જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,
એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે.
માફ કર નિષ્ક્રિયતા, મારાથી એ બનશે નહીં !
જીવતાં મારી જગતને ખોટ વર્તાયા કરે.
એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં,
વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે.
વિશ્વસર્જક! ઘાટ ને ઘડતરની આ અવળી ક્રિયા!
તારું સર્જન જિંદગીભર ઠોકરો ખાયા કરે.
આપણે, હે જીવ! કાઠાં સમ જશું આઘા ખસી,
કોઈનું ભરતી સમું જો હેત ઊભરાયા કરે.
જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો:
બીજરૂપે પણ નભે ક્યારેક દેખાયા કરે !
શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,
આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયા કરે.
આગવી મારી પરાધીનતા ગમી ગઈ છે મને,
કોઈ જિવાડ્યા કરે ને આમ જિવાયા કરે.
જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.
-ગની દહીંવાલા
સુંદર ગઝલ.એકમેકથી ચડિયાતા શેર..
શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,
આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયા કરે.
આપણે, હે જીવ! કાઠાં સમ જશું આઘા ખસી,
કોઈનું ભરતી સમું જો હેત ઊભરાયા કરે.
જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો:
બીજરૂપે પણ નભે ક્યારેક દેખાયા કરે …….
આ ગઝલની છેલ્લી પંક્તી ખુબ જાણીતી. પરંતુ
આખી ગઝલ આજે ટહુકા પર વાંચવા મળી.
બધા શેર પોતપોતાની રીતે એક એક વિચાર કણીકા
જેવા છે.
“શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,
આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયા કરે”
“આગવી મારી પરાધીનતા ગમી ગઈ છે મને,
કોઈ જિવાડ્યા કરે ને આમ જિવાયા કરે.”
“જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે.”
બેહ્તરીન ગઝલ ,એક સે બઢકર એક શેર .
આગવી મારી પરાધીનતા ગમી ગઈ છે મને,
કોઈ જિવાડ્યા કરે ને આમ જિવાયા કરે.
વિશ્વસર્જક! ઘાટ ને ઘડતરની આ અવળી ક્રિયા!
તારું સર્જન જિંદગીભર ઠોકરો ખાયા કરે…
ખુબ સુન્દર હકીકતની રજુઆત..
બનાવી જેણે સ્રુશ્ટિ પોતાના મનોરંજન માટે ને તેના સર્જન ને હંમેશ ના પ્રશ્નો મુંઝવ્યા કરે..!!
એક એક થી ચડિયાતા શેર થી બનેલ સુન્દર મજાની ગઝલ…શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી, આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયા કરે…વાહ..!