ભાવનગરમાં યોજાયેલ ‘સ્વરસેતુ’ પ્રસ્તુત ‘ઉગ્યું વસંત પ્રભાત..’ કાર્યક્રમમાંથી આ એક ગીત..! અને નવાઇની વાત છે કે – સવારે ૬.૩૦ વાગ્યે ગુજરાતી કવિતા – સુગમ સંગીત માણવા મોટી સંખ્યામાં ભાવનગરવાસીઓ હાજર હતા..!! આ કમાલ છે આપણા સંગીતની – અને શ્યામલ-સૌમિલના સ્વરસેતુની..!! 🙂
અમારા San Francisco Bay Area – California ના ગુજરાતીઓને ખૂબ જલ્દી મોકો મળશે – મુનશી Trio અને તુષારભાઇને રૂબરૂ સાંભળવાનો.. Sept 21-22 ના દિવસોએ તમે અહીં પહોંચી શકતા હો તો આવી જાવ.. મઝા આવશે જ, ચોક્કસ!! અને હા – અહીં કેલિફોર્નિયા રહેતા તમારા પેલા મિત્રો સાથે ઘણા વખતથી વાત નથી થઇ ને? આજે જ એમને ફોન-ઇમેઇલ કરો – કેટલું સરસ બહાનું છે એમને યાદ કરવા માટેનું – અને એમને એક નહીં – બે મઝાની સાંજ ભેટમાં આપવાનું..!! 🙂
આજે પણ કંઇક એવું જ…. “તમે અહીંયા રહો તો … ” અને “તમે વાતો કરો તો..” સુરેશ દલાલના હસ્તાક્ષરમાં “તમે વાતો કરો તો.. ” સ્વરબધ્ધ થયેલું છે, એટલે ઘણાં એ કદાચ સાંભળ્યું હશે. અને ‘તમે અહીંયા રહો તો, ‘ભાગ્યેશ જહા’ની બીજી રચનાઓ સાથે ‘આપણા સંબંધ’ આલ્બમમાં સોલીભાઇએ ખૂબ સરસ ગાયું છે.
આજે સૌમિલભાઇનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ આ એકદમ મઝાનું ગીત..!!
તમે અમદાવાદી હો, કે અમદાવાદની ઉડતી મુલાકાતો લેતા હો, આ ગીત સાથે એક અજબનો નાતો જરૂર અનુભવશો..!! શ્યામલભાઇની મોજીલી કલમ, અને શ્યામલ-સૌમિલનું એવું જ મસ્તીભર્યું સ્વરાંકન અને અવાજ… અને હા, આમ તો વાપીમાં પણ આવા અનુભવો થયા છે.. અને આ છકડો ને છકડો શું કરવા કહે છે એ તો મને આજ સુધી સમજાયું નથી.
વારંવાર સાંભળવાનું મન ન થાય તો કહેજો…!
અને હા, આ મઝ્ઝાનું ગીત જે મઝ્ઝાના આલ્બમમાંથી લેવાયું છે – આપણું અમદાવાદ – સુરીલું અમદાવાદ – એ તમારે હાથ લાગે તો પોતાની એક કોપી લઇ જ લેજો..! એમાં અમદાવાદી અસર – એટલે કે કરકસરની વાત વચ્ચે ના લાવશો 🙂
અમદાવાદના રસ્તા પર..., ગમ્મે ત્યારે ગમ્મે ત્યાંથી આવે ગાય
સ્વરરચના : શ્યામલ-સૌમિલ મુન્શી
શબ્દરચના : શ્યામલ મુન્શી
આલબ્મ : આપણું અમદાવાદ સુરીલું અમદાવાદ
અમદાવાદના રસ્તા પર એવું થાય,
ગમ્મે ત્યારે ગમ્મે ત્યાંથી આવે ગાય,
સ્કૂટર પાછળ જ્યારે શ્વાન પડી જાય,
છેક ઘરના ઝાંપા સુધી છોડી જાય….
ગમ્મે ત્યારે ઓટારિક્ષા કરે જમ્પ,
પછી ખ્યાલ આવે એ તો હતો બમ્પ,
રિક્ષા ઊછળે ને ટાલકું ટિચાય,
પછી બીજો બમ્પ માથા પર દેખાય….
