Category Archives: કવિઓ

પઢો રે પોપટ રાજા રામના – નરસિંહ મહેતા

Photo: Madhubani Paintings)

સ્વર :  કૌમુદિ મુન્શિ
સંગીત સંચાલન : નીનુ મઝુમદાર
આસ્વાદ : હરીન્દ્ર દવે

પઢો રે પોપટ રાજા રામના, સતી સીતાજી પઢાવે,
પાસે રે બંધાવી રૂડું પાંજરુ, મુખ થી રામ જપાવે.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….

પોપટ તારે કારણે, લીલા વાંસ વઢાવું,
એનું રે ઘડાવું પોપટ પાંજરુ હીરલા રતને જડાવું.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….

પોપટ તારે કારણે શી શી રસોઇ રંધાવું,
સાકરનાં કરી ચુરમા, ઉપર ઘી પિરસાવું.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….

પાંખ પીળી ને પગ પાડુંરા, કોટે કાંઠલો કાળો,
નરસૈયાના સ્વામીને ભજો રાગ તાણી રૂપાળો.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના….

– નરસિંહ મહેતા

ચાતક પીએ એંઠું પાણી – સરોદ ( મનુભાઇ ત્રિવેદી )

અવગતની એંધાણી,
એ સંતો, અવગતની એંધાણી,
ચાતક પીએ એંઠું પાણી.

રાજના રાજ એવા મેઘરાજાને ઘર
એની પરબ મંડાણી;
સોનેરી દોરથી ને હેમલા હેલથી
રૂપેરી ધાર રેલાણી:
હે સંતો, તો ય તરસ ન છિપાણી
કે ચાતક પીએ એંઠું પાણી.

માનસર છોડીને આવ્યો હું હંસલો
માછલીએ મન આણી !
ચતુર ચકોરની ચૂકીને ચાંદની
આગિયે આંખ ખેંચાણી !
હે સંતો, આતમજ્યોતિ ઓલવાણી
કે ચાતક પીએ એંઠું પાણી.

કળિયુગ કેરો વ્યાપ્યો મહિમા,
સંતની નિષ્ફળ વાણી;
દાસીય નો’તી મનમોલમાં એ થઇ
માયા આજ મહારાણી !
હે સંતો, આવે પ્રલય લો જાણી,
કે ચાતક પીએ એંઠું પાણી.

– સરોદ ( મનુભાઇ ત્રિવેદી )

ભૂરા પતંગિયા – અખિલ શાહ

હરિયો નવો નવો પતંગ ચડાવતા શીખ્યો’તો
એટલે આખો દિવસ બસ
એ અને એના પતંગ.

એના બધા પતંગ એક જ રંગના – ભૂરા.
એ વળી ચગાવતા પહેલા
એના પર જાતે ચિતરામણ કરે.

એ પહેલા આખા ફળિયામાં દોડતો બધાને કહી આવે,
‘જો જો, મારી સાથે કોઈ પેચ ના લેતા’
ને પછી પતંગ ઊંચે ને ઊંચે ચગાવે રાખે.

મોડી સાંજે
મા બૂમો પાડી બોલાવે ત્યારે
એ પતંગને જાળવીને ઊતારી લે
ને જતનથી ઘરે લઈ જાય.
એની કાળજી જોઈને લોકો હસતાં,
‘હરિયા આ પતંગ છે, પતંગિયા નથી’

ગઈકાલે એક અવળચંડાએ
ભાર દોરીએ એનો પતંગ કાપી નાખ્યો.
પોતાની અડધાથી વધારે દોરીને જતી જોઈને
પલકવાર માટે હરિયાની આંખો તગતગી ગઈ,
પણ એકેય આંસુ નીકળ્યું નહીં.
હરિયો કદી રડતો નહીં.

સૂતી વખતે હરિયાએ
મનમાં ને મનમાં
બાકી બચેલી દોરીની ગણતરી કરી.
ઝાંખા ફોટામાંની
ભૂરું ખમીસ પહેરેલી આકૃતિને
જોતા જોતા એ ગણગણ્યો,
‘પપ્પા કંઈ એટલા બધા ઉપર તો નહીં ગયા હોય’

– અખિલ શાહ
(આભાર – લયસ્તરો.કોમ)

ખોટ વર્તાયા કરે – ગની દહીંવાલા

જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,
એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે.

માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહીં !
જીવતાં મારી જગતને ખોટ વર્તાયા કરે.

એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં,
વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે.

વિશ્વસર્જક! ઘાટ ને ઘડતરની આ અવળી ક્રિયા!
તારું સર્જન જિંદગીભર ઠોકરો ખાયા કરે.

આપણે, હે જીવ! કાઠાં સમ જશું આઘા ખસી,
કોઈનું ભરતી સમું જો હેત ઊભરાયા કરે.

જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો:
બીજરૂપે પણ નભે ક્યારેક દેખાયા કરે !

શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,
આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયા કરે.

આગવી મારી પરાધીનતા ગમી ગઈ છે મને,
કોઈ જિવાડ્યા કરે ને આમ જિવાયા કરે.

જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.

-ગની દહીંવાલા

અભણ અમરેલવીએ કહ્યું – રમેશ પારેખ

યુધ્ધો, યાતનાશિબિરો, હોનારતો
હાહાકારો
હોસ્પિટલના દોઝખમાં ઓગળતાં મનુષ્યો
ભૂખમરો
મોત……..
આ બધું ગધેડીના ઈશ્વરનું સર્જન છે?
હશે.
આ પ્રશ્નનો જવાબ મને આવડતો નથી.
કેમકે આ તો અભ્યાસક્ર્મની બહારનો સવાલ છે!

શ્રીમદ ભાગવત આખેઆખું ચાવી જનાર ભૂખી ગાય
બીજે દિવસે કતલખાને હડસેલાય
એ ગાય, જેણે ગોકુળ, મથુરા, વૃન્દાવન અને
શ્રી કૃષ્ણ સહિતનું જ્ઞાન પચાવ્યું,
તેને દૂધ નહીં આપવાના ગુના સબબ
કતલખાનાને દરવાજે કેમ ઊભા રહેવું પડે છે?
– આ પ્રશ્નનો જવાબ પણ મને નથી આવડતો.

હું અભણ છું
મારા કપાળમાં અંધારુ લખનાર ઈશ્વરને
ગધેડીનો ના કહું તો શું કરું?

પરંતુ બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી
અને માતા
આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે
તેની મને ખબર છે…….

આ ખબરની સાક્ષીએ
હું શંકાનો લાભ આપીને
સર્જકને કહું છું ઈશ્વર.

હું ઈશ્વરને માફ નહિ કરું
પણ સર્જક્ને ઈશ્વર કહું છું
માટે ઈશ્વરને તેના ગુનાઓની માફી આપું છું!

– રમેશ પારેખ

પ્રહલાદ પારેખ પર્વ ૭ : હાલો મારા ગાનને મારગ

સ્વર – સમુહ ગાન

હાલો મારા ગાનને મારગ !હાલો રે !
ગાનના નારગ મારા જાય ગગનમા,

જાયે ધરામા, એ તો જાયે પવનમા
જાયે એ માનવ કેરા મનમા , હાલો રે !
–હાલો મારા

મારગડા એ નથી સુંવાળા,
જો જો નથી એ રુપાળાં રે
ખેતર કેરા ઢેફાં ભરિયાઃ
એ તો ધુળવાળા રે, હાલો રે!
— હાલો મારા—-

ગાનને મારગ મારા, ખીણનાં આવી આવી
ઘેરાશે ઘોર અંધારા રે;
એ રે મારગને આવરી લેશે
કાળાં ધુમાદા રે, હાલો રે !
— હાલો મારા –

એ રે મારગમાં સંકટ સાથી થાશે,

દેખાશે મોત મુખ કાળાં રે;
એજ મારગમા આવીને મળશે
નવાં નવાં અજવાળાં રે, હાલ્પ રે !
—- હાલો મારા

પ્રહલાદ પારેખ પર્વ 6 : એવું રે તપી ધરતી

આ પહેલા ટહુકો પર શ્રી ભાઇલાલભાઇ શાહના સ્વર-સ્વરાંકન સાથે પ્રસ્તુત કરેલ આ ગીત – એના મૂળ રાગ સાથે ફરી એકવાર..!

સ્વર : ચિંતન પંડ્યા – દેવયાની
સંગીત સંચાલન : ચિંતન પંડ્યા
કવિ – પ્રહલાદ પારેખ

 

ગીતવર્ષા આલ્બમ વિષેઃ

પ્રહલાદ પારેખ પર્વમા પ્રકાશીત થયેલા ગીતો “પ્રહલાદ પારેખ શતાબ્દી ઉત્સવ સમિતિ” એ ‘ઘરશાળા” નિશાળના પ્રાંગણમા યોજેલ “ગીત વર્ષા” કાર્યક્રમમા ગવાયા હતા.આ પ્રસંગે પ્રહલાદજી ના કુલ ૩૩ ગીતો ધ્વનિ મુદ્રિત ( રેકોર્ડ) થયા હતા. બધાજ કલાકારો ભાવનગરના રહેવાસી છે.

શ્રી ચિંતન પડ્યા એ મૂળ ઢાળ શોધી ગાયકો – રચના, નિતીન,રાજેન, નિધિ, દેવયાની,સ્વાતિ, પ્રાર્થિત,કર્મવીર, દર્શન જેવા નવોદિતો પાસે ગવરાવ્યા હતા. વાદ્ય સંગત :

કીબોર્ડ – જયદીપ શાહ
તબલાં – કર્મવીર મહેતા
ઢોલક – પ્રાર્થિત મહેતા
સાઇડ રીધમ -અભિજિત ગોહિલ

આ સીડી અને એના પ્રાપ્તિસ્થાન વિષે વધુ માહિતી આવતીકાલે 🙂

————————————–
Posted on June 27, 2010

આજે સવારે પપ્પા સાથે વાત થઇ, ત્યારે પપ્પા કહેતા હતા કે અમદાવાદમાં હજુ મેઘરાજાની મહેર નથી થઇ..! તો ચાલો, આપણે પણ સૌ અમદાવાદીઓ સાથે આજે મેહુલાને વિનંતી કરીએ, અને સાંભળીએ એ જ મિજાજનું આ કવિ શ્રી પ્રહલાદ પારેખનું ગીત. સ્વર અને સ્વરાંકન – શ્રી ભાઇલાલભાઇ શાહ.

(એવું રે તપી ધરતી.…. Photo: NeenaBeena @ Flickr)

સ્વર અને સ્વરાંકન : ભાઈલાલ શાહ

.

એવું રે તપી ધરતી, એવું રે તપી,
જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી

અંગ રે સુકાય, એનાં રંગ રે સુકાય,
કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય,
તોયે ન આવ્યો હજુયે મેહુલો જતિ…. એવું રે…

વન રે વિમાસે એનાં જન રે વિમાસે,
પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે;
જટાળો એ જોગી ક્યાં યે કળાતો નથી… એવું રે…

કહોને તમે સૌ તારા ! દૂરે છો દેખનારા,
કહોને ડુંગરનાં શિખરો ! આકાશે પહોંચનારાં;
આંખોની વીજ એની ઝબૂકી કહીં ?…. એવું રે…

કહોને સાગરનાં પાણી, તમને છે સંભળાણી,
ઘેરી ગંભીર એની આવતી ક્યાં યે વાણી ?
એની રે કમાન દીઠી તણાઈ કહીં ?… એવું રે….

આવોને મેહુલિયા ! આવો, ધરતીનાં તપ છોડાવો,
રૂપે ને રંગે નવાં તપસીને એ સુહાવો;
અમરતથી હૈયું એનું દિયોને ભરી !…. એવું રે….

——-

(ગીતના શબ્દો અને ઓડિયો ફાઇલ માટે આભાર – મેહુલ શાહ : શેઠ સી.એન.વિદ્યાવિહાર – પ્રાર્થના મંદિર)

પ્રહલાદ પારેખ પર્વ 5 : મોરલા રે! જરી કરજે ને તારા ટહુકાર

ટહુકો પર આ પહેલા પ્રસ્તુત કરેલા’female duets’ યાદ છે?

હજુ રસભર રાત તો – અવિનાશ વ્યાસ
ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા – અનિલ જોશી
આંખ્યુંના આંજણમાં – સુરેશ દલાલ

 

બે ગાયિકાઓનો સ્વર ભળે, એટલે જાણે આપોઆપ જ ગીતો વધુ મધુર લાગે એ… અને એવો જ જાદુ અહીં દેવયાની અને સ્વાતિના સ્વરો સાથે માણીયે…

સ્વર : દેવયાની-સ્વાતિ
સંગીત સંચાલન : ચિંતન પંડ્યા

 

મોરલા રે! જરી કરજે ને તારા ટહુકાર…

કવિ વિષે થોડી વધુ માહિતીઃ (આભાર – શ્રી ભરતભાઇ પંડ્યા)

