વાદળી ! ક્યાંરે રે ગૈ,એલીવાદળી ?
તને જોઇતી મેં દુર મારી સીમે;
તું તો આવંતી પાસ ધીમે ધીમે;
હતી જોઇ તારી વીજ,
હતું સુણ્યું તારું ગીત;
મેંતો આશાની માંડી’તી મીટજી
તને સુઝી શી આ મતિ ?
તેં તો આડી કરી ગતિ ! એલી વાદળી….
મેં તો જાણ્યું, તું વરસી અહીં જાશે,
મારા ખેતર સૌ અંકુરિત થાશે.
મારાં પંખીડા ન્હાશે,
મારા ઝરણાઓ ગાશે.
મારું મનડું ઉમંગે એ નાચશે જી !
ત્યાં તો થઇ તું અદીઠ !
આ તે કેવી તારી રીત ? એલી વાદળી….
હવે લાવે જો નીર ફરી વારે,
અને આવે જો ગામ ચડી મારે.
વેણ કે’વાને ત્યારે
મારા ડુંગરની ધારે
એક બેસી જોઇશ તારી વાટ જી.
બેન જાતી ના આમ
રાખી સુકું તમામ. એલી વાદળી….
બે ગાયિકાઓનો સ્વર ભળે, એટલે જાણે આપોઆપ જ ગીતો વધુ મધુર લાગે એ… અને એવો જ જાદુ અહીં દેવયાની અને સ્વાતિના સ્વરો સાથે માણીયે…
સ્વર : દેવયાની-સ્વાતિ
સંગીત સંચાલન : ચિંતન પંડ્યા
મોરલા રે! જરી કરજે ને તારા ટહુકાર…
કવિ વિષે થોડી વધુ માહિતીઃ (આભાર – શ્રી ભરતભાઇ પંડ્યા)
તેમના કાવ્યો જેટલીજ ઋજુતા, સરળતા તેમના વ્યક્તિત્વમા હતી. જીંદગીભર ખાદીના વસ્ત્રો પહેરતા અને ભાગેજ ખાદીનો લેંઘો, કફની અને બંડી શીવાય બીજો પોશાક ધરણ કરતા..તેમના વિદ્યાર્થીઓમા તેઓ ખુબ પ્રિય હતા.ગાંધીજી ના સમયમા તેમના પ્રભાવમા ન આવી શુધ્ધ નિસર્ગ અને સૌંદર્યલક્ષી કાવ્યો નું સર્જન કરવું તેજ તેમનુ કવિ તરીકેની અલગપણાની સાબીતી છે.
૧૯૪૦મા તેમનુ પ્રથમ પુસ્તક ‘બારી બહાર’ પ્રસિધ્ધ થયું.તેના આમુખમા ઉમાશંકર જોશીએ તેને ‘નાક,કાન,આંખની કવિતા” તરીકે બીરદાવી અને આ રચનાઓ મા નીતરાં પાણીનો ગુણ છે તેમ કહ્યું.ઊમાશંકર ભાઇએ આ બારી બહાર ગ્રંથની વિસ્ત્રુત ( જેટલા પાના કવિતાના લગભગ તેટલાંજ પાના આમુખના) પ્રસ્તાવના લખી છે. ગુજરાતી સાહિત્યના આ સ્વનામ ધન્ય કવિ અને કષ્ટસાધ્ય એવા કવિ ઉમાશંકર પ્રહલાદ પારેખ પર મન મુકીને વરસ્યા છે.ઉ.જો. લખે છે “પાણીદાર મોતી જેવા ઉર્મિકાવ્યો રસની ઘુંટેલી કણીકા જેવી શ્લોકપંક્તિઓ કવિ પાસેથી સારા પ્રમાણમા મળી રહે છે.વિવિધ વિશયની વિવિધતા માટે વલખાં મારવાને બદલે માનવીના ચિરંતનન ભાવો આલેખવામા આનંદ માન્યો છે.કવિએ માનવ હ્રદયને જાણે પોતાનો કાવ્ય વિશય બનવ્યો છે.
