Category Archives: કવિઓ

પ્રહલાદ પારેખ પર્વ ૨ : આજ અંધાર ખુશબો ભર્યો લાગતો

સ્વર – દર્શન જોશી

સ્વરાંકન – ચિંતન પંડ્યા

ખુશબો ભર્યો … Nr. City College-SF (Sept 2011)

આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી. આજ 0

આજ ઓ પારથી ગંધને લાવતી
. દિવ્ય કો સિંધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીંથી
મ્હેંકતી આવતી શી સુગંધી ! આજ 0

ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી ?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
ક્યાં થકી સૂર કેરી ફૂવારી ? આજ 0

હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
હરિણ શું, તે મળ્યો આજ સૂર ?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર ? આજ 0

– પ્રહલાદ પારેખ

કવિ વિષે (આભાર – ગુજરાત સાહિત્ય પરિષદ):

પ્રહલાદ જેઠાલાલ પારેખ(૧૨-૧૦-૧૯૧૨, ૨-૧-૧૯૬૨): કવિ. જન્મ ભાવનગરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં. શિક્ષણ દરમિયાન સંસ્થાના દૃષ્ટિસંપન્ન સંચાલક નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદીની અસર નીચે સાંસ્કારિક ઘડતરનો પાયો. ૧૯૩૦માં આઝાદીની ચળવળમાં જોડાવા અભ્યાસત્યાગ અને જેલવાસ. એ પછી પુન: અભ્યાસ. દક્ષિણામૂર્તિમાંથી વિનીત થયા પછી અભ્યાસાર્થે ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૩૩માં ‘શાંતિનિકેતન’ જઈ ચાર વર્ષ અભ્યાસ. ત્યાં રવીન્દ્રનાથના સાંનિધ્યે એમના કાવ્યસર્જનને પ્રેરણા મળી. ૧૯૩૭માં વિલેપારલેની પ્યુપિલ્સ ઑન સ્કૂલમાં શિક્ષક. બીજે વર્ષે ભાવનગરની ઘરશાળામાં જોડાયા. એ પછી ૧૯૪૫થી છેવટ સુધી મુંબઈની મોડર્ન હાઈસ્કૂલમાં શિક્ષક.

ગાંધીયુગથી જુદી પડતી અનુગાંધીયુગીન કાવ્યધારાના તેઓ અગ્રણી કવિ છે. પ્રકૃતિપ્રેમ તથા માનવપ્રેમ એ એમની કવિતાના મુખ્ય વિષયો છે. ભાવની ઈન્દ્રિયગ્રાહ્ય રજૂઆત, લયસમૃદ્ધિ અને સૌન્દર્યાભિમુખતા એમની કવિતાના મુખ્ય લક્ષણો છે. ‘બારી બહાર’ તેમનો નોંધપાત્ર કાવ્યસંગ્રહ છે.

પ્રહલાદ પારેખ પર્વ ૧ : હે મંગલ ! હે મંગલ !

૨૦૧૨ એ કવિ શ્રી પ્રહલાદ પારેખનું જન્મ શતાબ્દી વર્ષ છે. અને ગઈકાલે – બીજી જાન્યુઆરી એટલે સ્વરકાર શ્રી દિલિપ ધોળકિયા અને કવિ શ્રી પ્રહલાદ પારેખની પૂણ્યતિથી.

તો ચલો – આ બંને મહાનુભાવોને યાદ કરી – એમને શ્રધ્ધાંજલી અર્પણ કરી – આપણે માણીએ કવિ શ્રી પ્રહલાદ પારેખના ગીતોનો ઉત્સવ.. નવા વર્ષની શરૂઆત કરીએ એક અનોખી ગીતવર્ષાથી. એક અઠવાડિયા સુધી આપણે ઉજવીએ – પ્રહલાદ પારેખ પર્વ !

પ્રસ્તાવના – કવિ શ્રી વિનોદ જોશી

કવિ – પ્રહલાદ પારેખ
સમુહ ગાન
સંગીત સંચાલન – ચિન્તન પંડ્યા

હે મંગલ ! હે મંગલ !
ચરણતલ તવ,આજ મમ લહી ચિત્ત પલપલ ચંચલ.
હે મંગલ ! હે મમ્ગલ !

