Category Archives: અખિલ શાહ

પ્રેમ અને કવિતા – અખિલ શાહ

ગઈકાલે,
મારી
ખૂબ મહેનતથી લખેલી
બધી
છંદોબદ્ધ
પ્રેમ-કવિતાઓ,
અઘરા શબ્દોની
ચિતા સળગાવીને
સતી થઈ ગઈ છે.

બીજું કાંઈ થયું
નથી,
મને પ્રેમ થયો છે.

– અખિલ શાહ

ભૂરા પતંગિયા – અખિલ શાહ

હરિયો નવો નવો પતંગ ચડાવતા શીખ્યો’તો
એટલે આખો દિવસ બસ
એ અને એના પતંગ.

એના બધા પતંગ એક જ રંગના – ભૂરા.
એ વળી ચગાવતા પહેલા
એના પર જાતે ચિતરામણ કરે.

એ પહેલા આખા ફળિયામાં દોડતો બધાને કહી આવે,
‘જો જો, મારી સાથે કોઈ પેચ ના લેતા’
ને પછી પતંગ ઊંચે ને ઊંચે ચગાવે રાખે.

મોડી સાંજે
મા બૂમો પાડી બોલાવે ત્યારે
એ પતંગને જાળવીને ઊતારી લે
ને જતનથી ઘરે લઈ જાય.
એની કાળજી જોઈને લોકો હસતાં,
‘હરિયા આ પતંગ છે, પતંગિયા નથી’

ગઈકાલે એક અવળચંડાએ
ભાર દોરીએ એનો પતંગ કાપી નાખ્યો.
પોતાની અડધાથી વધારે દોરીને જતી જોઈને
પલકવાર માટે હરિયાની આંખો તગતગી ગઈ,
પણ એકેય આંસુ નીકળ્યું નહીં.
હરિયો કદી રડતો નહીં.

સૂતી વખતે હરિયાએ
મનમાં ને મનમાં
બાકી બચેલી દોરીની ગણતરી કરી.
ઝાંખા ફોટામાંની
ભૂરું ખમીસ પહેરેલી આકૃતિને
જોતા જોતા એ ગણગણ્યો,
‘પપ્પા કંઈ એટલા બધા ઉપર તો નહીં ગયા હોય’

– અખિલ શાહ
(આભાર – લયસ્તરો.કોમ)