ગઇકાલે જુન ૫ ના દિવસે World Environment Day (અહીંયા તો હજુ પણ જુન ૫ જ છે) ની સૌને શુભેચ્છાઓ..!! અને માણીએ આ વૃક્ષનું ગીત.. સાથે સંદેશો શું હોઇ શકે એ તો તમે સમજી જ શકશો ને?
વૃક્ષ નથી વૈરાગી,
એણે એની એક સળી પણ ઈચ્છાથી ક્યાં ત્યાગી ?
વૃક્ષ નથી વૈરાગી.
જેમ ખૂટ્યાં પાણી સરવરથી
જેમ સૂકાયાં ઝરણાં,
જેમ ભભકતી લૂ લાગ્યાથી
બળ્યાં સુંવાળાં તરણાં
એમ બરોબર એમ જ એને ઠેસ સમયની લાગી
વૃક્ષ નથી વૈરાગી
તડકા-છાંયા-અંદર હો
કે બ્હાર બધુંયે સરખું
શાને કાજે શોક કરું હું ?
શાને કાજે હરખું ?
મોસમની છે માયા સઘળી જોયું તળ લગ તાગી
વૃક્ષ નથી વૈરાગી
-ચંદ્રેશ મકવાણા