નવા વર્ષની… ૨૦૧૨ની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ… અને શરૂઆત કરીએ આ મજાની ગઝલથી! વાંચતા જ દિલ સુધી પહોચે એવા શબ્દો, અને સાથે તરત જ ગમી જાય એવા સ્વર-સ્વરાંકન !! એકવાર સાંભળવાથી ધરાશો નહિ, અને થોડી વધુ વાર સાંભળશો તો આખો દિવસ એને ગણગણ્યા કરશો…
સ્વર – સંગીત : દેવેશ દવે
સાવ નાનું ઘર હશે તો ચાલશે,
મોકળું ભીતર હશે તો ચાલશે.
બીજાની તકલીફ પણ સમજી જવાય,
એટલું ભણતર હશે તો ચાલશે.
હાથ જાણીતો ન હોવો જોઈએ,
પીઠમાં ખંજર હશે તો ચાલશે.
ધરતી કોરીકટ રહે તે કરતાં તો-
છાપરે ગળતર હશે તો ચાલશે.
હાથ લંબાવું ને તું હોય ત્યાં,
એટલું અંતર હશે તો ચાલશે.
પ્રાણ પૂરવાનું છે મારા હાથમાં,
એ ભલે પથ્થર હશે તો ચાલશે.