અવગતની એંધાણી,
એ સંતો, અવગતની એંધાણી,
ચાતક પીએ એંઠું પાણી.
રાજના રાજ એવા મેઘરાજાને ઘર
એની પરબ મંડાણી;
સોનેરી દોરથી ને હેમલા હેલથી
રૂપેરી ધાર રેલાણી:
હે સંતો, તો ય તરસ ન છિપાણી
કે ચાતક પીએ એંઠું પાણી.
માનસર છોડીને આવ્યો હું હંસલો
માછલીએ મન આણી !
ચતુર ચકોરની ચૂકીને ચાંદની
આગિયે આંખ ખેંચાણી !
હે સંતો, આતમજ્યોતિ ઓલવાણી
કે ચાતક પીએ એંઠું પાણી.
કળિયુગ કેરો વ્યાપ્યો મહિમા,
સંતની નિષ્ફળ વાણી;
દાસીય નો’તી મનમોલમાં એ થઇ
માયા આજ મહારાણી !
હે સંતો, આવે પ્રલય લો જાણી,
કે ચાતક પીએ એંઠું પાણી.
– સરોદ ( મનુભાઇ ત્રિવેદી )