આજે સાંભળીએ ભગવતીકાકાની આ મઝાની ગઝલ.. મારી-તમારી પેઢીના મોટા ભાગના લોકોને કાગળ વાંચવાનો અનુભવ હશે..! દૂર રહેતા સગાં કે મિત્રોના ઘણા કાગળો વાંચ્યા છે. હોસ્ટેલમાં રહેતા ભાઇનો કાગળ આવે એની તો કાગડોળે રાહ જોતી.. !! આજે હવે ‘ટપાલ…’ એવી બૂમ સંભળાતી નથી..! ટપાલી પાસેથી કાગળ લઇને કોનો કાગળ છે? શું લખ્યું છે – એ રોમાંચની મઝા જાણે દુર્લભ થઇ ગઇ છે..!!
અને હા… વર્ષો સુધી કોઇ કાતરિયામાં.. કોઇ ડબ્બામાં… કોઇ પુસ્તક વચ્ચે સચવાઇ રહેલો.. કોઇને લખેલો અને પોસ્ટ ન કરેલો? કે કોઇએ લખેલો અને આપણે જીવની જેમ સાચવેલો.. કાગળ અચાનક મળી આવે તો? એ કાગળ પહેલીવાર આવ્યો તો, અને એને વાંચવામાં જે ટોસ્ટ બાળી નાખેલો, એ બળેલા ટોસ્ટની સુવાસ જાણે આજે ફરીથી અનુભવાતી લાગે…! અને કાગળ ભલે વર્ષો પહેલા લખાયેલો હોય, પણ એ સાથે જાણે વીતેલાં વર્ષોની પળેપળ એકસાથે લઇને આવે..
*******
સ્વર – સ્વરાંકન : દેવેશ દવે
ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ,
વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ.
છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો,
કાળજીથી ખોલીને સળ વાંચીએ.
પત્ર સૌ પીળા પડયા તો શું થયું?
તાજે તાજું છાંટી ઝાકળ વાંચીએ.
કેમ તું રહી રહીને અટકી જાય છે?
મન કરી કઠ્ઠણ ને આગળ વાંચીએ.
પત્રના શબ્દો ચહેરાઈ ઝાંખા થયા,
આંખથી લુછી લઈ જળ, વાંચીએ.
લ્યો, ટકી રહી છે હજી થોડી સુવાસ,
શ્વાસમાં ઘુંટીને પીમળ વાંચીએ.
માત્ર આ પત્રો સીલકમાં રહી ગયા,
કંઈ નથી આગળ તો પાછળ વાંચીએ.
– ભગવતીકુમાર શર્મા