તેમના કાવ્યો જેટલીજ ઋજુતા, સરળતા તેમના વ્યક્તિત્વમા હતી. જીંદગીભર ખાદીના વસ્ત્રો પહેરતા અને ભાગેજ ખાદીનો લેંઘો, કફની અને બંડી શીવાય બીજો પોશાક ધરણ કરતા..તેમના વિદ્યાર્થીઓમા તેઓ ખુબ પ્રિય હતા.ગાંધીજી ના સમયમા તેમના પ્રભાવમા ન આવી શુધ્ધ નિસર્ગ અને સૌંદર્યલક્ષી કાવ્યો નું સર્જન કરવું તેજ તેમનુ કવિ તરીકેની અલગપણાની સાબીતી છે.

૧૯૪૦મા તેમનુ પ્રથમ પુસ્તક ‘બારી બહાર’ પ્રસિધ્ધ થયું.તેના આમુખમા ઉમાશંકર જોશીએ તેને ‘નાક,કાન,આંખની કવિતા” તરીકે બીરદાવી અને આ રચનાઓ મા નીતરાં પાણીનો ગુણ છે તેમ કહ્યું.ઊમાશંકર ભાઇએ આ બારી બહાર ગ્રંથની વિસ્ત્રુત ( જેટલા પાના કવિતાના લગભગ તેટલાંજ પાના આમુખના) પ્રસ્તાવના લખી છે. ગુજરાતી સાહિત્યના આ સ્વનામ ધન્ય કવિ અને કષ્ટસાધ્ય એવા કવિ ઉમાશંકર પ્રહલાદ પારેખ પર મન મુકીને વરસ્યા છે.ઉ.જો. લખે છે “પાણીદાર મોતી જેવા ઉર્મિકાવ્યો રસની ઘુંટેલી કણીકા જેવી શ્લોકપંક્તિઓ કવિ પાસેથી સારા પ્રમાણમા મળી રહે છે.વિવિધ વિશયની વિવિધતા માટે વલખાં મારવાને બદલે માનવીના ચિરંતનન ભાવો આલેખવામા આનંદ માન્યો છે.કવિએ માનવ હ્રદયને જાણે પોતાનો કાવ્ય વિશય બનવ્યો છે.

૧૯૪૮મા બીજો સંગ્રહ ‘સરવાણી’ પ્રસિધ્ધ થયો.તેની પ્રસ્તાવનામા ભ્રુગુરાય અંજારીયા તેમના વિશે લખે છે ‘જેના અંતરનો મર્મ પામતાં શાતા વળે એવી વિશાળ,સૌમ્યસ્વરુપીર્ણી પ્રક્રુતિનો સાદ કવિ એ સાંભળ્યો છે”

કવિશ્રી વિનોદ જોશી તેમની કવિતાને આ શબ્દોમા મુલવે છે.”પ્રહલાદ પારેખની કવિતા ગુજરાતી સાહિત્યનો એક મહત્વનો સ્થિત્યંતર છે.કવિ ન્હાનાલાલ પછી ગુજરાતી કવિતામા સૌંદર્યનો ઉછાળ મને પ્રહલાદ પારેખની કવિતામા દેખાયો છે’

પ્રહલાદના કાવ્યો મા આંતરમનના ; પ્રણય– અલ્યા પુછું અજાણ્યા રે,મેં જે ગીત ગાયા છાના એ તો કેમ રે કરીને તારા પાવામાં ઝીલાયા રે , અને વિરહ- એવું રે તપી ધરતી એવું રે તપી જેવાં તપ રે તપ્યા એક દિ’ પારવતી સતિ,અને ત્રુશા – દીધી તેં આ જગાડી ત્રુશા, અને તલસાટ- પેલો જાય મેહુલિયો મનને મારા લૈ ગયેલો,અને ઝંખના- હે વૈશાખ લાવ લાવ તુજ ઝંઝાવાત, અને પ્રતિક્ષા – કોની જુવે તું વાટ અભાગી મન, અને મુંઝવણ – હાંરે આજ શું રે ગાઉંને શું ન ગાવુ – અને જુદાઇ- કોણ આજ રહે બંધ બારણે, એવા વિવિધ ભાવોનુ જેને ઉમાશંકર ભાઇ એ ‘છટકણાં’ તરીકે ઓળખાવ્યા છે તે કોમળ ભાવોનું અત્યંત સુંદર રીતે વર્ણન કર્યું છે.પ્રક્રુતિને તો તેમણે મન ભરી ને માણી છે – આભ,તારા, ધરા, ડુંગર, ખીણ,પવન , પાણીના અવનવાં રુપો તેમના કાવ્યોમા ઉમટી પડ્યા છે.

