જળને કરું જો સ્પર્શ તો જળમાંથી વાય લૂ,
સોનલ, આ તારા શ્હેરને એવું થયું છે શું ?
ખાબોચિયાંની જેમ પડ્યાં છે આ ટેરવાં,
તળિયામાં ભીનું ભીનું જે તબક્યા કરે તે તું ?
પીડા ટપાલ જેમ મને વ્હેંચતી રહે,
સરનામું ખાલી શ્હેરનું, ખાલી મકાનનું.
આ મારા હાથ હાથ નહીં વાદળું જો હોત,
તો આંગળીની ધારે હું વરસી શકત બધું.
પ્રત્યેક શેરી લાગે રુંધાયેલો કંઠ છે,
લાગે છે હર મકાન દબાયેલું ડૂસકું…
ટાવરના વૃક્ષે ઝૂલે ટકોરાંનાં પક્વ ફળ,
આ બાગમાં હું પાંદડું તોડીને શું કરું ?
આખું શહેર જાણે મીંચાયેલી આંખ છે,
એમાં રમેશ, આવ્યો છું સપનાંની જેમ હું.
ખાબોચિયાંની જેમ પડ્યાં છે આ ટેરવાં,
તળિયામાં ભીનું ભીનું જે તબક્યા કરે તે તું
આ બે લીટીમા પ્રેમ,વિરહ અને વેદના એમ ત્રણ લાગણીઓ નો સમન્વય છે.બહુ સરસ…એક્દમ સાચી વાત….
જળને કરું જો સ્પર્શ તો જળમાંથી વાય લૂ,
સોનલ, આ તારા શ્હેરને એવું થયું છે શું ?
ક્યા બાત હૈ…
આજે સવારથી આ ને આ શેર મગજમાં ઘૂમે છે.. વગર કારણે..!! આખરે અહીં આવી ને આખી ગઝલ ફરી વાંચવી જ પડી.
અદભુત ગઝલ… બધા શેરમાંથી તીણી વેદના ટપકે છે…
મજા આવિ ગઇ!!!!!!!!!!!!!!!!!!!!!!
ભોંકાય એવી ગઝલ …