વાત જુદી છે અધૂરા પાત્રની… – નીતિન વડગામા

આવ-જા અમથી બધાંની થાય છે,
શ્વાસ પણ એમ જ અહીં લેવાય છે.

વાત જુદી છે અધૂરા પાત્રની,
કોઈ દરિયો ક્યાં કદી છલકાય છે ?

જીવ પામર પામવા મથતો રહે,
એ પદારથ તો ય ક્યાં પકડાય છે ?

આંખમાંથી કેટલું ભૂંસવું પડે –
આંખ પંખીની પછી દેખાય છે.

સ્હેજ અજવાળું નથી થાતું અને,
કૈંક ડહાપણ દીવડા બુઝાય છે !

કોઈ પરપોટો નથી કાયમ અહીં,
આખરે એ સત્ય પણ સમજાય છે.

સાવ કોરા કાગળો વાંચ્યા પછી
અક્ષરોનો મર્મ કૈં પકડાય છે !

– નીતિન વડગામા

12 replies on “વાત જુદી છે અધૂરા પાત્રની… – નીતિન વડગામા”

  1. આંખમાંથી કેટલું ભૂંસવું પડે –
    આંખ પંખીની પછી દેખાય છે.
    ખુબ સરસ…

  2. જિવ પામર પામવા મથતો રહે તોય પદાર્થ ક્યા પકડાય ઍ——ના માગ્યુ દોડ્તુ આવે માગ્યુ દુર રહે તે—-ઘનુ કહિ જાય —સરસ રચના–મામા

  3. ખુબ જ સુન્દર રચના…..

    એક એક કડી મા ગુઠ અર્થ છુપાયેલા છે..

  4. આંખમાંથી કેટલું ભૂંસવું પડે –
    આંખ પંખીની પછી દેખાય છે.
    ખુબ સરસ…

  5. કોઈ પરપોટો નથી કાયમ અહીં,
    આખરે એ સત્ય પણ સમજાય છે.
    આવ-જા અમથી બધાંની થાય છે,
    ખુબ સુન્દર ગઝલ…!!

  6. ખુબ સરસ…..

    આપને સમર્પણ….મરી નમ્ર રચના..

    આજ કાગળ સાવ કોરો કટ હતો
    મૌનથી ભરપુર, ચોખ્ખો ચટ હતો

    વેદના ક્યાં ઠાલવે સાગર બધી
    એટલા માટે જ આખો તટ હતો

    એક નાની ઝંખના ઉપર ટક્યો
    જીવ, પીળા પાન શો પાકટ હતો

    જે હતો, તે માહ્યલો તારો હતો
    આયનો ક્યાં સહેજ પણ બરછટ હતો

    જીંદગીએ મોત ના માંગ્યુ કદી
    તું ખુદા, કાયમનો ઉપરવટ હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *