અટક્યાવગર આગળ વધ્યા તો એમને તકલીફ થઇ
સંજોગ સાથે બાખડ્યા તો એમને તકલીફ થઇ !
પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન લઇ ઊભા થયા બે-ખોફ, ‘ને
ઉત્તર બધા ટાંચા પડ્યા તો એમને તકલીફ થઇ
ઘટના જૂની ભૂલી જવાની હોય, એ ભૂલાઇ નહીં
બે-ત્રણ પુરાવા પણ મળ્યા તો એમને તકલીફ થઇ
પડઘાવગરનાં સાદ બહુ કાને નથી પડતાં, છતાં
એ કાન દઇને સાંભળ્યા તો એમને તકલીફ થઇ !
ખુલ્લી હથેળી જેમ જીવ્યા એય ખટક્યું એમને
સાચા હતાં સાચા ઠર્યા તો એમને તકલીફ થઇ
અંધારપટને ખાળવા સાહસ કર્યું આખા ઘરે
‘ને ટોડલે દીવા બળ્યા તો એમને તકલીફ થઇ !
સહુનાં થવાની લાહ્યમાં એ થઇ શક્યા નહીં કોઇનાં
અમને, બધાએ સાંકળ્યા તો એમને તકલીફ થઇ !
– ડૉ.મહેશ રાવલ