બહુ જુગો જલ જીવનના વહી, તરંગો સહુ આજ રે કહીઃ
હે દયામય ! સ્થાનદે,તવ પાસ આવ્યું પથિક જળ,
હે મંગલ ! હે મંગલ !

તો ચાલશે – હેમાંગ જોશી

નવા વર્ષની… ૨૦૧૨ની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ… અને શરૂઆત કરીએ આ મજાની ગઝલથી! વાંચતા જ દિલ સુધી પહોચે એવા શબ્દો, અને સાથે તરત જ ગમી જાય એવા સ્વર-સ્વરાંકન !! એકવાર સાંભળવાથી ધરાશો નહિ, અને થોડી વધુ વાર સાંભળશો તો આખો દિવસ એને ગણગણ્યા કરશો…

સ્વર – સંગીત : દેવેશ દવે

સાવ નાનું ઘર... Nr Bhakta Culture Center, Los Angeles

સાવ નાનું ઘર હશે તો ચાલશે,
મોકળું ભીતર હશે તો ચાલશે.

બીજાની તકલીફ પણ સમજી જવાય,
એટલું ભણતર હશે તો ચાલશે.

હાથ જાણીતો ન હોવો જોઈએ,
પીઠમાં ખંજર હશે તો ચાલશે.

ધરતી કોરીકટ રહે તે કરતાં તો-
છાપરે ગળતર હશે તો ચાલશે.

હાથ લંબાવું ને તું હોય ત્યાં,
એટલું અંતર હશે તો ચાલશે.

પ્રાણ પૂરવાનું છે મારા હાથમાં,
એ ભલે પથ્થર હશે તો ચાલશે.

– હેમાંગ જોશી

આવ સજનવા – દિલીપ રાવળ

સ્વરાંકન – સંગીત : રિશિત ઝવેરી
સ્વર – હિમાલી વ્યાસ

મને તરબોળ થવું ..... Mystery Spot, Santa Cruz, CA

મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા.

ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે,
પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે,
રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

હૈયું રહેશે હાથ નહિ ને હાથ તમારે હાથે,
મળશું ભીના કૉલ આપશું વાદળ ઘેરી રાતે,
મસ્તીમાં ચકચૂર બનીશું જા, મોસમ મદમાતો લઈને, આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

– દિલીપ રાવળ

મોરપિચ્છ મોકલજો – હરીન્દ્ર દવે

મથુરામાં સાંભળ્યું કે ચાંદની ખીલી છે
શ્યામ, વૃંદાવન રોજની અમાસ,
આજ હવે એ જ ધૂળ માથે ચડાવીએ
કે કાલ જ્યાં રમ્યાં’તાં રૂડો રાસ.

ચન્દનના વનમાં એક સાપ ગયો ડંખી
હવે સૌરભનું લેશ ન ઓસણ,
શ્યામની સંગાથે બધું સગપણ ગયું કે
હવે કોઇની રહી ન ઓળખાણ,
કોઇ જરા ફૂલને સુંઘાડી જુઓ, ક્યારનો ય
અટકી ગયો છે મારો શ્વાસ.

ગમતી ગલીઓમાં હવે સળ ના સૂઝે
ન વાગે રમતી સાહેલીઓનાં ઝાંઝર,
આજ હવે છૂટાં તરણાં ય નથી હાથવગાં
એકઠાં કરી જે બાંધ્યું ઘર,
ઉદ્ધવની સાથે એક મોરપિચ્છ મોકલજો
બીજી કોઇ ન કરું આશ.

– હરીન્દ્ર દવે

નાનકડું ગીત – મકરંદ દવે

એક નાનકડા સૂરમાં ગૂંથું
એક નાનકડું ગીત,
એક નાનકડા ઉરની એમાં
પાથરી દઉં પ્રીત.

નમણું કોઇ ફૂલ નાચે ને
ચમકે કોઇ તારો,
અમથું એવું ગીત આપે ત્યાં
અગમનો અણસારો.

વસમા છો વંટોળ ઊઠે ને
ઘેરી વળે ઘોર આંધી,
સૂની વાટને વીંધતો જાઉં
સૂરને તાતણૅ સાંધી.

એક નાનકડા સૂરમાં ગુંથું
એક નાનકડું ગીત,
એક નાનકડું ઉર ગુંજે તો
એટલી મારી જીત.

– મકરંદ દવે

ખાલી શકુંતલાની આંગળી – અનિલ જોશી

કાવ્ય પઠન – અનિલ જોશી

કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

ઝંઝાના સૂસવાટા પાંખમાં ભરીને ઊડું આખ્ખું ગગન મારી ઇચ્છા
વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં ખરતા પરભાતિયાનાં પીંછાં
ઉરમાં તે માય નહીં ઉડતો ઉમંગ મને આવીને કોઇ ગયું સાંભળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઇ એવું તો મન ભરી ગાતો
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
કાંઇ એવું તો મન ભરી ગાતો.
જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર, ક્યાંય કાગડો થઇ ન જાય રાતો!

આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઇ ઊડી જાય વાંસળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

– અનિલ જોશી

બરફનાં પંખી – અનિલ જોશી

ઓગસ્ટ ૨૦૦૭માં આ પહેલા ટહુકો પર પોસ્ટ કરેલું આ ગીત – આજે મઝાના સ્વર-સ્વરાંકન સાથે ફરી એકવાર…

ગાયક :- શૌનક પંડ્યા અને જીગીષા ખેરડીયા
રચના :- અનીલ જોષી
સ્વરાંકન :- શૌનક પંડ્યા

ટહુકે ટહુકે પીગળ્યાં…. Photo: Vivek Tailor

આલ્બમ : સંગત
સ્વર : શ્યામલ સૌમિલ મુન્શી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લૂમાં તરતો ઘોર ઊનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાના ટીપાં
કમળપાંદડી ઝીલે,

ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા !
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલા-સૂકા જંગલ વચ્ચે
કાબરચીતરા રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ,

રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

વાત જુદી છે અધૂરા પાત્રની… – નીતિન વડગામા

આવ-જા અમથી બધાંની થાય છે,
શ્વાસ પણ એમ જ અહીં લેવાય છે.

વાત જુદી છે અધૂરા પાત્રની,
કોઈ દરિયો ક્યાં કદી છલકાય છે ?

જીવ પામર પામવા મથતો રહે,
એ પદારથ તો ય ક્યાં પકડાય છે ?

આંખમાંથી કેટલું ભૂંસવું પડે –
આંખ પંખીની પછી દેખાય છે.

સ્હેજ અજવાળું નથી થાતું અને,
કૈંક ડહાપણ દીવડા બુઝાય છે !

કોઈ પરપોટો નથી કાયમ અહીં,
આખરે એ સત્ય પણ સમજાય છે.

સાવ કોરા કાગળો વાંચ્યા પછી
અક્ષરોનો મર્મ કૈં પકડાય છે !

– નીતિન વડગામા

હોમસિકનેસ – પન્ના નાયક

આ કવિતા સાથે કવિ શ્રી ભગવતીકુમાર શર્માનો આ શેર ચોક્કસ યાદ આવે…
મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ.

….અને સાથે બીજું શું અને કેટલું યાદ આવે એની તો વાત જ નથી કરવી..!

*****

મેં ટ્રોપિકલ છોડને જડમૂળથી ઉખેડી
અહીં પરાઈ શીતલ ભૂમિમાં
રોપી તો દીધો
અને
એ છોડે જીવવાનો નિર્ધાર પણ કરી લીધો.
છતાં
અહીં જ્યારે વસંત ચેરી બ્લોસમ્સથી રંગાઈ જાય છે
ત્યારે
મારું મન કેસૂડે મોહે છે.
ગ્રીષ્મનાં ગુલાબ ધરા પર પોતાના બિસ્તર બિછાવી દે છે
ત્યારે
હું ગુલમોરની યાદથી આંખ લાલ કરીને રોઉં છું.
અહીં બારે માસ વરસાદ પડે છે તોય
ત્યાંના જેવી વર્ષાઋતુની મઘમઘતી સોડમ
ક્યારેય શરીરે ચોંટતી નથી.
અષાઢનો શબ્દ જ અહીં નથી ને!
અહીં બધું જ છે
છતાં કંઈ જ નથી.

હું હોમસિક થઈ ગઈ છું.
થાય છે
બધું ઊઠાવીને ઘેર જાઉં
પણ
હવે મારું ઘર ક્યાં?
મારું
ઘર ક્યાં?

— પન્ના નાયક