કવિ પ્રહલાદ બહુજ સહજતા અને સરળતાથી વાચકોમા મનમા વસ્યા છે. આજે સાત દાયકા વીતી ગયા પછી પણ તેમની કવિતા દર વર્શે આવતા વરસાદ જેટલીજ નીત નવી લાગે અને તરો તજા લાગે છે. વર્શા ઋતુને તો એમણે મન ભરી ને માણી છે અને અનેક રીતે રજુ કરી છે. એમના ગીતોમા તરબોળ કરી દેતી મુલાયમ લયસમ્રુધ્ધિ,નાદવૈભવ-સૌંદર્ય સાંપડે છે . આ બે વિલક્ષણાથી સર્જતી સંગીતમયતા ગુજરાતી સાહિત્યનુ મહમુલું ઘરેણું છે.

તેઓ મુંબઇમા કાંદીવલિમા પરામા રહેતા.૦૨/૦૧/૧૯૬૨ ના રોજ સ્કુલે જતાં જતાં તેમને રસ્તામા હ્રદય રોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થયું.

(compiled by Bharat Pandya from various sources)

પ્રહલાદ પારેખ પર્વ ૪ : જાગો જાગો જન જુવો ગઈ રાત વહી

સ્વર – પ્રાર્થિત મહેતા

હિમડુંગરના શિખરો ઝળક્યાં..........Annapurna Circuit Trek May 2011 - Prasanna Joshi

જાગો જાગો જન જુવો ગઈ રાત વહીઃ
રાત ગઇ ને ભોર થઇ
જાગો જાગો…..

હિમડુંગરના શિખરો ઝળક્યાં
મરક મરક વનરાઇ થઇ
સાગર જાગ્યો બૈરવ રાગે
ઝરણ-જલે નવઝલક ધરી
જાગો જાગો…..

દુરે દુરે ઝાલર વાગે
ક્યાંક બજી શરણાઇ રહી
વન ઉપવનમા ફૂલડાં જાગે
પવન ફરે પમરાટ લઇ
જાગો જાગો…..

શ્યામલ વરણી પલટી ધરણી
તેજ તણા શણગાર કરી
જાગે છે નવ જોમ ગગનમા
લાલરંગ સહુ અંગ ધરી
જાગો જાગો…..

– પ્રહ્લાદ પારેખ

પ્રહલાદ પારેખ પર્વ ૩ : હાલો મારા શામળા ને હાલો મારા ધોળીયા !

વર્ષાઋતુ કવિઓને તો પ્રિય છે જ – પણ સ્વરકારોને પણ વરસાદના ગીતો જરા વધુ માફક આવે છે.. અને વાંક જો કે એમાં કોઇનો નથી.. આપણને બધાને જ વરસાદ વ્હાલો નથી લાગતો? મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે..

અને ચાલો ચાલો ને રમીએ હોડી હોડી – થી શરૂ થયેલી આપણી અને વરસાદની પ્રેમકહાણીમાં ભાગ્યે જ ઓટ આવતી હશે.!!

અને આ જ કારણે – થોડા વખત પહેલા જ્યારે ટહુકો પર એક મિત્રએ ફરમાઇશ કરી એક ગીતની – હાલો મારા શામળા ને હાલો મારા ધોળીયા, આકાશે આવ્યો પેલો મહુલો – ત્યારે પહેલા તો થયું, ગીત તો મઝાનું લાગે છે, હજુ સુધી કેમ સાંભળવા ન મળ્યું..?? અને વરસાદનું નામ લેતા માથે ટીંપા પડે, એમ ભરતભાઇ પંડ્યાનો ઇમેઇલ આવ્યો – હાલો મારા શામળા…

સ્વર : રાજન – રચના

628x471
આકાશે આવ્યો પેલો મહુલો…. rain clouds over San Francisco (Picture:SFGate.Com)

