પહેલીવાર સાંભળો કે દિવસમાં પાંચમીવાર સાંભળો, પણ એક અલગ જ મસ્તીની દુનિયામાં લઇ જતું ગીત….!! ભર ઉનાળો હોય તો યે છત્રીમાં ભેગા પલળ્યાની ભીનાશ યાદ આવી જાય. ગુજરાતી યુગલગીતોમાં એક અલગ જ તરી આવતું ગીત.
સ્વર : હરીશ ઉમરાવ, નયના ભટ્ટ
.
આહા એટલે આહા એટલે આહા…
हमनें तुमको चाहा…. આહા.
ચોમાસાની જળ નિતરતી આગ એટલે આહા
છત્રીમાં ભેગા પલળ્યાનો સ્વાદ એટલે આહા
ભીના હોઠોમાં થઇ ગઇ એક ભીની મૌસમ….સ્વાહા…
આહા એટલે આહા એટલે આહા…
हमनें तुमको चाहा…. આહા.
સાંજે કોઇને અમથું અમથું મળવું એટલે આહા
પાછા ફરવા મન ન પછી કરવું એટલે આહા
રાતની એકલતામાં ગાયા કરવા ગીતો…. મન-ચાહા…
જેટલીવાર સાંભળો એટલીવાર એમ થાય, કે ફરીથી એકવાર સાંભળીયે. શબ્દો સમજવા મને થોડા અઘરા લાગ્યા, પણ તો યે ખૂબ પોતીકું લાગે છે આ ગીત…
મૂળથી ટોચ સુધી લહેરાતી લાગણીનું ગીત :
ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની
જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય
કે લાગણી ગણાય એમ પૂછીએ.
વેદના તો અડીખમ ઉભો કંઠાર
જતાં આવતાં જુવાળ ભલે કોતરે,
સુખ સાથે આપણો તો જળનો સંબંધ
ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.
છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ
કાંઠો છોડીને હવે ઝૂકીએ,
પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ
ફરી ચાલ સખી જિંદગીને મૂકીએ.
ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દે’તા
એ વાતો અકબંધ મને યાદ છે,
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો
ને ઉપર આકાશ જેવો સાદ છે.
મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય
એવી લાગણીને કેમ રે ઉવેખીએ,
ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે
ચાલ સખી એક વાર મૂકીએ.
————————
માણસમાત્રની એક ઝંખના હોય છે કે તેની ગતિ તમસો મા જ્યોતિર્ગમય બને, જડતામાંથી લાગણીશીલતા તરફ બને. કાર અને mobile phoneના model બદલાય એમ માણસ સંબંધો પણ ફટાફટ બદલે છે, પણ એનું મન ક્યારેક તો ઝંખે છે ભીનાભીના અતૂટ ભાવભર્યા સંબંધને! ચામડીને ચીપકીને માણસ સુખ તો ભોગવે છે, પણ એનું મન ક્યારેક ઝંખે છે સાચા પ્રેમને! Continue reading →
આજનું આ ગીત – ગુજરાતી બ્લોગજગતને આટલું ધબકતું અને મહેકતું રાખવા પાછળ જેમની મહેનત, સમય લગન અને લાગણીઓ છે, એ દરેક ગુજરાતીને…
.
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરીસરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.
આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચતી વ્રજનારી સંગ તારાં રણકી ઊઠે કરતાલ !
ગમતાંનો કરીએ ગુલાલ.
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.
———————————–
ગમતું મળે તો અલ્યા ગુંજે ના ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ.
આ આપણી સંસ્કૃતિનું લાક્ષણિક ગીત છે. આપણે હંમેશા આપવામાં માનીએ છીએ, વહેંચવામાં માનીએ છીએ. ઘરે સારું અન્ન રાંધ્યું તો પડોશીને ત્યાં વાડકી ભરીને જાય જ, ખેતરમાં દાણા પાક્યા તો પ્રસાદરૂપે વહેંચીએ, ગુંજે ભરવાની વાત જ નથી હોતી!
૧. આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી, પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી; સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડાખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ!
