,આરામ હશે આરામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે….
~ અમર પાલનપુરી

તરછોડ્યો જયારે આપે – અમર પાલનપુરી

સ્વર : આલાપ દેસાઈ

.

આલ્બમ: હવે બોલવું નથી
ગાયક અને સ્વરકાર : હરીશ સોની

.

તરછોડ્યો જયારે આપે, હસવાનું મન થયું
બોલાવ્યો જયારે આપે, રડવાનું મન થયું

ખોળામાં જયારે આપના, માથું મૂકી દીધું
સોગંદ તમારા ત્યાંને ત્યાં મરવાનું મન થયું

દિલને મળ્યું જે દર્દ તે ઓછું પડ્યું હશે
નહિતર ફરી કાં આપને મળવાનું મન થયું

ડૂબ્યો નથી અમરને, ડૂબાડ્યો છે કોઈએ
નહિતર કાં એની લાશને તરવાનું મન થયું
– અમર પાલનપુરી

આંખોમાં છલકતો કૈફ હશે – અમર પાલનપુરી

સ્વર – સંગીત : હરીશ સોની
આલ્બમ: ઉઝરડા

.

આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે;
બોલાવ્યા અમે ના બોલીશું, પણ હોઠે તમારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

મેં લાખ ગુનાઓ કીધાં છે, પણ સાવ નિખાલસ હૈયાથી;
હો નર્ક જ મારું ધામ ભલે, પણ સ્વર્ગમાં મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

હું તુજને કરી દઉં માફ ભલે, પણ લોક નહીં છોડે તુજને;
જે માર્ગમાં માર્યો તેં મુજને, એ માર્ગ પર મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’, હમદર્દી ખપે ના દુનિયાની;
મનગમતો દિલાસો મળશે તો, આરામ હશે આરામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે….

મરવાનું મન થયું – અમર પાલનપુરી

સ્વર – સંગીત : હરીશ સોની

.

તરછોડ્યો જ્યારે આપે, હસવાનું મન થયું;
બોલાવ્યો જ્યારે પાછો, તો રડવાનું મન થયું.

ખોળામાં જ્યારે કોઈના માથું મૂકી દીધું;
સોગંદ જીવનના, ત્યાં ને ત્યાં મરવાનું મન થયું.

દિલને મળ્યું જે દર્દ એ ઓછું પડ્યું હશે!
નહિતર ફરી કાં આપને મળવાનું મન થયું?

દીઠી જ્યાં મસ્ત ઝૂલ્ફ ને ચકચૂર આંખડી,
તૈબાને ઘોળી, પ્યાલીઓ ભરવાનું મન થયું.

ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ;
નહિતર કાં એની લાશને તરવાનું મન થયું!

– અમર પાલનપુરી

તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે

સ્વર : સંગીત : ??

.

તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે છે

બતાવો પ્રેમપૂર્વક જર્જરીત મારી કબર એને
જ્યારે જાલિમ જમાનો જીંદગીનો સાર માંગે છે

છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઇ નથી શકતી
વિજયની છે સરસ બાજી ને હૈયું હાર માંગે છે

અમરનું મોત ચાહનારા લઇલો હૂંફમાં એને
મરી જાશે એ મરવાને તમારો પ્યાર માંગે છે

એક ઉઝરડે – અમર પાલનપુરી

ઈર્ષ્યા જ્યારે આળસ મરડે;
ખાર તો શું, ખુદ ફૂલો કરડે.

ધોઇ નાખ્યા હાથ સ્વજનથી,
કોણ હવે શત્રુમાં ખરડે?

ભૂલ્યા કેમ ભુલાશે મિત્રો?
ઘાવ હજુ તાજા છે બરડે!

ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ –
જાન ગયો છે એક ઉઝરડે.

મેરુનો મહિમા ગાનારા,
અંજાયા છે એક ભમરડે!

કહેશે કોણ ઝવેરી તમને?
ફેંકી દીધાં રત્ન ઉકરડે!

રાખ્યું નામ અમર એથી શું?
કોને છોડ્યો મોતના ભરડે?

જરા તો નજીક આવ ! – અમર પાલનપુરી

છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ !
ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ !

મોટેથી કહી શકાય, નથી એવી વાત એ;
સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ !

અંતર હંમેશા પ્રેમમાં અંતરાય થાય છે,
રાખીને એ ખયાલ, જરા તો નજીક આવ !

ટાઢક વળે છે દિલને મહોબતની આગથી;
જોવાને એ કમાલ, જરા તો નજીક આવ !

જાવું છે મારે દૂર ને ઝાઝો સમય નથી,
છોડીને સૌ ધમાલ, જરા તો નજીક આવ !

વાગી રહી છે મોતની શરણાઇઓ અમર,
જોવા જીવનનો તાલ, જરા તો નજીક આવ !