હાલો મારા શામળા ને હાલો મારા ધોળીયા !
આકાશે આવ્યો પેલો મહુલો, જી —– હાલો

તારા તે રંગ કેરો મેહુલો છે શામળા !
ને તારા તે રંગ કેરી વીજ, અલ્યા ધોળીયા !—–હાલો

બાંકી છટાએ આવ્યો ડુંગરની ધારે એ તો.
ઘેરી ઘટાએ આવ્યો ખેતરને આરે મારેઃ
ગઢને તે કાંગરેથી બોલાવે મોરલા ને
માટીની સોડમ દેતી સાદ. અલ્યા શામળા —–હાલો

સુકી આ ધરતી માથે, જૈને ત્રણે સંગાથે,
કરવી છે લીલમવરણી ભાત.
મારા આ આયખાની સુલી ને લીલીમા છે
ધરતી ને ધોરીનો સંગાથ,અલ્યા ધોળીયા —-હાલો

– પ્રહ્લાદ પારેખ

કવિ વિષે થોડી વધુ માહિતિ (આભાર – શ્રી ભરતભાઇ પંડ્યા)

વતન – ભાવનગર માતા -મેનાલક્ષ્મી બેન // પિતા જેઠાલાલ ભાઇ

પત્નિ – રંજનબેન

ભાવનગરની દક્ષિણામૂર્તી વિનય મન્દિરમા નાનાભાઇ ભટ્ટ,ગિજુભાઇ બધેકા, હરભાઇ ત્રિવેદીની વત્સલ નિશ્રામા શિક્ષણ લીધું. સત્યાગ્રહની લડત દરમીયાન ઉમાશંકર જોશી સાથે વિરમગામની છાવણીમા તાલિમ લીધી.લડત મા જોડાતા વિરપુરમા જેલ વેઠી.પછી ગાંધી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમા તથા ટાગોરના શાંતિનિકેતનમા અભ્યાસ.આ ત્રણેય વિદ્યાધામે તેમના વ્યક્તિત્વનુ ઘડતર કર્યું.

વિદ્યાર્થી કાળ દરમીયાન તેઓ મસતિખોર હતા . એકવાર મુ.નાનાભૈ ભટ્ટે તેમને સજા રુપે વિદ્યાર્થિ ગ્રુહ માથી અન્યત્ર સ્થળે રહેવાની વ્યવસ્થા કરી હતી.જ્યારે તે વિદ્યાર્થિગ્રુહે પાછા આવ્યા ત્યારે બીજા વિદ્યાર્થિઓ તેમને ખભે બેસાડી ઢોલ વાજા વગડતા પાછા લાવ્યા હતા.

૧૯૩૭મા મુંબઇ (તે જમાનામા પારલા હાલ ખાર) સ્થિત ‘પ્યુપિલ્સ ઑન સ્કુલ’મા શિક્ષક થયા.૧૯૩૮મા ભાવનગર તથા ગુરુજનો નો પ્રેમ તેમને ભાવનગર ખેંચી લાવ્યો અને તેઓ ‘ઘરશાળા’મા ગુજરાતી ના ‘માસ્તર’ તરીકે જોડાય છે અને શાન્તિનિકેતન જેમ ‘વર્ષા મંગળ”ના કાર્યક્રમો યોજે છે.૧૯૫૪મા તે મુંબઇ ની જાણીતી સ્કુલ ‘મોડર્ન હાયસ્કુલ’મા જોડાયા.

તેમનો કાવ્ય સર્જન નો આરંભ ગાંધી યુગમા થયો અને ગાંધીજીનુ આકર્શણ એટલું પ્રબળ હતું કે તેમના સમયના બીજા કવિઓ ગાંઘી રંગે રંગાયા પરંતુ પ્રહલાદ તેમની પોતીકી અને નીરાળી અનુભતિને કારણે એક સૌંદર્યલકક્ષી કવિ તરીકે અનુગાંધીયુગીન કવિ તરીકે ઓળખાયા.ગાંધી યુગમા જીવી તેમની અસરથી બહાર રહી કવિકર્મ કરવું તે બહુ મોટી વાત હતી. તે સમયમા જે એક્ નવો વળાંક ગુજરાતી કેવિતા ક્ષેત્રે આવ્યો તેના પગરણ પ્રહલાદ અને ક્રુશ્નાલાલ શ્રીધરાણીની ક્વિતમા મંડાયા છે.જોગાનુ જોગે આ બન્ને કવિઓ વિદ્યાર્થિકાળ દરમીયાન સહાધ્યાયીઓ હતા.આ વળાંકને રાજેન્દ્ર શાહ તથા નિરંજન ભગત જેવા કવિઓએ આગળ ધપાવ્યો.