મા સંસ્કૃતિને બચાવવાની હાકલ પડી હોય ત્યારે શૂરવીરની ગોરાંદેનો હાથ એને ગળે વીંટળાઈઈ ક સાંકળ બની જાય કે એ હાથથી પતિના મસ્તકની પૂજા થાય અને યુદ્ધામાં પ્રયાણ કરવા પ્રેરે? પોતાના પ્રિયતમને પંડમાં જ બાંધી રાખે એ પ્રીતિ તો પાંગળી જ કહેવાય. સમુદ્રની લહેરો બધે ફેલાવામાં જ સાર્થક બને છે, એ ક્યારેય સાંકળે બંધાતી નથી. ખાડાખાબોચિયાને એમની સરહદોનાં બંધન છે, સમુદ્રનાં પાણી તો અત્ર તત્ર સર્વત્ર વ્હાલનાં વાદળ બની વરસે છે.
૨. ગાંઠે ગરથ બાંધી ખાટી શું જીંદગી? સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી? આવે તે આપ કરી પળમાં પસંદગી.
પુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.
જીંદગીના રસને, ખુશીઓને આપણે મમતા અને અહંકારના વસ્ત્રમાં બાંધી રાખીએ તો એ ક્યાં સુધી સચવાશે? અને સચવાય તોયે એ કેવો ખાટો થઈ જશે? એનાં કરતાં તો જે તારા આંગણે આવે એને પળવારમાં જ, કાંઈ લાંબુ વિચાર્યા વિના આપી દઈએ તો એની મજા છે. ફૂલને મુઠ્ઠીમાં દબાવી રાખતાં તો આખરે આપણા મડદાની સાથે એ ફૂલની પાંદડીઓ પણ માટીની બની જાય છે, પણ જો એ ફૂલની પાંદડીઑને ચારેબાજુ વેરી દઈએ તો ફોરમનો ફાલ બની જાય છે.
૩. આવી મળ્યું છે તે દઈશ આંસુડે ધોઈને, ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને, આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચંતી વ્રજનારીની સંગ તારા રણકી ઊઠે કરતાલ!
લાગણીની અભિવ્યક્તિ વાણીથી, કૃતિથી, સ્પર્શથી, નજરથી થઈશકે, પણ અભિવ્યક્તિની ચરમ સીમા એટલે આંસુ. કવી આવી મળ્યું એને આંસુડે ધોઈને આપવાની વાત કરે છે, જે આપવું છે એ મારે મારા ભાવાશ્રુથી ધોઈને આપવું છે, ભાવપુર્વક આપવું છે. અહી “ભાવ એટલે અહંકેન્દ્રિતતા છોડીને કોઈના થઈ જવું” એ ભાવની વાત છે. જન્મોજન્માંતરથી સંવર્ધન કરેલા ભાવને જ્યારે પ્રાણ જાગે ત્યારે વ્હેલેરી તકે ખોઈ દેવામાં આનંદ છે. આવી નિસ્વાર્થતા આવે ત્યારે, જેમ દરેક વ્રજનારીની સાથે માધવ રાસ રમે છે તેમ, આપણને પણ માધવ એના ખોળે લે છે.
ધોધમાર વસાદ પડી રહ્યો હોય અને ધરતી એનું ખોબેખોબે રસપાન કરી રહી હોય ત્યારે એ દ્રશ્ય આંખ સામે આવે કે જાણે માતાએ હમણાં જ જન્મેલા બાળકને ખોળે લીધું છે અને એના સ્તનમાંથી આપોઆપ જ દૂધની સેરો નીકળી રહી છે! માતાના દૂધમાંથી મળતા સંસ્કાર, પોષણ અને હૂંફ બળકનું જીવનપર્યંતનું ભાથું બની રહે છે એમ વરસાદ પણ ધરતીને જાણે આખા વર્ષનું પોષણ પૂરું પાડે છે. ભગવાને વરસાદ આપીને પોતાના લાડલા દીકરા માણસને કેટકેટલું આપી દીધું છે!! પાણી જ જીવન છે, અને સંસ્કૃતમાં પાણીને “જીવન” પણ કહે છે.
વરસાદ પડતાં જ મન બાળક બની જાય છે અને આપણે મોગરાના ફૂલ પર પડેલાં ટીપાં પી જઈએ છીએ, કાગળની હોડી બનાવી એમાં કીડી ને મંકોડાને મૂકી હોડીને તરતી મૂકી દઈએ છીએ. વરસાદ પડતાં જ મન પ્રેમી બની જાય છે અને વરને સાદ પાડીને બોલાવી Hero Hondaને આપણા romantic ઉન્માદોની kick મારી મકાઈ ખાવા નીકળી પડીએ છીએ. વરસાદ પડે અને મન મીરાંબાઈ બની જાય અને કહે કે “હું તો વ્હાલાના વરસાદે જ ભીંજાવું”, અન્યથી તો કોરી ને કોરી!
પાણીનું મહત્વ કોણ જાણે? એક તો છે દરિયાની માછલી કે જે સતત પાણીમાં જ મસ્ત છે, પાણીથી જ એનું જીવન છે. બીજું આ આકાશ કે જે પાણીના વાદળથી ભરેલું અને ખીલેલું લાગે છે. ઝાડ કે જે પાણીથી મ્હોરી ઊઠે છે. નદી કે જે પાણીથી ધસમસતી તરુણી બને છે. આપણા જીવનમાં પણ કોઈ પાણી બનીને આવ્યું હશે કે જેનાથી આપણે જીવીએ છીએ, જીવન ભરેલું છે, ખીલેલું છે, મઘમઘતું છે- એ “કોઈ”ને યાદ કરી કૃતજ્ઞ થવાના દિવસો એટલે આ વરસાદી મોસમ!
પ્રસ્તુત ગીતમાં વરસાદનું ખૂબ સરસ વર્ણન કરેલું છે. છાનું રે છપનું કાંઈ થાય નહી અને ઝાંઝર કે હાથની બંગડી જેમ ચાડી ખાય તેમ મેહુલિયો આવી રહ્યો છે અને ધરતી એના મિલને ઉત્સુક છે એ વાતની ચાડી આપણા કાનમાં પવન કરી જાય છે. અને પછી તો વરસાદ પણ નક્કી કરે છે કે જબ પ્યાર કિયા તો ડરના ક્યા અને ચોરી છૂપીથી નહી પણ દખ્ખણના ઢોલ વગાડતો આવી પહોંચે છે…….અને હવે તો ભરાયો છે એટલે વસુંધરાનો પાલવ પણ લ્હેરે છે! ખૂબ સુંદર શબ્દો અને સ્વરનિયોજનનુ શ્રુતિવૃંદે ગાયેલું આ ગીત અંતમાં અચાનક ધીમું પડી જાય છે ત્યારે પ્રશ્ન થાય કે આનંદ અને ઉત્સવના આ ધરતી-વરસાદના મિલનના વાતાવરણમાં આ ગંભીરતા શાની?? અહીં જ તો સ્વરકાર ક્ષેમુભાઈએ કમાલ કરી છે- ધીમું પડી જતું ગીત આપણને જાણે કવિ કાન્તના ચક્રવાક મિથુન કાવ્યની એ પંક્તિઓ યાદ કરાવી જાય છેઃ “પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષ જતી નથી” મિલનના સંતોષ અને કાંઈક મળ્યું છે એના વિચારોમાં મગ્ન ધરતી પાસું ફેરવીને જુએ છે તો એનો મેહુલિયો તો છે નહી!! ત્યાં જ જાણે પેલો પવન ફરીથી એના કાનમાં કહેતો હોય છે કે “કે હે આવે મેહુલિયો……આવતા શ્રાવણમાં!” અને એ મિલન પછીની જુદાઈ જાણે ધરતીથી જીરવાતી ના હોય એના સંકેત રૂપે ગીત પણ ધીમું થઈ જાય છે! પણ એક વાતની મોટી ખુશી ધરતી પાસે છે કે ધરતી હવે એકલી નથી, એનો પાલવ હવે લહેરાઈ રહ્યો છે, અને આશ્વાસન છે કે આવતા શ્રાવણમાં વરસાદ આવશે જ!