Category Archives: કાવ્યપ્રકાર

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (ગઝલ) હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે – રાજેન્દ્ર શુક્લ

વર્ષો પહેલા વિદેશથી આવીને હવે આપણા ગુજરાતી સાહિત્ય – ગુજરાતી સંગીત જગતનું અભિન્ન અંગ બની ગયેલો કાવ્ય-પ્રકાર એ – ગઝલ. કશે એવું સાંભળ્યા/વાંચ્યાનું યાદ છે કે – એક હિન્દી/ઉર્દુ ભાષાના શાયરે એવી ટકોર કરી હતી કે જે કક્ષાની ગઝલો ગુજરાતીમાં લખાય છે, એટલી ઉંચી કક્ષાની ગઝલો તો હવે હિન્દી/ઉર્દુમાં પણ નથી લખાતી..!

આજે માણીએ –

ગુજરાતી કવિતા અને ગઝલ ક્ષેત્રે જેમનો જુદો અવાજ છે, તે કવિ – શ્રી રાજેન્દ્ર શુક્લ!

એ લખે કે –

જુદી જ તાસીર અસર અલગ છે, જુદી ભોમકા અવાજ જુદો;
પ્રવાહ જુદો, જુદું વહન છે, જુદી ગઝલ ને મિજાજ જુદો!

રસમ શબ્દની અહીં અનોખી, અકળ મૌનનો રિવાજ જુદો;
જુદી જ મ્હેફિલ, શમા જુદી છે, જુદી સમજ ને સમાજ જુદો!

જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદાં ગણાયાં,
અમારે મન તો ન કોઈ જુદું, શું કરિયેં પામ્યાં અવાજ જુદો.

આ કવિની એક ગઝલ આજે સ્વરકાર શ્રી અમર ભટ્ટના અવાજમાં સાંભળીએ.

એક ને એક જ સ્થળે મળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
પીંડ ક્યાં પેટાવવા પડીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

હેત દેખીને ભલે હળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
પાંચ ભેળા સાવ શેં ભળીએ અમે? હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

ઉભરાવું હોય તો શમવું પડે, ઉગીએ જો તો જ આથમવું પડે
મેરું ચળતાયે નહીં ચળીયે અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

કંઇક સમજ્યા ત્યારથી બેઠા છીએ, હાથમાં હુક્કો લઇ આ ઢોલિએ
ક્યાંથી મળીએ કો’કને ફળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

શબ્દના દીવા બળે છે ડેલીએ, આવતલ આવી મળે છે ડેલીએ
સ્વપન જેવું શીદ સળવળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે

– રાજેન્દ્ર શુક્લ

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (ફિલ્મના ગીતો) આજ મારી નણદીએ મેણું માર્યું – અવિનાશ વ્યાસ

ગુજરાતી રંગભૂમિની સાથે સાથે જુની ગુજરાતી ફિલ્મોનો પણ ગુજરાતી સંગીત-દુનિયામાં અમૂલ્ય ફાળો રહ્યો છે. કેટલાય ગીતો ફિલ્મોમાં આવીને – અને પછી નવરાત્રીમાં ગવાઇને આજે લોકગીતની કક્ષાએ પહોંચી ચૂક્યા છે. આજે લાખો-કરોડોના દિલોના રાજ કરનાર ‘જગજીત સિંગ’ ને સૌથી પહેલો ફિલ્મમાં બ્રેક – એક ગુજરાતી સંગીતકારે – ગુજરાતી ફિલ્મના ગીત માટે આપ્યો હતો. ફિલ્મ બહુરૂપી – અજિત મર્ચન્ટનું સ્વરાંકિત થયેલું એ ગીત – ‘લાગી રામ ભજનની લગની’.

અને એ જ સ્વરકાર – અજિત મર્ચન્ટનું સ્વરાંકિત અને દિલીપ ધોળકિયાના સ્વર મઢ્યું, ગુજરાતી ફિલ્મ દીવાદાંડીનું એક ગીત – તારી આંખનો અફીણી – એ હદે લોકપ્રિય થયું છે કે એ ગીતના ૫૦ વર્ષ પૂરા થયાનો સમારંભ રાખવામાં આવ્યો હતો.

જો કે ગુજરાતી રંગભૂમિની જેમ જ ગુજરાતી ચલચિત્રોની બાબતમાં મારી જાણકારી નહિવત છે. એટલે બાકીની બાતો તમારા માટે બાકી રાખું છું આજે ટહુકોની પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલમાં – ગુજરાતી ફિલ્મના ગીતોને યાદ કરી સાંભળીએ – ફિલ્મ ‘ગુણસુંદરી’નું વધુ એક નણંદ-ભાભી સ્પેશિયલ ગીત. આ ગીત પપ્પાની કેસેટમાં વર્ષો સુધી ખૂબ સાંભળ્યું છે – એટલે જ કદાચ મારા માટે એ ઘણું જ સ્પેશિયલ છે. અને ગીતની સાથે જ વ્હાલા ભાભી પણ એટલા જ યાદ આવી જાય..! જો કે મેં કોઇ દિવસ ભાભીને એવુ કંઇ સંભળાવ્યું નથી હોં – હું તો એમની ખૂબ લાડકી નણદી છું 🙂

સ્વર – ગીતા રોય
સંગીત – અવિનાશ વ્યાસ

આજ મારી નણદીએ મેણું માર્યું
આજ મારી નણદીએ મેણું માર્યું

ભાઈ ખોવાઈ ગયો ભાભી ના આવતા
બોલ્યા નણંદબા નૈનો નચાવતા
ઘરમાં બધું થાય મારી ભાભી ધાર્યું
એવું મારી નણદીએ મેણું માર્યું
આજ મારી નણદીએ મેણું માર્યું …

સ્નેહલ સમીરભર્યું કામણ તો એવું કર્યું
વહાલભરી બહેન કેરું સગપણ હાર્યું
એવું મારી નણદીએ મેણું માર્યું
આજ મારી નણદીએ મેણું માર્યું …

દિન-રાત રંગમાં ભાભીની સંગ રમે
વહુઘેલો વીરો મારો ભાભી ને ચરણ નામે
________________(??)  આજ વિસાર્યું
એવું મારી નણદીએ મેણું માર્યું
આજ મારી નણદીએ મેણું માર્યું …

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (રંગભૂમિના ગીતો) પ્રિતમજી આણા મોકલે – પ્રભુલાલ દ્વિવેદી

ગુજરાતી રંગભૂમિએ ગુર્જરભાષાને કેટકેટલાય અવિસ્મરણીય ગીતોથી સમૃધ્ધ કરી છે. ૧૮૫૩માં ૨૯ ઓક્ટોબરના રોજ ‘રુસ્તમ, જાબુલી અને સોહરાબ’ નામના નાટક સાથે શરૂ થયેલી રંગભૂમિની યાત્રા આજે ૧૫૮ વર્ષો પછી પણ અવિરત આગળ વધી રહી છે. અને આ વર્ષોમાં ‘સાહ્યબો મારો ગુલાબનો છોડ‘ થી લઇને ‘પ્રિય પપ્પા હવે તો તમારા વગર’ જેવા કેટલાય યાદગાર ગીતો આપણને મળ્યા છે.

આજે ટહુકો પર જ્યારે પાંચમા જન્મદિવસની ઉજવણીમાં ગુજરાતી ગીતોના અલગ અલગ રસ માણીએ છીએ – તો રંગભૂમિને બાકી રખાય? તો આજે સાંભળીએ – ગુજરાતી રંગભૂમિ પર ભજવાઇને આજે લોકગીતની કક્ષાએ પહોંચેલું આ ગીત..! અમદાવાદના સમન્વય કાર્યક્રમનું આ રેકોર્ડિંગ ની શરૂઆતમાં પ્રસ્તાવના પણ એટલી જ માહિતીસભર છે.

અને હા – આજે ૧૫ જુન. ગુજરાતી રંગભૂમિનો ઉલ્લેખ જેમના નામ વગર અધૂરો ગણાય – એવા શ્રી કાંતિ મડિયાની પૂણ્યતિથિ. તો એમને પણ સાથે યાદ કરી શ્રધ્ધાંજલી સાથે માણીએ આ ગીત.

