સુરતમાં બારમી જુને એક સગીર વિદ્યાર્થીની પર ધોળે દહાડે ચાલુ ગાડીમાં ત્રણ-ત્રણ નરાધમો દ્વારા એના સહાધ્યાયીની હાજરીમાં અમાનવીય બળાત્કાર થયો અને નરમાનુષોએ એની વિડીયો ક્લિપિંગ્સ પણ ઉતારી… રૂંવાડા ઊભા કરી દે અને લોહી ઊકળી ઊઠે એવા શહેરની અસ્મિતા પર સરિયામ થયેલા જનોઈવઢ ઘાની કોઈને કળ વળી નથી અને વળી શકે એમ પણ નથી.
અંતરમાં ઉઠેલા એવા જ એક આક્રોશમાંથી જન્મ થયો છે આ ગીતનો. કેટલીયે દીકરીઓ અને એમના ઘરવાળાઓએ બદનામીના ડરથી આ નરાધમો સામે નમતું જોખીને એમની પાશવીવૃત્તિઓને અજાણ્યે પોષ્યે રાખી હતી. આવા રાક્ષસો બીજી કોઈ દીકરી સાથે ફરી આવું ન કરી શકે એ ખાતર અને પોતાને થયેલા અન્યાયની સામે હરગીઝ માથું ન ઝુકાવી પોતાની બદનામીની જરાયે ચિંતા કર્યા વગર એ અપરાધીઓને આકરામાં આકરી શિક્ષા થાય એ માટે ન્યાય માંગવા આગળ આવેલી આપણી એ નીડર દીકરીને માટે “શૂરવીર” સિવાય બીજો કયો શબ્દ વાપરી શકાય???? આજે ફાધર્સ ડે છે.. અને આમ તો કાયમ ફાધર્સ ડે પર અહીં દરેક પપ્પા માટે મુકાયેલું કોઈ મજાનું ગીત મૂકીને માણીએ છીએ… પરંતુ આજનું આ ગીત માત્ર એક જ પપ્પા અને એમનાં કાળજાનાં ટુકડાં સમી એ વ્હાલી નીડર દીકરીને સ્નેહાર્પણ… દુનિયાની બધી દીકરીઓ, દીકરીનાં પપ્પાઓ અને એમનાં કુટુંબીજનોને આવી જ રીતે અન્યાય સામે લડવાની પ્રભુ શક્તિ આપે, એ જ પ્રાર્થના સહ…
ગઇકાલે ટહુકોની ત્રીજી વર્ષગાંઠ પર મુકુલભાઇએ સ્પેશિયલ ગીત લખીને મને અને સૌને એક અમુલ્ય ભેટ આપી છે.. મુકુલભાઇ, આભાર કહીને આ ભાર ઓછો નહીં કરું! હું એ માટે હંમેશા આપની ઋણી રહીશ.! અને શુભેચ્છા પાઠવનાર દરેક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર..!
આજે સાંભળીએ હેમુ ગઢવી અને દીના ગાંધર્વના સ્વરમાં આ ખૂબ જાણીતુ લોકગીત.
એવોયે વખત હશે, જ્યારે વાણિયા જેવી પોચી જાત અને તેમાંયે એક અબળા, પોતાના ઉપર કુદ્રષ્ટિ કરનાર રાજાને પણ કાળજે કારી ઘા પડે તેવો માર્મિક જવાબ આપીને ભોંઠો પાડતી. જીવાજી ઠાકોરે રોજ રોજ લાલચો દીધી. વાણિયાણીએ ખામોશ પકડી. પણ આખરે તો એણે રાજાની રાણીઓની, રાજ્યની અને મસ્તકની જ હરરાજી બોલાવી,ત્યારે ઠાકોર ઘોડાં પાવા જવાનું ભૂલી ગયા.- ‘રઢિયાળી રાત’ -સંપાદક-ઝવેરચંદ મેઘાણી
આજે ટહુકો.કોમને ત્રણ વર્ષ પૂરા થયા છે. જાણે હજી તો કાલે જ જન્મ્યો’તો ટહુકો, અને જોતજોતામાં તો ત્રણ વર્ષનો બાળક પણ થઈ ગયો. આપણા આ વ્હાલા ટહુકાને, ટહુકાનાં ઘર (એટલે કે જયશ્રી) અને વરને… અને ટહુકાનું ગુંજન સાંભળવા અને મોજથી માણવા આવતા બધ્ધા દેશી-વિદેશી પંખીઓને (એટલે કે આપણે બધ્ધા) ટહુકો.કોમની ત્રીજી વર્ષગાંઠ પર મારા-તમારા તરફથી તેમ જ મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને મબલખ શુભેચ્છાઓ.
થોડા દિવસથી ટહુકાનાં નવા રૂપ-રંગ તો તમે જોવા જ માંડ્યા હશે… આ સાથે જ કક્કાવાર અનુક્રમણિકા નું બદલાયેલું રૂપ પણ જોઈ લેશો. ઘણા વખતથી જયશ્રીએ ટહુકો ઉપર એક નવો વિભાગ શરૂ કરવો હતો… કે જ્યાંથી અલગ અલગ આલ્બમ ક્યાંથી મેળવી શકાય એની માહિતી મળી રહે… તો મિત્રો, આજે ટહુકોની ત્રીજી વર્ષગાંઠ પર એણે એ વિભાગનો પણ શુભારંભ કરી દીધો છે… સૂરનામા ! આ સાથે જ થોડી નાની-નાની સુવિધાઓ પણ તમને દેખાશે… કોશિશ તો એ જ છે કે વાંચક-મિત્રોને જોઈતી કોઈ પણ માહિતી એકદમ સરળતાથી મળી રહે.
તમને જરૂર થતું હશે કે ટહુકાની બર્થ-ડે પર અહીં ટહુકવાનું મૂકીને બુલબુલ ક્યાં ચાલી ગઈ ?? તો મિત્રો, એણે કહેલી ખાનગી વાત હું પણ તમને ખાનગીમાં જ કહું છું કે એ ટહુકાવાળી દસ દિવસની છુટ્ટી લઈને ટહુકાની બર્થ-ડે મનાવવા ગઈ છે…! મતલબ કે આજે ટહુકાની બર્થ-ડે કેક પણ આપણે જ કાપવાની છે, અને આપણે જ ખાવાની છે. 🙂
ટહુકાની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે મુકુલભાઈએ ખાસ એક ખૂબ જ મજાનું ગીત લખ્યું છે… જેને મેહુલ સુરતીએ ફિલ્માવીને અહીં સુધી મોકલ્યું છે… એ ગીત આપણે મુકુલભાઈનાં મુખે જ અને એ પણ એમને જોતા જોતા સાંભળીએ અને માણીએ. (આભાર મુકુલભાઈ… આભાર મેહુલ…)
ટહુકો ત્રણ વર્ષનો થયો…
ટહુકો ત્રણ વર્ષનો થયો…
કવિતા ને સંગીતનો આજે અર્થ એટલો જ રહ્યો,
કે ઉમળકો પુસ્તકથી નીકળી નેટમાં પહોંચી ગયો !
કે ટહુકો ત્રણ વર્ષનો થયો…
ટહુકો એટલે જય હો થી પણ આગળ એક જયશ્રી હો,
આવતા ભવમાં કાશ કે આ ટહુકાની જાતી સ્ત્રી હો…
પ્રેમમાં જેના કાવ્યપ્રેમી એક સમૂહ ખેંચાઈ ગયો,
એ ટહુકો ત્રણ વર્ષનો થયો…
ત્રીજે વર્ષે એના ત્રણ અક્ષરને સાર્થક કરીએ,
ચાલો, આ ટહુકાને ભરચક પંખીઓથી ભરીએ..
પછી ગમે ત્યાં એ રહેતો અમને તો ભયો ભયો,
કે ટહુકો ત્રણ વર્ષનો થયો…
લયસ્તરોની – આપણી યાદગાર ગઝલો શ્રેણીમાં વિવેકભાઇએ આ ગઝલનો જે પરિચય આપ્યો છે, એ પછી મારે કશું કહેવાનું બાકી રહેતું જ નથી..! 🙂 (ચલો, આજે હું કોપી-પેસ્ટ નથી કરતી, લયસ્તરોની લિંક આપી છે ત્યાં જઇને વાંચી લેશો ને? )
પણ હા… ગઝલ સાંભળવાની શરુઆત અહીં જ કરી શકો છો..!! 🙂
ગુજરાતી શાળામાં ભણેલા દરેકને આ સ્તુતિ થોડે -ઘણે અંશે તો યાદ જ હશે… ચલો, જો ભુલાઇ ગઇ હોય તો હું આજે યાદ કરાવી દઉં..! અને એ પણ ત્રણ અલગ-અલગ સ્વર-સંગીત સાથે..!! અને શાળાજીવન યાદ કરાવતી આ રચના સૌપ્રથમ સાંભળીએ બાળકોના સ્વરમાં….
અંકિત ત્રિવેદીએ આ ગીત ખાસ ટહુકો માટે લખ્યું હોય એવું નથી લાગતું? યાદ અને સપનાની વચ્ચે ટહુકો થઈને જામ્યાં…. બરાબર ને? ૨૦૦૬ના ‘ગુજરાત સમાચાર – સમન્વય’ કાર્યક્રમમાં આ ગીતની રજૂઆત થઇ હતી, એટલે આમ જોવા જાવ તો ટહુકો ત્યારે અસ્તિત્વમાં જ નો’તો..! પણ ગીત એવું મઝાનું છે, અને પાર્થિવે જે પ્રેમથી ગીત પીરસ્યું છે આપણને.. મને તો ટહુકો જ યાદ આવે ને…!! 🙂
તમને કહું છું કે ખિસ્સામાંથી સાંજ મઝાની કાઢો,
ગમતા જણની, ગમતી ક્ષણની વાત મઝાની માંડો,
યાદ અને સપનાની વચ્ચે ટહુકો થઈને જામ્યાં,
સૂર શબદનાં સથવારે બે વાત મઝાની લાવ્યાં,
સાત સૂરોનાં..
ગીત ગઝલમાં ગગન ઉમેરી ઊડવાનું છે મન,
સાથ તમારો મળે સૂરીલો, રસભર છે જીવન,
રોમ-રોમમાં જે અજવાળે એ દિવડાં પ્રગટાવ્યાં,
સૂર શબદનાં સથવારે બે વાત મઝાની લાવ્યાં,
સાત સૂરોનાં..