૧૯૪૮મા બીજો સંગ્રહ ‘સરવાણી’ પ્રસિધ્ધ થયો.તેની પ્રસ્તાવનામા ભ્રુગુરાય અંજારીયા તેમના વિશે લખે છે ‘જેના અંતરનો મર્મ પામતાં શાતા વળે એવી વિશાળ,સૌમ્યસ્વરુપીર્ણી પ્રક્રુતિનો સાદ કવિ એ સાંભળ્યો છે”
કવિશ્રી વિનોદ જોશી તેમની કવિતાને આ શબ્દોમા મુલવે છે.”પ્રહલાદ પારેખની કવિતા ગુજરાતી સાહિત્યનો એક મહત્વનો સ્થિત્યંતર છે.કવિ ન્હાનાલાલ પછી ગુજરાતી કવિતામા સૌંદર્યનો ઉછાળ મને પ્રહલાદ પારેખની કવિતામા દેખાયો છે’
પ્રહલાદના કાવ્યો મા આંતરમનના ; પ્રણય– અલ્યા પુછું અજાણ્યા રે,મેં જે ગીત ગાયા છાના એ તો કેમ રે કરીને તારા પાવામાં ઝીલાયા રે , અને વિરહ- એવું રે તપી ધરતી એવું રે તપી જેવાં તપ રે તપ્યા એક દિ’ પારવતી સતિ,અને ત્રુશા – દીધી તેં આ જગાડી ત્રુશા, અને તલસાટ- પેલો જાય મેહુલિયો મનને મારા લૈ ગયેલો,અને ઝંખના- હે વૈશાખ લાવ લાવ તુજ ઝંઝાવાત, અને પ્રતિક્ષા – કોની જુવે તું વાટ અભાગી મન, અને મુંઝવણ – હાંરે આજ શું રે ગાઉંને શું ન ગાવુ – અને જુદાઇ- કોણ આજ રહે બંધ બારણે, એવા વિવિધ ભાવોનુ જેને ઉમાશંકર ભાઇ એ ‘છટકણાં’ તરીકે ઓળખાવ્યા છે તે કોમળ ભાવોનું અત્યંત સુંદર રીતે વર્ણન કર્યું છે.પ્રક્રુતિને તો તેમણે મન ભરી ને માણી છે – આભ,તારા, ધરા, ડુંગર, ખીણ,પવન , પાણીના અવનવાં રુપો તેમના કાવ્યોમા ઉમટી પડ્યા છે.
કવિ પ્રહલાદ બહુજ સહજતા અને સરળતાથી વાચકોમા મનમા વસ્યા છે. આજે સાત દાયકા વીતી ગયા પછી પણ તેમની કવિતા દર વર્શે આવતા વરસાદ જેટલીજ નીત નવી લાગે અને તરો તજા લાગે છે. વર્શા ઋતુને તો એમણે મન ભરી ને માણી છે અને અનેક રીતે રજુ કરી છે. એમના ગીતોમા તરબોળ કરી દેતી મુલાયમ લયસમ્રુધ્ધિ,નાદવૈભવ-સૌંદર્ય સાંપડે છે . આ બે વિલક્ષણાથી સર્જતી સંગીતમયતા ગુજરાતી સાહિત્યનુ મહમુલું ઘરેણું છે.
તેઓ મુંબઇમા કાંદીવલિમા પરામા રહેતા.૦૨/૦૧/૧૯૬૨ ના રોજ સ્કુલે જતાં જતાં તેમને રસ્તામા હ્રદય રોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થયું.
વર્ષાઋતુ કવિઓને તો પ્રિય છે જ – પણ સ્વરકારોને પણ વરસાદના ગીતો જરા વધુ માફક આવે છે.. અને વાંક જો કે એમાં કોઇનો નથી.. આપણને બધાને જ વરસાદ વ્હાલો નથી લાગતો? મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે..
અને આ જ કારણે – થોડા વખત પહેલા જ્યારે ટહુકો પર એક મિત્રએ ફરમાઇશ કરી એક ગીતની – હાલો મારા શામળા ને હાલો મારા ધોળીયા, આકાશે આવ્યો પેલો મહુલો – ત્યારે પહેલા તો થયું, ગીત તો મઝાનું લાગે છે, હજુ સુધી કેમ સાંભળવા ન મળ્યું..?? અને વરસાદનું નામ લેતા માથે ટીંપા પડે, એમ ભરતભાઇ પંડ્યાનો ઇમેઇલ આવ્યો – હાલો મારા શામળા…
સ્વર : રાજન – રચના
હાલો મારા શામળા ને હાલો મારા ધોળીયા !
આકાશે આવ્યો પેલો મહુલો, જી —– હાલો
તારા તે રંગ કેરો મેહુલો છે શામળા !
ને તારા તે રંગ કેરી વીજ, અલ્યા ધોળીયા !—–હાલો
બાંકી છટાએ આવ્યો ડુંગરની ધારે એ તો.
ઘેરી ઘટાએ આવ્યો ખેતરને આરે મારેઃ
ગઢને તે કાંગરેથી બોલાવે મોરલા ને
માટીની સોડમ દેતી સાદ. અલ્યા શામળા —–હાલો
સુકી આ ધરતી માથે, જૈને ત્રણે સંગાથે,
કરવી છે લીલમવરણી ભાત.
મારા આ આયખાની સુલી ને લીલીમા છે
ધરતી ને ધોરીનો સંગાથ,અલ્યા ધોળીયા —-હાલો
– પ્રહ્લાદ પારેખ
કવિ વિષે થોડી વધુ માહિતિ (આભાર – શ્રી ભરતભાઇ પંડ્યા)
ભાવનગરની દક્ષિણામૂર્તી વિનય મન્દિરમા નાનાભાઇ ભટ્ટ,ગિજુભાઇ બધેકા, હરભાઇ ત્રિવેદીની વત્સલ નિશ્રામા શિક્ષણ લીધું. સત્યાગ્રહની લડત દરમીયાન ઉમાશંકર જોશી સાથે વિરમગામની છાવણીમા તાલિમ લીધી.લડત મા જોડાતા વિરપુરમા જેલ વેઠી.પછી ગાંધી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમા તથા ટાગોરના શાંતિનિકેતનમા અભ્યાસ.આ ત્રણેય વિદ્યાધામે તેમના વ્યક્તિત્વનુ ઘડતર કર્યું.