નાટક – કિર્તિસ્તંભ
સંગીત – માસ્ટર કાસમભાઇ

(ક્યારે મોકલશો આણા? .. ખાવડા, કચ્છ - Photo: Vivek Tailor)
(ક્યારે મોકલશો આણા? .. ખાવડા, કચ્છ - Photo: Vivek Tailor)

મારે સાસરિયે જાઇ કોઇ કહેજો એટલડું
કે પ્રિતમજી આણા મોકલે
મને પિયરીયામાં હવે લાગે એકડલું
કે પ્રિતમજી આણા મોકલે

રાત જાગી જાગીને જાય છે
આંખ મીંચુ તો સપના દેખાય છે
મારું હૈડું ભાનસાન ખોઇ થઇ ગ્યું ભૂલકડું
પ્રિતમજી આણા મોકલે

મને મહેણા મારે છે સાહેલડી
ફાલીફૂલી છે જીવનની વેલડી
જેવી થઈ છું કે વિરહે બળે છે કાળજડું
કે પ્રિતમજી આણા મોકલે

– પ્રભુલાલ દ્વિવેદી

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (બાળગીત) વારતા રે વારતા …

તો આજથી… ટહુકો પર પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ અઠવાડિયું..! પહેલા વિચાર આવ્યો કે ટહુકોનું ટોપ ટેન.. કે સૌથી વધુ સંભળાયેલા ગીતો.. કે મને સૌથી વધુ ગમતા ગીતો.. એવું કંઇક લઇ આવું, પણ વિચાર આવ્યો કે એ બધુ તો કટકે કટકે પાંચ વર્ષમાં આવી જ ગયું છે, એટલે કંઇક નવું જ પીરસું..! તો આવતા એક અઠવાડિયા સુધી – ગુજરાતી સંગીત જગતના થોડા જુદા જુદા રંગો.. એમ તો નહિ કહું કે આ સૌથી યાદગાર કે સૌથી વધુ લોકપ્રિય ગીતો છે – પણ હા.. કંઇક તો સ્પેશિયલ છે આ ગીતોમાં.

તો ચલો, આજે શરૂઆત કરીએ થોડા બાળગીતોથી..! ગુજરાતી માધ્યમમાં ભણેલા મારા તમારા જેવાઓની અંદર રહેતું બાળક યાદ ન આવી જાય તો કહેજો. અને હા – એક વાત કહું? આ બાળગીતોનો અમૂલ્ય વારસો જે તમને મળ્યો છે – એ આવનારી ‘જેક એન્ડ જીલ’ અને ‘ટ્વિંકલ ટ્વિંકલ’ generation ને આપશો ને? અરે સાહેબ… આ ગમતું છે – એને ગૂંજે ન ભરાય..!

તમને આ ગીતો ગમે છે…  તમે એને દિલથી માણ્યાં છે અને રાગડા તાણી તાણી ને બાલમંદિર માં લલકાર્યા છે….  તો આવતી પેઢીને પણ એ આપજો…   જો તમે નહિ આપો તો બીજે કશેથી એમને આ વારસો નહિ મળે…       તને એને – એક બિલાડી જાડી ગાતા નહિ શીખવાડો – તો શીલા કી જવાની ગાતા એ જાતે જ શીખી જશે – એમાં તમારી જરૂર નહિ પડે..!!   🙂

વારતા રે વારતા...
વારતા રે વારતા…

સ્વર – મેઘધનુષ આલ્બમના બાળકલાકારો

વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાવ સમજાવતા,
એક છોકરો રિસાયો,
કોઠી પાછળ ભીંસાયો,
કોઠી પડી આડી,
છોકરાએ ચીસ પાડી,
અરરર… માડી

****

એક બિલાડી જાડી,
તેણે પહેરી સાડી,
સાડી પહેરી ફરવા ગઈ,
તળાવમાં તે તરવા ગઈ,
તળાવમાં તો મગર,
બિલ્લીને આવ્યા ચક્કર,
સાડીનો છેડો છૂટી ગયો,
મગરના મોમાં આવી ગયો,
મગર બિલ્લીને ખાઈ ગયો.

****

મામાનું ઘર કેટલે,
દીવા બળે એટલે,
દીવા મેં તો દીઠા,
મામા લાગે મીઠા.

મામી મારી ભોળી,
મીઠાઈ લાવે મોળી,
મોળી મીઠાઈ ભાવે નહિ,
રમકડાં તો લાવે નહિ.

