ભૂરા પતંગિયા – અખિલ શાહ

હરિયો નવો નવો પતંગ ચડાવતા શીખ્યો’તો
એટલે આખો દિવસ બસ
એ અને એના પતંગ.

એના બધા પતંગ એક જ રંગના – ભૂરા.
એ વળી ચગાવતા પહેલા
એના પર જાતે ચિતરામણ કરે.

એ પહેલા આખા ફળિયામાં દોડતો બધાને કહી આવે,
‘જો જો, મારી સાથે કોઈ પેચ ના લેતા’
ને પછી પતંગ ઊંચે ને ઊંચે ચગાવે રાખે.

મોડી સાંજે
મા બૂમો પાડી બોલાવે ત્યારે
એ પતંગને જાળવીને ઊતારી લે
ને જતનથી ઘરે લઈ જાય.
એની કાળજી જોઈને લોકો હસતાં,
‘હરિયા આ પતંગ છે, પતંગિયા નથી’

ગઈકાલે એક અવળચંડાએ
ભાર દોરીએ એનો પતંગ કાપી નાખ્યો.
પોતાની અડધાથી વધારે દોરીને જતી જોઈને
પલકવાર માટે હરિયાની આંખો તગતગી ગઈ,
પણ એકેય આંસુ નીકળ્યું નહીં.
હરિયો કદી રડતો નહીં.

સૂતી વખતે હરિયાએ
મનમાં ને મનમાં
બાકી બચેલી દોરીની ગણતરી કરી.
ઝાંખા ફોટામાંની
ભૂરું ખમીસ પહેરેલી આકૃતિને
જોતા જોતા એ ગણગણ્યો,
‘પપ્પા કંઈ એટલા બધા ઉપર તો નહીં ગયા હોય’

– અખિલ શાહ
(આભાર – લયસ્તરો.કોમ)

17 replies on “ભૂરા પતંગિયા – અખિલ શાહ”

  1. સાચે સ્પેીચ્લેસ્સ કાવ્ય્…………………
    at the end the reality comes to know………….. what a tragedy with that boy……..

  2. આન્ખો ભિનિ કરિ નાખિ. હ્રદય ને સ્પર્શે તેનુ નામ કવિતા અને તે જ આ.

  3. ખુબ સરસ. આખીયે વાતને સુંદર રીતે રજુ કરી. પુર્ણાહુતી ખુબ જ
    અસરકારક અને બાળમનને અનુરુપ. સંક્રાત સમયે રજુ થયેલુ કાવ્ય
    આંખો ભીની કરી ગયુ.

  4. આન્ખો ભિનિ કરિ નાખિ. હ્રદય ને સ્પર્શે તેનુ નામ કવિતા અને તે જ આ.

  5. શ્રિ અખિલ ભાય નુ આ કાવ્ય વાન્ચ્વામા મઝા આવિ.આ સાથે મને વેણિભાય નો જોઇતારામ જડિ બુટિ અને કવિ દલપત રામ નો એક અડપ્લો છોકરો જિવો એનુ નામ યાદ આવિ ગયા.ગુજરાતિ ભાશાના આવા કેટ્લાય કાવ્યો છે એકાનત મા બેઠા હોય ત્યારે યાદ આવિ જાય છે.આપણિ ભાશા કેટલિ મધુર છે.આવા કાવ્યો ગમ્ત સાથે સરસ ચિન્તન કરવા જેવા હોય છે.જય જય ગરવિ ગુજરાત. બધા ગુજરતિ સમાજ ને ઉતરાયણ નિ શુભેછા.

  6. હરિયો કદી રડતો નહીં પણ એ ગણગણ્યો ને દિલમા ગમગિની અને પલ્કોમાં આશુ ભરી ગયો…શબ્દાતીત્ .

  7. ” હરિયો કદિ રડતો નહિ ” પરન્તુ કાવ્યની છેલ્લિ લાઈન વાચતા એની નિરદોશતા અને પરિસ્થિતિ પર મારાથી ગમગિન થઈ જવાયુ.

  8. એ કાપ્યો છે..!!! ક્યાં છે મારા તલના લાડુ..જામફળ શેરડી ને બોરા?? ચણીબોર ને યાદ કરો ને મોઢામાં પાણી ન છુટે તેવુ કદી બને ખરું? પતંગ ના ઢગલાં પર રંગબેરંગી ફિરકીઓ… આંટી પડે તો ઉકેલી ને ફરી લછ્છો બનાવવાનો…પતંગની કમાન પકડીને હવા આવે ત્યારે કુદકો મારીને છોડવાનો… ધાબા પર થી કુદકા મારીને ફરી વાર સીડી ચઢવાની…રંગબેરંગી પતંગો થી આકાશ ભરાઈ જાય..ધાબા ઉપર રેડિયો વાગતો હોય..ચલી ચલી રે પતંગ મેરી ચલી રે..ચલી બાદલો કે પાર હોકે દોર પે સવાર સારી દુનિયા યે દેખ જલ મરી રે… ને કાપ્યો છે ની બુમો સંભળાય.. કટીપતંગનુ પણ ગીત આવે…ના કોઈ ઉમંગ હૈ મેરી જીન્દગી હૈ ક્યા એક કટી પતંગ હૈ..ને અખિલભાઈ ને ભુરા પતંગિયા ને બહાને પતંગ ને પછી પપ્પાની યાદ દેવડાવે..!! મકરસંક્રાતિ મુબારક…ને હેપ્પી ઉત્તરાયણ..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *