ગુજરાતી સંગીતપ્રેમીઓ માટે ખુશીના સમાચાર… આપણા વ્હાલા સંગીતકાર શ્રી ક્ષેમુ દિવેટીઆને એમના સંગીતક્ષેત્રના પ્રદાન માટે ‘અવિનાશ વ્યાસ’ એવોર્ડ ‘ પૂજ્ય મોરારીબાપુ’ ના હસ્તે આવતી કાલે ’17મી ફેબ્રુઆરી’ ના દિવસે અર્પણ કરવામાં આવશે.
‘કાશીનો દિકરો’ માટે ‘શ્રેષ્ઠ સંગીતકાર’નો એવોર્ડ મેળવનાર શ્રી ક્ષેમુ દિવેટીઆની ‘સંગીત સુધા’ એ ગુજરાતી સુગમ સંગીતનો અમુલ્ય હિસ્સો છે. એમણે કેટલાય નાટકો માટે પણ સંગીત આપ્યું છે.. એમના ગીતો ગુજરાતી સંગીત જગતમાં એક અનોખું સ્થાન ધરાવે છે, અને એમનું યોગદાન માટે આપણે સર્વે એમના હંમેશા ઋણી રહીશું.
એમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે આપણા બધા તરફથી શુભેચ્છાઓ સાથે આજથી એક અઠવાડિયા સુધી ઉજવીએ એમના ગીતોનો ઉત્સ્વ…
અને શરૂઆત કરીએ ‘કાશીનો દિકરો’ ફિલ્મના આ ગીતથી…
સ્વર – વિભા દેસાઇ
સંગીત – ક્ષેમુ દિવેટીયા
ગુજરાતી ફિલ્મ – કાશીનો દિકરો
ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઇ ટાંક્યા ને આભલાં ઓછાં પડ્યા રે લોલ
માંડવે મ્હેક મ્હેક જૂઇની વેલ કે જૂઇના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ
ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભરે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ
મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ
સૈ, મારી ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ
લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડા તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઇ ઊડ્યા કરે રે લોલ
– રમેશ પારેખ (૨૬ સપ્ટેમ્બર, ૧૯૬૮)
——————
આ ફિલ્મના બીજા ગીતો તમે ટહુકો પર અહીં સાંભળી શકશો.





