ગઝલો વાંચજો – વિવેક મનહર ટેલર

આજે મિત્ર વિવેકની બે ગઝલો…. એક કમ્પ્યુટરના કી-બોર્ડ થકી લખાયેલી, અને બીજી એના કેમેરા થકી..!! Enjoy..!


(પીળું સોનું….                                 …સાંગલા, કિન્નૂર, નવે-૨૦૦૭)

દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો,
ખુદનું થોડું તેજ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

શબ્દમાં માઈ શકે એવી બધી પીડા નથી,
આંગળી બે શે’ર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

ખુરશી-ટેબલ, પેન-કાગળ લઈ ગઝલ લખતો નથી,
‘છું સતત રણભેર’- વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

જાતરા વૃંદાવને જઈ કરવી જો મુમકિન ન હોય,
મોરપીંછું એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

લાગે પોતીકો એ ખાતર શે’ર આ અડધો મૂક્યો…
જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

સૂર ના જન્મે હવા પોલાણમાંથી ગુજરે પણ,
દૃષ્ટિમાં બે છેદ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

જોજનો આઘે થયાનું દર્દ જાગે જે ઘડી,
મનનું ઈન્ટર-નેટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

-વિવેક મનહર ટેલર
(૦૫-૦૪-૨૦૦૮)

છંદ-વિધાન : ગાલગાગા | ગાલગાગા | ગાલગાગા | ગાલગા

16 replies on “ગઝલો વાંચજો – વિવેક મનહર ટેલર”

  1. સરસ ગઝલ, કવિશ્રી ડો. વિવેક્ભાઈને સલામ……………

  2. ખુરશી-ટેબલ, પેન-કાગળ લઈ ગઝલ લખતો નથી,
    વિવેકભાઇની દિલથી લખાયેલ ગઝલ શ્વાસે-શ્વાસે ગુંજી ગઈ.
    અભિનંદન.

  3. જોજનો આઘે થયાનું દર્દ જાગે જે ઘડી,
    મનનું ઈન્ટર-નેટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

    ઈન્ટર-નેટથીઅનુસંધાન ના થાય તો મિત્રો નવા સરનામે, સેલના નવા નંબર પર મળશું..

  4. સરસ ગઝલ.

    જોજનો આઘે થયાનું દર્દ જાગે જે ઘડી,
    મનનું ઈન્ટર-નેટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

  5. શબ્દમાં માઈ શકે એવી બધી પીડા નથી,
    આંગળી બે શે’ર વચ્ચે મૂકી ગઝલો વાંચજો
    ખુબ સુન્દર …

  6. સાદ્યંત સુંદર ગઝલ..નીચેના બે શેર જરા વધુ ગમ્યા.
    જોજનો આઘે થયાનું દર્દ જાગે જે ઘડી,
    મનનું ઈન્ટર-નેટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

  7. શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
    શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
    સર્જક અને ભાવક વચ્ચેના સંબંધની આથી વધુ સુંદર વિભાવના જવલ્લેજ મળશે.ગઝલનો મિજાઝ અને કાવ્યના અર્થગાંભીર્યનો અતિસુંદર સમન્વય સાધનાર કવિ વિવેકને શતશઃ અભિનંદન.

  8. આદમ ટ્ન્કારવી ની ગુજલીશ્ ગઝલો યાદ આવી ગઇ…

    જોજનો આઘે થયાનું દર્દ જાગે જે ઘડી,
    મનનું ઈન્ટર-નેટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

    શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
    શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *