Category Archives: કવિઓ

ભૂતળ ભક્તિ પદારથ મોટું – નરસિંહ મહેતા

સ્વર : ઉદય મઝુમદાર

.

ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મ લોકમાં નાહીં રે,
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે

હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે,
નિત્ય સેવા, નિત્ય કીર્તન-ઓચ્છવ, નીરખવા નંદકુમાર રે … ભૂતળ ભક્તિ.

ભરત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન્ય ધન્ય એના માતપિતાને, સફળ કરી જેણે કાયા રે … ભૂતળ ભક્તિ.

ધન્ય વૃંદાવન, ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજના વાસી રે,
અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે ઉભી, મુક્તિ થઈ એની દાસી રે … ભૂતળ ભક્તિ.

એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,
કાંઈ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો ભોગી રે … ભૂતળ ભક્તિ.

મહાભારત : એક માથાકૂટ છે – કૃષ્ણ દવે

(મહાભારત : એક માથાકૂટ છે….. Photo : Veda.com)

.

કાવ્ય પઠન : કૃષ્ણ દવે

જે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની માથાકૂટ છે,
મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની માથાકૂટ છે. – કૃષ્ણ

રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું,
ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની માથાકૂટ છે. – ભીષ્મ

સમજણની નજરેયથી ના સમજે તો સમજી લેવાનું
પુત્રમોહમાં આંખોએ અંધાર વર્યાની માથાકૂટ છે. – ધૃતરાષ્ટ્ર

આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છેને
આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની માથાકૂટ છે. – ગાંધારી

નહીંતર એવી કંઈ મા છે જે વ્હાલ નદીમાં તરતું મૂકે ?
કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે. – કુંતી

નથી જાણતા એમ નથી પણ કોઈ પૂછે તો એ બોલે છે,
જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે. – સહદેવ

ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યાં,
હોય અંધના અંધ, એટલા વેણ ઝર્યાની માથાકૂટ છે. – દ્રૌપદી

સો સો હાથીનું બળ પણ લાચાર બની ચિત્કારી ઉઠ્યું,
વચનોમાં બાંધી બાંધી આ પળ ઉતર્યાની માથાકૂટ છે. – ભીમ

કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ આપું કે ?
હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની માથાકૂટ છે. – કર્ણ

તાકેલો નિશ્ચય ધ્રૂજે તો એને તો કહેવું જ પડેને,
હા અથવા ના ની વચ્ચોવચ આમ ફર્યાની માથાકૂટ છે. – અર્જુન

અંગૂઠો ખોયાનો અમને રંજ હજુયે છે જ નહિં બસ
ખોટી મૂરત સામે સાચા થઈ ઊભર્યાની માથાકૂટ છે. – એકલવ્ય

છેક સાતમા કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું,
માના કોઠામાંથી હોંકારા ઉચર્યાની માથાકૂટ છે. – અભિમન્યુ

મૃત્યુ સામે કપટ હારતુ લાગ્યું ત્યારે સમજાયેલું,
કેવળ પાસામાં જ અમારો જીવ ઠર્યાની માથાકૂટ છે. – શકુનિ

નરોકુંજરો વા ની વચ્ચે ભાંગી પડતી એ પળ બોલી
વિદ્યા વેચી વેચી સામે પાર તર્યાની માથાકૂટ છે. – દ્રોણ

થાકી હારી આંસુના તળિયે બેઠા ત્યાં તો સંભળાયું,
ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાની માથાકૂટ છે. – દુર્યોધન

અંતહીન અંધારે મારગ ઘુવડ જેમ ભટકવું એ તો,
અર્ધા જીવતા રાખી અર્ધા પ્રાણ હર્યાની માથાકૂટ છે. – અશ્વત્થામા

ક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે ?
સત્ય એટલે મુટ્ટીમાંથી રેત સર્યાની માથાકૂટ છે. – યુધિષ્ઠિ

મહાકવિ તો કહેવાયા પણ સાચું કહું આ વ્યથાકથામાં,
ઓતપ્રોત થઈ ઊંડે ને ઊંડે વિચર્યાની માથાકૂટ છે. – વેદવ્યાસ

– કૃષ્ણ દવે

એક બચેલો નાતો – ચંદ્રકાંત શેઠ

હથેળીઓમાં સપનાં છે ને વાતો છે,
ઉજાગરાની રાતી રાતી રાતો છે.