વિદ્યાર્થી કાળ દરમીયાન તેઓ મસતિખોર હતા . એકવાર મુ.નાનાભૈ ભટ્ટે તેમને સજા રુપે વિદ્યાર્થિ ગ્રુહ માથી અન્યત્ર સ્થળે રહેવાની વ્યવસ્થા કરી હતી.જ્યારે તે વિદ્યાર્થિગ્રુહે પાછા આવ્યા ત્યારે બીજા વિદ્યાર્થિઓ તેમને ખભે બેસાડી ઢોલ વાજા વગડતા પાછા લાવ્યા હતા.
૧૯૩૭મા મુંબઇ (તે જમાનામા પારલા હાલ ખાર) સ્થિત ‘પ્યુપિલ્સ ઑન સ્કુલ’મા શિક્ષક થયા.૧૯૩૮મા ભાવનગર તથા ગુરુજનો નો પ્રેમ તેમને ભાવનગર ખેંચી લાવ્યો અને તેઓ ‘ઘરશાળા’મા ગુજરાતી ના ‘માસ્તર’ તરીકે જોડાય છે અને શાન્તિનિકેતન જેમ ‘વર્ષા મંગળ”ના કાર્યક્રમો યોજે છે.૧૯૫૪મા તે મુંબઇ ની જાણીતી સ્કુલ ‘મોડર્ન હાયસ્કુલ’મા જોડાયા.
તેમનો કાવ્ય સર્જન નો આરંભ ગાંધી યુગમા થયો અને ગાંધીજીનુ આકર્શણ એટલું પ્રબળ હતું કે તેમના સમયના બીજા કવિઓ ગાંઘી રંગે રંગાયા પરંતુ પ્રહલાદ તેમની પોતીકી અને નીરાળી અનુભતિને કારણે એક સૌંદર્યલકક્ષી કવિ તરીકે અનુગાંધીયુગીન કવિ તરીકે ઓળખાયા.ગાંધી યુગમા જીવી તેમની અસરથી બહાર રહી કવિકર્મ કરવું તે બહુ મોટી વાત હતી. તે સમયમા જે એક્ નવો વળાંક ગુજરાતી કેવિતા ક્ષેત્રે આવ્યો તેના પગરણ પ્રહલાદ અને ક્રુશ્નાલાલ શ્રીધરાણીની ક્વિતમા મંડાયા છે.જોગાનુ જોગે આ બન્ને કવિઓ વિદ્યાર્થિકાળ દરમીયાન સહાધ્યાયીઓ હતા.આ વળાંકને રાજેન્દ્ર શાહ તથા નિરંજન ભગત જેવા કવિઓએ આગળ ધપાવ્યો.
પ્રહલાદ જેઠાલાલ પારેખ(૧૨-૧૦-૧૯૧૨, ૨-૧-૧૯૬૨): કવિ. જન્મ ભાવનગરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં. શિક્ષણ દરમિયાન સંસ્થાના દૃષ્ટિસંપન્ન સંચાલક નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદીની અસર નીચે સાંસ્કારિક ઘડતરનો પાયો. ૧૯૩૦માં આઝાદીની ચળવળમાં જોડાવા અભ્યાસત્યાગ અને જેલવાસ. એ પછી પુન: અભ્યાસ. દક્ષિણામૂર્તિમાંથી વિનીત થયા પછી અભ્યાસાર્થે ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૩૩માં ‘શાંતિનિકેતન’ જઈ ચાર વર્ષ અભ્યાસ. ત્યાં રવીન્દ્રનાથના સાંનિધ્યે એમના કાવ્યસર્જનને પ્રેરણા મળી. ૧૯૩૭માં વિલેપારલેની પ્યુપિલ્સ ઑન સ્કૂલમાં શિક્ષક. બીજે વર્ષે ભાવનગરની ઘરશાળામાં જોડાયા. એ પછી ૧૯૪૫થી છેવટ સુધી મુંબઈની મોડર્ન હાઈસ્કૂલમાં શિક્ષક.
ગાંધીયુગથી જુદી પડતી અનુગાંધીયુગીન કાવ્યધારાના તેઓ અગ્રણી કવિ છે. પ્રકૃતિપ્રેમ તથા માનવપ્રેમ એ એમની કવિતાના મુખ્ય વિષયો છે. ભાવની ઈન્દ્રિયગ્રાહ્ય રજૂઆત, લયસમૃદ્ધિ અને સૌન્દર્યાભિમુખતા એમની કવિતાના મુખ્ય લક્ષણો છે. ‘બારી બહાર’ તેમનો નોંધપાત્ર કાવ્યસંગ્રહ છે.