ઠેક્યા મેં થોરિયા, ને ઠેકી મેં વાડ
ઠેક્યા તેં દીધેલા ઊંચેરા પ્હાડ,
ઠેકી મેં ઠોકર, ને ઠેકી મેં ઢીંક,
ઠેકી તેં દીધેલી ઊંડેરી બીક,
ઠેકી-ઠેકીને હવે પહોંચી છું ઠેઠ,
મારા હૈયાનાં ઝાડવાની હેઠ.
ઠેકયા મે થોરિયા ને ઠેકી મેં વાડ,
ઠેકયા તે દીધેલા ઊંચેરા પહાડ,
ઠેકી મેં ઠોકર ને ઠેકી મેં ઢીક,
ઠેકી તે દીધેલી ઉંડેરી બીક,
ઠેકી ઠેકી ને હવે પહોંચી છું ઠેઠ,
મારા હૈયાનાં ઝાડવાની હેઠ.
છોડ્યા મેં ઉંબરાં, ને છોડી મેં પાળ,
છોડી તે પાથરેલી આખી જંજાળ,
છોડ્યા મેં સરનામાં ને છોડ્યું મેં નામ,
છોડ્યું સીમાડાનું છેવટનું ગામ,
છોડી છોડી હવે પહોંચી છું ઠેઠ,
મારા હૈયાનાં ઝાડવાની હેઠ.
ઢોળ્યાં મેં ઢોળ્યાં તે દીધેલા ઘૂંટ,
હવે મારી ઝાંઝરી ને બોલવાની છૂટ,
ખીલેથી છૂટ્યા છે ઓરતાના ધણ,
વીરડાને ભાળે હવે મીઠાના રણ
રણના રસ્તે હું તો પહોંચી છું ઠેઠ,
મારા હૈયાનાં છાંયડાની હેઠ.
-સૌમ્ય જોશી
જ્યારથી ગુજરાતી ભાષા ની ફિલ્મ બનવાની શરૂ થઈ (1932થી) ત્યાર સુધીમાં કોઈપણ ગુજરાતી ફિલ્મને સુવર્ણ કમલ એટલે ભારત આખાં ની શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો હોય તેવી ઘટના 2019ની ગુજરાતી ફીચર ફિલ્મ “હેલ્લારો” છે. આ ફિલ્મ ગુજરાતી ભાષાની સર્વપ્રથમ ફિલ્મ છે જેને આવું સન્માન રાષ્ટ્રીય સ્તરે મળ્યું હોય! ગુજરાતીઓ માટે આ આનંદ અને ગૌરવની રળિયામણી ઘડી છે !
ફિલ્મના ડાયરેક્ટર અભિષેક શાહ,સંગીતકાર મેહુલ સુરતી,ગીતકાર સૌમ્ય જોશી ત્રણ વર્ષથી આ ફિલ્મ ઉપર કામ કરી રહ્યા છે,ફિલ્મનું શૂટિંગ કચ્છમાં થયું છે.ફિલ્મના દરેક ગીતો એક અદભુત જાદુ રચે છે.ગીતોનો સ્વર ઐશ્વર્યા મજુમદાર ,આદિત્ય ગઢવી,ભૂમિ ત્રિવેદી,શ્રુતિ પાઠક,મુરાલાલ એ આપ્યો છે.આ ફિલ્મ દબાયેલી લાગણીને સંગીતમય રીતે બહાર કાઢવાની વાત રજુ કરે છે જેમાં કચ્છી મહિલાઓની અભિવ્યક્તિને સુંદર રીતે દર્શાવામાં આવી છે.
ભારતમાં આ ફિલ્મ આઠ નવેમ્બરે રિલીઝ થઇ રહી છે,તો એની સાથે આ પહેલું ગીત ટહુકો ઉપર મૂકતા ખુબ આનંદ અને ગર્વ અનુભવું છું.
ફિલ્મનું ટ્રેલર ;https://www.youtube.com/watch?v=qb8uOylK3R4
જેના હાથમાં રમે છે મારી મનની ઘૂઘરીઓ
જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીયો…..
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે …
હું એની ડમરીની ધૂળ બની જાઉં, એ તાલ દે ને હું તાલી દઉં
એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે..
એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે ..
એણે સપના રાંધ્યા હું બેઠી ખાઉં…
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે …
હું એની ડમરીની ધૂળ બની જાઉં, એ તાલ દે ને હું તાલી દઉં
એણે ચાલતી ન’તી હું તોય આંતરી ..
મારે છેતરાવું’તું એવી છેતરી ..
એણે પગલી પાડી હું કેડી થઉં ..
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે …
હું એની ડમરીની ધૂળ બની જાઉં, એ તાલ દે ને હું તાલી દઉં
– સૌમ્ય જોશી