ક્યાં છે રહેવા ઠામ અને ક્યાં ઠેકાણું?
દાઝ્યો દાઝ્યો પ્રાણ, પવન ફૂંકાતો છે !

આંખોમાંથી ચાંદ હવે મળવાના નહિ
અંધકારનો દરિયો તે ઉભરાતો છે.

હળ્યાંમળ્યાંની હૂંફ હવે ક્યાં જડવાની?
ઠંડો ઘન અવકાશ બધે પથરાતો છે.

ચારે બાજુ રાખ અને બસ પથ્થર છે
એની સાથે એક બચેલો નાતો છે.

– ચંદ્રકાંત શેઠ

આંગણે ફૂલની બિછાત ન કર – ડો. મુકુલ ચોક્સી

ગઈકાલે મુકુલભાઈનો જન્મદિવસ હતો, અને આપણે એમને આજે અહીં શુભેચ્છાઓ પાઠવીએ… અને સાથે માણીએ એમની આ મઝાની ગઝલ..!! આમ તો બધા જ શેર ઝક્કાસ છે – પણ મને તો પેલો ચાર દિ’ પહેલાની નોટીસ વાળો શેર અને બૂટ પહેરીના નીકળતા પગના શેરમાં ખૂબ જ મઝા આવી..! 🙂

****

ખુલ્લી હદથી વધારે વાત ન કર,
આંખ ભીની કર, અશ્રુપાત ન કર

તું ભલે મારો પક્ષપાત ન કર,
પણ ગમે તેની સાથે વાત ન કર

ચાર દિ’ પહેલાં આપજે નોટિસ,
આમ ઓચિંતો આપઘાત ન કર

થોડા બીજાને માટે રહેવા દે,
સઘળા સત્યોથી મને જ્ઞાત ન કર

એ નિસાસામાં ફેરવાઈ જશે,
દૂર જઈને તું અશ્રુપાત ન કર

બૂટ પહેરી નીકળતા પગ માટે,
આંગણે ફૂલની બિછાત ન કર

જીતનારાઓને જ જીતી લે,
હારનારઓને મહાત ન કર

મારો ચહેરો બીજાનો ચહેરો હોય,
એવી રીતે તું દ્રષ્ટિપાત ન કર

કર, સવારો વિષે તું ચિંતા કર,
પણ એ ચિંતાઓ આખી રાત ન કર

એકમાં પણ ઘણું કમાશે તું,
અમથા ધંધાઓ પાંચ-સાત ન કર

– ડો. મુકુલ ચોક્સી

વાળી લીધું મન – જયંત પાઠક

હજુ થોડા મહિનાઓ – એપ્રિલ ૨૦૧૦ માં જ ટહુકો પર માણેલી આ કવિતા – આજે ફરી એકવાર, એક સૂરીલા સ્વર અને મઝાના સ્વરાંકન સાથે..!!

સ્વર : દિપાલી સોમૈયા
સ્વરાંકન : શ્યામલ – સૌમિલ મુન્શી

પ્રિય, લો મેં તમારાથી વાળી લીધું મન
હવે તો નિરાંત ? નહિ વિરહ નહિ મિલન

સંબંધના સૂતરને સ્થળે સ્થળે ગાંઠ,
ફગાવી જ દીધો દોર, ફગાવ્યું વસન
રંગ રંગી, પ્હેરી લીધું ચીતર્ નિ:સંગ
ગલી ભણી નહીં, હવે ઉલટો જ પંથ !

પાછું વળી જોવાનું ના તમારે કે મારે,
વાતનો સરસ કેવો આવી ગયો અંત !

એકમેકને અજાણ એમ ધારે ધારે
ફરવું સંભાળી, મળવું ન મઝધારે ;
રખે પેલો પ્રેમ પાછો આવી છાનેમાનો
બાંધી લિયે આપણને પાકા કોઇ તારે.

વરસી વરસી પ્રિય વેરાયું વાદળ
રહ્યું સહ્યું છતમાંથી હવે ગળે જળ.