પોલીસ જ્યારે એમ વિચારે કોઈને પકડો,
તમે ઝડપાઓ ને ભાગી જાય છકડો,
સ્કૂટર ઉપર બેથી વધુ ન બેસાય,
અને છકડામાં ઢગલો સમાય….
મર્સિડિસવાળો ટ્રાફિકમાં ફસાતો,
ત્યારે સાઇકલવાળો આગળ નીકળી જાતો,
ફાટક બંધ થાય કાર અટકી જાય,
પેલો સાઇકલ સાથે ફાટક કૂદી જાય….
વરઘોડામાં લોકો નાચે વાજાં વાગે,
આખો રસ્તો વરના બાપુજીનો લાગે,
ત્યારે પરોપકારી જીવો પેદા થાય,
વરના સંબંધીઓ પોલીસ બની જાય….
ડો. મહેશ રાવલને એડવાન્સમાં એમના જન્મદિવસ ૪મી સેપ્ટેમ્બર પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! આજે માણીએ એમની કલમે લખાયેલું, રોજિંદી વાતચીતની રદીફ લઈ ચાલતી આ ગઝલ વધુ સ્પર્શી જાય છે….શ્રી મનહર ઉધાસનું ૨૮મું આલબ્મ ‘અભિલાષા’માં થી જે ૨૦૧૧માં રિલીસ થયેલું….
સ્વર / સંગીત – મનહર ઉધાસ
આલબ્મ – અભિલાષા
લાગણી જેવું જરાપણ હોય તો, પાછા વળો
નીકળે એવું નિવારણ હોય તો, પાછા વળો !
જિંદગી, કંઈ એકલાં વીતી શકે એવી નથી
ક્યાં જવું એની વિમાસણ હોય તો, પાછા વળો !
આપણા સંબંધનો ઈતિહાસ જાજરમાન છે
જો સ્મરણ એકાદ પણ ક્ષણ હોય તો, પાછા વળો !
ખ્યાલ નહીં આવી શકે, વૈશાખમાં ભીનાશનોં
આંખ નહીં, રગમાં ય શ્રાવણ હોય તો, પાછા વળો !
ફૂલ માફક મેં હથેળીમાં જ રાખ્યાં છે, છતાં
સ્વપ્નમાં પણ આવતું રણ હોય તો, પાછા વળો !
આમ તો મારા હિસાબે, હાથ છે સંજોગનોં
તોય બીજું કોઇ કારણ હોય તો, પાછા વળો !
ખેલદિલી તો અમારી ખાસિયત છે, આગવી
એ વિષયમાં ગેરસમજણ હોય તો, પાછા વળો !
આટલાં વરસે ન શોભે, આમ તરછોડી જવું
સ્હેજપણ શેનું ય વળગણ હોય તો, પાછા વળો !
હું ય જીરવી નહીં શકું આઘાત, આવો કારમો
‘ને તમારે પાળવું પ્રણ હોય તો, પાછા વળો !
જાણે આપણી જ વાત હોય એવી આ કવિતા… બ્લ્યુ જીન્સ કોણે ન પહેર્યું હોય, વારંવાર… વારંવાર.. ધોયા વગર.. ! અને જ્યારે ધોવા નાખો અને ખીસ્સા તપાસો તો શું મળે? સાંભળો, દેવકીના ગળચ્ટ્ટા મધઝબોળ્યા અવાજમાં!!
મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
સાંભળીને તેં મને આપેલ
કે તું જીન્સ મારું પહેરે અને ઓચિંતો સાવ તને જડે
એમ મેં જ મારા હાથે રાખેલ એવું કંઇક
મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો
ચાખીને તેં મને આપેલ
કે ચગળી શકું જો તને આખ્ખેઆખ્ખી તો કેવું લાગે
એ બહાને મેં પોતે જ ચાખેલ એવું કંઇક
રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઇચછાથી
પંખીનાં ટોળાંનાં ટોળાંએ વરસોથી કાંતેલું
ડેનિમ આકાશ
જરા વેતરીને, માપસર કાતરીને, સ્ટોનર્વાશ ધોઈ કરી
લેઘરના દોરાથી ડબ્બલ સીલ્વેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ
પહેલવ્હેલી વાર તારો હાથ મારા હાથે પકડેલ
ત્યારે કોઈ નહિ ક્યાંય સુધી કશું બોલેલ
અને દુનિયા આખી એવી નરવસ થયેલ
પછી હથેળીનો પરસેવો આપણે લૂછેલ
એના ડાઘા દેખાય મારા જીન્સ ઉપર આજે પણ એવા અકબંધ
લેઘરના દોરાથી ડબ્બલ સીવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ
મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધ-ધધધ રેતીનો દરિયો
દરિયાનો તળિયે કોઈ છીપલાંની વચ્ચેથી હું તને મળીશ
એમ માની તેં દરિયો ઉલેચેલ
કે દરિયાને તારો અવતાર એક ધારી
હું દરિયાના પાણીને ગટગટાટ પી ગયેલ એવું કંઇક
મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
કે એવું કંઇક
મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો
કે એવું કંઇક
મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધ-ધધધ રેતીનો દરિયો
કે એવું કંઇક
ગોઠણથી સ્હેજ સ્હેજ ફાટેલા જીન્સમાંથી દેખી શકાય
એક દૂર દૂર લંબાતો રસ્તો
ડામરના રસ્તા પર સાંભળી શકાય પછી કાવાસાકીનો કલશોર
અને દેખી શકાય ટાઇટ ક્લોઝ-અપમાં
બાઇક ઉપર સાવ મને ભીંસીને બેઠેલી તું
પછી હંડ્રેડ ઍન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીઝાતી, તારાંઆં વીઝાતો હું
કાઉબૉયની જેમ મારું તારા વિચારોના ખુલ્લા મેદાનોમાં ફરવું
ઝીણી વ્હિસલ તારા કાનમાં વગાડવી
ને ઢિચકાંવ ઢિચકાંવ તને ચૂમવું
રોજ તને રફટફ ચાહવું
કે મળવાને અશ્વોની જેમ દોડી આવવું
એ બધું તો મારે સ્વભાવગત
ઉપરથી તારા ફેંકાયેલા લેસ્સોમાં હંમેશા વીંટાતો, ખીંટાતો હું
પછી હંડ્રેડ ઍન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીઝાતી, તારાંઆં વીઝાતો હું
મળે છેલ્લા ખિસ્સામાં એક ઇચ્છા, બે વાતો, ને ત્રણેક પ્રસંગો
ઇચ્છામાં હોય એક આઇ.એસ.આઇ માર્કવાળું
કે એગમાર્ગ છાપ
મને ફિટોફિટ થાય
તને અપટુડેટ લાગે
બહુ બૅગી ન હોય, એવું આપણું જ મળવું
વાતોમાં હું જે ન બોલ્યો હોંઉં
એમાંથી યાદ હોય જેટલું તને
કે તારી આંખોથી જસ્ટ લાઇક ધેટ
મેં જે ચોરી લીધેલ હોય એ બધું
પ્રસંગોમાં આપણને રસ્તાની વચ્ચોવચ્ચેથી
કોઈ બેલ્ટનું બક્કલ મળે એમ એક અમથું મળેલ
એક ડેનિમ આકાશના જ ચંદરવા નીચે રચેલ
એક આંખોથી સ્ટેર કરી, હોઠ વડે ઊજવેલ, એવું કંઇક
મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
કે એવું કંઈક
મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો
કે એવું કંઇક
મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધ-ધધધ રેતીનો દરિયો
કે એવું કંઇક
મળે છેલ્લા ખિસ્સામાં એક ઇચ્છા, બે વાતો, ને ત્રણેક પ્રસંગો
કે એવું કંઇક
મળે ધોવા નાખેલ કોઈ લીવાઇઝના જીન્સમાંથી
વાંકીચૂકી વળેલ ચિઠ્ઠીઓ
ડિઝાઇનર લેબલનાં બિલ્સ
થોડા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાઓ
ફિલ્લમની અડધી ટિકીટો
ને-ગીત એક સિગારેટના ખાલી ખોખા પર લખેલ
આવું કંઇક
કવિ શ્રી મનોજ જોષીને એમના જન્મદિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! આજે માણીએ એમની કલમે લખાયેલું, અમારું ખૂબ જ ગમતું ગીત..! કાજલ ઓઝા લિખિત – અને વિરલ રાચ્છ દિગદર્શિત નાટક – સિલ્વર જ્યુબિલીનું આ title song.. જો કે ગીત એવું મઝાનું છે કે તમે નાટક નહીં જોયું હોય તો પણ માણવાની એટલી જ મઝા આવશે..