આ તો લાગણીનું ગામ છે ઓ શ્યામ, એમાં એક જ કેડીએ કેમ ચાલું ?
આ તો મનગમતું રાન છે ઓ શ્યામ, મને ફાવે ત્યાં કેડી કંડારું.
લોકો તો કહે છે કે એક હતી યમુના ને એક હતો યમુનાનો ઘાટ,
એવું યે કહે છે કે એક હતી રાધા ને એક હતો રાધાનો શ્યામ;
આ તો ગમતીલું ગાન છે ઓ શ્યામ, હું જ તારી રાધા તું શ્યામ…
આ તો ગમતીલું ગાન છે ઓ શ્યામ, મને ભાવે તે સૂરમાં લલકારું.
આ તો લાગણીનું ગામ છે ઓ શ્યામ, એમાં એક જ કેડીએ કેમ ચાલું ?
જગમાં તો ઠેર ઠેર મથુરા દેખાય મને, ભીતરમાં ગોકુળીયું ગામ,
એક એક ગોપી મારા અંગે રમે ને થાય રોમરોમ રણઝણીયું ધામ;
એ તો મોરનાં પીંછાનું હતું કામ, હું તો હતી સાવ નાદાન…
એ તો મોરનાં પીંછાનું હતું કામ, કહાન ! એમ કંઈ હું દલડું નહીં આપું !
આ તો લાગણીનું ગામ છે ઓ શ્યામ, એમાં એક જ કેડીએ કેમ ચાલું ?
– ઊર્મિ (જાન્યુ. ૧૫, ૨૦૦૯)
ખૂબસરસ ગીત.રાધા અને ક્રુષ્ણના પ્રેમનુ આલેખન હોય પછી પુછવુ જ શુ??
લોકો તો કહે છે કે એક હતી યમુના ને એક હતો યમુનાનો ઘાટ,
એવું યે કહે છે કે એક હતી રાધા ને એક હતો રાધાનો શ્યામ;….
આ તો લાગણીનું ગામ છે ઓ શ્યામ…
“આ તો લાગણીનું ગામ છે ઓ શ્યામ….”
ખૂબજ સરસ ગીત. શ્યામતો પ્રેમ અને લાગણીનો ગોકુળ ગામનો ગોવાળીઓ જ કહેવાય.
ખૂબજ સરસ શબ્દોની ગૂથણી યમુના, યમુનાનો કિનારો, ગોકુળ, રાધા અને કુષ્ણ અને
આખુ વિશ્વ ભલેને હોય પણ ત્યા રાધા અને ક્રુષ્ણનુ દ્વૈત ઓગળી જાય બીજુ કાઈ ભાસેજ
નહી માત્ર રાધા અને ક્રુષ્ણ સિવાય કદાચ લાગણીઓ પણ બહેર મારી જાય.
સુંદર ગીત… કૃષ્ણપ્રેમમાં તો દાદાગીરી હોવી જ ઘટે ~!