****

દાદાનો ડંગોરો લીધો
એનો તો મેં ઘોડો કીધો

ઘોડો કૂદે ઝમઝમ
ઘૂઘરી વાગે ઘમઘમ
ધરતી ધ્રુજે ધમ ધમ

ધમધમ ધરતી થાતી જાય
મારો ઘોડો કૂદતો જાય

કૂદતાં કૂદતાં આવે કોટ
કોટ કૂદીને મૂકે દોટ

સહુના મનને મોહી રહ્યો
એક ઝવેરી જોઈ રહ્યો

ઝવેરીએ તો હીરો દીધો
હીરો મેં રાજાને દીધો

રાજાએ ઉતાર્યો તાજ
આપ્યું મને આખું રાજ

રાજ મેં રૈયતને દીધું
મોજ કરી ખાઘું પીધું

-ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ

એવું લખ હવે – હિમલ પંડ્યા “પાર્થ”

ભાવનગર સ્થિત યુવા ગઝલકાર પ્રા. હિમલ પંડ્યા ની ગુજરાતી ગઝલોના ઓડિયો આલ્બમ ‘એવું લખ હવે’ નું તા. ૨ જુલાઈ ના રોજ કવિશ્રી અંકિત ત્રિવેદી ના હસ્તે વિમોચન થનાર છે. (સ્વરાંકન – પ્રણવ મહેતા, સ્વર – ડો. ભાવના મહેતા, સંગીત સંચાલન – નીરવ પંડ્યા તથા જ્વલંત ભટ્ટ, રેકોર્ડીંગ – સુનીલ પંડ્યા).
આલ્બમના વેચાણની તમામ આવક ‘પોલીયો નાબૂદી’ ના સેવાકાર્ય માટે ઉપયોગમાં લેવાનાર છે.

ભીતરે અંકાય એવું લખ હવે, લાગણી વંચાય એવું લખ હવે;
શબ્દમાં ઘેરી અસર હોવી ઘટે, પાંપણો ભીંજાય એવું લખ હવે;
નફરતોની આ નદી પર પ્રેમનાં, સેતુઓ સર્જાય એવું લખ હવે
કોઈ એને સાંભળી ઝૂમી ઉઠે, કોઈ એને ગાય એવું લખ હવે;
*****************
ફરીથી ઉદાસીની મોસમ મળી છે,
હવામાં ય ગમની લહેરો ભળી છે;

ગમા-અણગમાની હવે વાત કેવી?
હતી જે પીડા, એ જ પાછી મળી છે;
*******************
એક જ ટીપામાં હો જાણે સાત સમંદર!
એવાં ઝંઝાવાત હજુ હૈયાની અંદર;

જુઓ કિનારે હાથ કોઈ ફેલાવી ઊભું!
ચાલો અહિયાં અટકી જઈએ, નાખો લંગર.

– હિમલ પંડ્યા “પાર્થ”

तेरे आने के बाद- ઊર્મિ

આ પહેલા ઊર્મિના જન્મદિવસે રજૂ કરેલી ગઝલ तेरे जाने के बाद – ની જોડીદાર એવી આ ગઝલ तेरे आने के बाद – અને આજનો દિવસ પણ ખાસ છે – આજે વ્હાલી ઊર્મિની વેબસાઇટ – ઊર્મિસાગર.કોમ નો પાંચમો જન્મદિવસ..!

વ્હાલા ઊર્મિબેન…  Happy Birthday to UrmiSaagar.com

pic-253-sml

(સ્વપ્ન ટોળે વળે… 11 મે 2008)

*

ટહુકો થૈ ગ્યા
હરેક શ્વાસ, तेरे
आने के बाद !

*

આખું નભ પગ તળે तेरे आने के बाद,
ને બધું ઝળહળે तेरे आने के बाद.

સાવ ઉજ્જડ હતું એ બધું મઘમઘે,
પાનખર પણ ફળે तेरे आने के बाद.

કાળી ભમ્મર હતી રાત એ ઝગમગે,
સ્વપ્ન ટોળે વળે तेरे आने के बाद.

આંખમાં ઊમટે સાત રંગો સતત
અશ્રુઓ ઝળહળે तेरे आने के बाद.

શબ્દ કે અર્થ કૈં પૂરતું ના પડે,
કાવ્યમાં શું ઢળે, तेरे आने के बाद ?!

તું અહીં, તું તહીં, તું તહીં, તું અહીં,
ક્યાંય ‘હું’ ના મળે तेरे आने के बाद.

ઉર મહીં ‘ઊર્મિ’ તું, મારો પર્યાય તું,
તું બધે ખળભળે तेरे आने के बाद.

– ઊર્મિ (૭ મે ૨૦૦૯)

છંદવિધાન: ગાલગા ગાલગા ગાલગા ગાલગા

કૈંક જાદુ હશે રબારણમાં! – શોભિત દેસાઈ

આવું અજવાળું ના ઊગે ધણમાં!
કૈંક જાદુ હશે રબારણમાં!

આજે તેં આંખ ફેરવી લીધી,
કાલે બેઠો’તો તારી પાંપણમાં.

સહે….જ ઉમ્મર વધી હો વર્ષાની,
એવું લાગી રહ્યું છે શ્રાવણમાં.

વૃધ્ધો સામાન્યત: ઊઠી વહેલા,
દીર્ધ દિવસ જીવે છે ઘડપણમાં.

રેતી આવી રૂપાળી તો ના હોય!
ક્યાંક કૂવો છૂપાયો છે રણમાં.

હા, લીલો કાચ જેવો મૂંઝારો,
વેડફી નાખ્યો છે મેં સમજણમાં.

– શોભિત દેસાઈ

મને ખ્યાલ પણ નથી – હરીન્દ્ર દવે

આજે હરીન્દ્ર દવેની આ ઘણી જ જાણીતી ગઝલ – none other than પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર-સ્વરાંકન સાથે..! અને હા – ટહુકો ને જેમણે ઘણા ટહુકાઓ ભેટ આપ્યા છે – એવા એક ખાસ મિત્ર અને PUના એક મોટ્ટા ચાહકને – એમના જન્મદિવસે આ ભેટ આપણા તરફથી..! Happy Birthday, K ભાઇ! 🙂

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

-હરીન્દ્ર દવે

જી સર, એ લોકો વિખાઇ ગયા છે… – કૃષ્ણ દવે

મધરાતે ત્રાટકેલા ઘુવડના ન્હોર વડે પળમાં પારેવા પીંખાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.
વિશ્વાસે સુતેલા સપના પર ઓચિંતા આંસુના બોંબ ઝીંકાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.

રસ્તા પર ઉતરે ને લાકડી પછાડે ને બટકુ’ક માંગે તો વળી નાંખીએ
બાકી તો સંપીને ખાવાના ઓરડાના દરવાજા ઓછા કાંઇ વાખીએ ?
આવા તો આંદોલન આવી ગ્યા કંઇક ને આવીને અધ્ધર ટીંગાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.

પ્રાણાયામ કરવાથી પાચન વધે છે એવું આપણને શીખવાડે યોગ ?
ઘાસ, તોપ, ટેલીફોન ખાઇ ગયા છીએ પણ નખમાંયે કોઇને છે રોગ ?
લીલા ને ભગવા ને કાળા ને ધોળામાં અમથા આ પગલા ટીંચાઇ ગયા છે.
જી સર, એ લોકો વિખાઇ ગયા છે.

– કૃષ્ણ દવે

વૃક્ષ નથી વૈરાગી – ચંદ્રેશ મકવાણા

ગઇકાલે જુન ૫ ના દિવસે World Environment Day (અહીંયા તો હજુ પણ જુન ૫ જ છે) ની સૌને શુભેચ્છાઓ..!! અને માણીએ આ વૃક્ષનું ગીત.. સાથે સંદેશો શું હોઇ શકે એ તો તમે સમજી જ શકશો ને?

વૃક્ષ નથી વૈરાગી... Lone Pine, 17 Mile Drive, CA

વૃક્ષ નથી વૈરાગી,
એણે એની એક સળી પણ ઈચ્છાથી ક્યાં ત્યાગી ?
વૃક્ષ નથી વૈરાગી.

જેમ ખૂટ્યાં પાણી સરવરથી
જેમ સૂકાયાં ઝરણાં,
જેમ ભભકતી લૂ લાગ્યાથી
બળ્યાં સુંવાળાં તરણાં

એમ બરોબર એમ જ એને ઠેસ સમયની લાગી
વૃક્ષ નથી વૈરાગી

તડકા-છાંયા-અંદર હો
કે બ્હાર બધુંયે સરખું
શાને કાજે શોક કરું હું ?
શાને કાજે હરખું ?

મોસમની છે માયા સઘળી જોયું તળ લગ તાગી
વૃક્ષ નથી વૈરાગી

-ચંદ્રેશ મકવાણા

(ગીતને કવિના હસ્તાક્ષરમાં માણવા – આભાર – લયસ્તરો)