– જયંત પાઠક

અહીં કવિ ભલે કહે કે નિરાંત…. પણ એકવાર મન વાળી લીધાં પછી પણ કંઈ એટલી આસાનીથી કોઇને નિરાંત મળી છે..? વાતનો સરસ અંત તો બધાને લાવવો હોય, પણ કવિ સંજુ વાળા કહે છે ને –

આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત

અને કવિ પણ પોતાની વાતના અંતને ભલે ‘સરસ અંત’ કહેતા હોય – કવિતામાં કવિ જણાવી જ દે છે કે એ સરસ અંત એટલે શું? કવિના આકાશને હજીયે ઉઘાડ નથી.. રહ્યું સહ્યું જળ હજુ ગળ્યા કરે જ છે છતમાંથી..!! સાથે કવિ રમેશ પારેખ પણ યાદ આવે –

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.

કેટલાક તડકા કેટલા આકરા હોય છે – સૌમ્ય જોશી

કેટલાક તડકા કેટલા આકરા હોય છે
[ઘઉંની ગૂણ ઉપાડતા મજૂરનું અછાંદસ]

કાવ્ય પઠન : સૌમ્ય જોશી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કેટલાક તડકા કેટલા આકરા હોય છે
ગયાના ગયા ઉનાળે તૂટી ગયા એનાં છેલ્લાં ચપ્પલ.
હવે,
કચ્ચીને દાઝ કાઢતી કપચી પર,
છેલ્લા સેઠે પાણી ના પાયેલું ગળું લઈને,
મેલા હાથની કાળી રેખાઓવાળી મુઠ્ઠીમાં સાચવેલા એડરેશના જોરે,
ચસ્માવાળા કૉલેઝિયને બતાયેલા રસ્તે,
એ પહોંચે છે બંગલે.
ને હરામખોર સૂરજ ને એના ખુલ્લા માથા વચ્ચે બે મિનિટ માટે આવે છે ઘઉંની ગૂણ,
કેટલાક છાંયડા કેટલા ભારે હોય છે.

ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય – પ્રશાંત કેદાર જાદવ

સંગીત : મહેશ-નરેશ કનોડિયા
સ્વર : અલ્કા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવે
ગુજરાતી ફિલ્મ : મેરુ માલણ

.

કે ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય,
ના ના રે રહેવાય, ના ના રે સહેવાય, ના કોઈને કહેવાય… હાય હાય !
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય, ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય,
તારું મુખડું મલકાય, તારું જોબન છલકાય, મારાં હૈયામાં કૈં કૈં થાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

હો રે… હો રે, મેઘ વરસે ને ભીંજે ચીર, હાય હાય હાય વાગે તીર, વાગે તીર.
ઓ રે… ઓ રે, તારું ચંદંન સરીખું શરીર, ઓયે હોયે હોયે હોયે નીતરે નીર, નીતરે નીર.
રૂપ દૂર થી જોવાય, ના ના રે અડકાય, ઈ તો અડતા કરમાય… હાય હાય !
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

ઓ… મારે નેણ લજ્જા લહેરે છે… લહેરે છે, લહેરે છે, મારે નેણ લહેરે છે…
હો… તારા રૂપની ભીનાશ તને ઘેરે છે… ઘેરે છે ગોરી, ઘેરે છે…
હું તો સંકોરુ કાય, અંગ અંગથી ભીંસાય, મંન મરવાનું થાય… હાય હાય !
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

હાય રે… હાય રે, ઓલી વીજળી કરે ચમકાર, હાય હાય હાય વારંવાર… વારંવાર.
ઓ રે… ઓ રે, ઈ તો હૈયાનાં સાંધે તાર, હોયે હોયે હોયે હોયે નમણી નાર… નમણી નાર.
મારું મનડું મૂંઝાય, એવી લાગી રે લ્હાય, ના ના રે બુઝાય… હાય હાય !
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

– પ્રશાંત કેદાર જાદવ

*******************
આ ગીતના કવિનું નામ લખવામાં ભૂલ થઈ હતી, તે તરફ ધ્યાન દોરવા બદલ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર..!

એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે – મહેશ શાહ

: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર : હંસા દવે

એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે,
એમાં ગોકુળીયુ ગામ તું ડુબાડી દે;
એવી ચારેકોર ઝંખના જગાવી દે.

ભર તું બપ્પોર (?) મારી આંખો લઈ ગોકુળીયુ ગોતી તું ક્યાંય નજર ના આવે,
આખીયે જાત ધૂળ ધૂળ થઈ ગોકુળની(?) ગાયોની ખરીઓ ખરડાવે.

એકવાર પગલી તું ગોકુળમાં પાડી દે,
ને ગોકુળીયુ ગામ તું ડુબાડી દે;
એવી ચારેકોર ઝંખના જગાવી દે.

મોરપીંછ મોકલવું ક્યાંય નહીં હોય તેમ માથે મૂકીને તું હાલજે,
રાધાને દીધેલા કોલ પેલો વાંસળી વગાડવાનો આખર તો પાળજે.

એકવાર એટલી ઉદારતા બતાવી દે,
ને ગોકુળીયુ ગામ તું ડુબાડી દે;
એવી ચારેકોર ઝંખના જગાવી દે.

-મહેશ શાહ

લાગણીનું ગામ – ઊર્મિ

આ તો લાગણીનું ગામ છે ઓ શ્યામ, એમાં એક જ કેડીએ કેમ ચાલું ?
આ તો મનગમતું રાન છે ઓ શ્યામ, મને ફાવે ત્યાં કેડી કંડારું.

લોકો તો કહે છે કે એક હતી યમુના ને એક હતો યમુનાનો ઘાટ,
એવું યે કહે છે કે એક હતી રાધા ને એક હતો રાધાનો શ્યામ;
આ તો ગમતીલું ગાન છે ઓ શ્યામ, હું જ તારી રાધા તું શ્યામ…
આ તો ગમતીલું ગાન છે ઓ શ્યામ, મને ભાવે તે સૂરમાં લલકારું.
આ તો લાગણીનું ગામ છે ઓ શ્યામ, એમાં એક જ કેડીએ કેમ ચાલું ?

જગમાં તો ઠેર ઠેર મથુરા દેખાય મને, ભીતરમાં ગોકુળીયું ગામ,
એક એક ગોપી મારા અંગે રમે ને થાય રોમરોમ રણઝણીયું ધામ;
એ તો મોરનાં પીંછાનું હતું કામ, હું તો હતી સાવ નાદાન…
એ તો મોરનાં પીંછાનું હતું કામ, કહાન ! એમ કંઈ હું દલડું નહીં આપું !
આ તો લાગણીનું ગામ છે ઓ શ્યામ, એમાં એક જ કેડીએ કેમ ચાલું ?

– ઊર્મિ (જાન્યુ. ૧૫, ૨૦૦૯)

ગઝલો વાંચજો – વિવેક મનહર ટેલર

આજે મિત્ર વિવેકની બે ગઝલો…. એક કમ્પ્યુટરના કી-બોર્ડ થકી લખાયેલી, અને બીજી એના કેમેરા થકી..!! Enjoy..!


(પીળું સોનું….                                 …સાંગલા, કિન્નૂર, નવે-૨૦૦૭)

દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો,
ખુદનું થોડું તેજ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

શબ્દમાં માઈ શકે એવી બધી પીડા નથી,
આંગળી બે શે’ર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

ખુરશી-ટેબલ, પેન-કાગળ લઈ ગઝલ લખતો નથી,
‘છું સતત રણભેર’- વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

જાતરા વૃંદાવને જઈ કરવી જો મુમકિન ન હોય,
મોરપીંછું એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

લાગે પોતીકો એ ખાતર શે’ર આ અડધો મૂક્યો…
જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

સૂર ના જન્મે હવા પોલાણમાંથી ગુજરે પણ,
દૃષ્ટિમાં બે છેદ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

જોજનો આઘે થયાનું દર્દ જાગે જે ઘડી,
મનનું ઈન્ટર-નેટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

-વિવેક મનહર ટેલર
(૦૫-૦૪-૨૦૦૮)

છંદ-વિધાન : ગાલગાગા | ગાલગાગા | ગાલગાગા | ગાલગા