Category Archives: અજીત શેઠ

ટહુકે છે લીલીછમ ડાળ – અનિલ જોશી

આજે સવારથી અહીં અમારા સાન ફ્રાન્સિસ્કોમાં મૌસમનો પહેલો વરસાદ ઝીલાઇ રહ્યો છે… અને સાથે કોમ્પ્યુટર પર ઝીલાઇ રહ્યા છે એક પછી એક ‘વરસાદી ગીતો’..!! તો થયું કે એ જ બહાને તમને પણ સંભળાવી દઉં આ એક મઝાનું ગીત…!

સ્વર – ફાલ્ગુની શેઠ
સ્વરાંકન – અજીત શેઠ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ
આ તો વરસે છે લીલુંછમ ઝાડ મારા વાલમા
પીળક તો ક્યારનું ઉડી ગયું ક્યાંક
આ તો ટહુકે છે લીલીછમ ડાળ મારા વાલમા…

ખોળો વાળીને ઘર વાળતી રે, ધીમા તાપે ચઢાવીને ભાત
સંજવારીમાં કેમ કાઢવાં રે, પડ્યાં ઓસરીમાં ચાંદરણાં સાત
ઓસરીએથી જાઉં ફળિયે, પછી ફળિયેથી ઓસરી ગઈ
પૈંડા બેસાડી ધક્કા મારજો રે, મારી વેળા ગોકળગાય થઈ…
વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ…

વાયરો આવેને ફૂલ ઝૂલતા રે, એમ કાનમાં ઝૂલે એરિંગ
પાથરણાં કેમ કરું પંડનાં રે, હું તો થઈ ગઈ સરગવાની શીંગ
કાને માંડી મેં જરીક ડાળખી, ત્યાં તો સંભળાતું ઝીણકલું પાન
પાંખડીનાં ઉંબરા વળોટતા રે, જુઓ સુરજમુખીના પીળા વાન…
વરસાદ તો ક્યારનો રહી ગયો હાલ…

– અનિલ જોશી

માનવીના હૈયાને નંદવામાં વાર શી – ઉમાશંકર જોશી

૨૧ જુલાઇ, વ્હાલા કવિ-સંગીતકાર શ્રી અવિનાશ વ્યાસનો અને કવિ શ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ..!

સ્વર – નિરુપમા શેઠ
સંગીત – અજીત શેઠ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને

અધ બોલ્યા બોલડે
થોડે અબોલડે

પોચા શા હૈયાને પીંજવામાં વાર શી
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને

સ્મિતની જ્યાં વીજળી
જરી શી ફરી વળી

એના એ હૈયાને રંજવામાં વાર શી
એવા તે હૈયાને નંદવામાં વાર શી

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને

– ઉમાશંકર જોશી

પંચમી આવી વસંતની – ઉમાશંકર જોશી

સૌ મિત્રોને વસંતપંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હૈયામાં પણ કાયમી વસંત આવે/રહે એવી શુભકામનાઓ.

Happy 2nd Birthday to KhusheeFrom Masi & Masa

Happy 2nd Birthday to Khushee

સ્વર : નિરુપમા શેઠ
સ્વર-નિયોજન : અજીત શેઠ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કોકિલ, પંચમ બોલ બોલો
કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
લાગ્યો જ્યાં એક વાયુઝોલો –
કે પંચમી આવી વસંતની.

મંજરી, મત્ત થઈ ડોલો
કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
આછો મકરંદ મંદ ઢોળો
કે પંચમી આવી વસંતની.

આતમ, અંતરપટ ખોલો
કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
કે પંચમી આવી વસંતની.

– ઉમાશંકર જોશી

(સૌજન્ય : લયસ્તરો / ઊર્મિસાગર)

મનહૃદયની ચેતના વસંતરૂપે ફરી નૂતન બનીને આવે ત્યારે એનાં ઓવારણા લેવાની વાત જ કેવી રોમાંચક લાગે !

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …. – રાવજી પટેલ

ગુજરાતી સાહિત્યની આ અમર રચના – રાવજી પટેલના શબ્દો ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…’ સાંભળીએ – પંડિત શ્રી અતુલ દેસાઇના અવાજમાં ફરી એકવાર સાંભળીએ.. અને એમને શ્રધ્ધાંજલિ અર્પણ કરીએ..!!

સ્વર – સ્વરાંકન : પંડિત શ્રી અતુલ દેસાઇ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અને હા, આ રચના સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇના અવાજમાં સાંભળવા અહીં ક્લિક કરો.
http://tahuko.com/?p=3620

 ***********

 

Posted previously on March 17, 2007

સ્વર : ભુપિન્દર
સ્વરાંકન : અજીત શેઠ

aankhe

 

This text will be replaced

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

———————–

ફરમાઇશ કરનાર મિત્રો : રુદ્રિક, ઇન્દ્રવદન મિસ્ત્રી, સેજલ, અર્પણ, વિક્રમ ભટ્ટ, રાકેશ શાહ, માનસી

મનોજ પર્વ ૧૫ : આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ

આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસે આપણા સર્વ તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!! ગયા વર્ષે તો આ સમયે ટહુકો ICU માં હતો – એટલે મનોજ પર્વ નો’તો ઉજવી શક્યા – પણ આ વર્ષે – ૨૦૦૯ અને ૨૦૧૦ ની જેમ ફરી માણીએ – મનોજ પર્વે..!!

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો કોઇ વિકલ્પ નથી.

અને આજે કવિ શ્રી મનોજ ખંડેરિયા વિષે સાંભળીએ – એમના ખાસ મિત્ર – કવિ શ્રી અનિલ જોષી પાસેથી… એમના જ શબ્દોમાં..!!

મનોજ મારો છેક શિશુ અવસ્થાનો ભેરુ હતો. મોરબીમાં અમે સાથે ક્રિકેટ રમતા. એ વખતે કવિબવી અમે નહોતા. ફક્ત ભેરુ હતા. આંબલીના ઝાડ ઉપરથી કાતરા પાડતા. લિબોળી વીણતા . ગીબ્સન મિડલ સ્કુલમાં દફતર પાટી લઈને ભણવા જતા . પછી એકાએક છુટા પડી ગયા. મનોજના પિતાજીની બદલી થઈ ગઈ.વર્ષોતો સરસરાટ પાણીની જેમ વહેવા લાગ્યા . પછી યુવાન વયે મનોજ મને અમદાવાદમાં મળ્યો. મનોજ ની ઓળખ આદીલ મન્સૂરીએ મને કરાવી. મનોજની પહેલી ગઝલ પીછું હતી. ખૂબ સુંદર ગઝલ.
પરંપરાથી સાવ જુદી.સહુ આફરીન થઈ ગયા. મનોજનો સ્વભાવ ખુબજ સોફ્ટ. પોતે બોલે તો શબ્દને ઇજા તો નહિ થાયને? એનો ખ્યાલ રાખે. મનોજ ક્યારેય પોતાની જાતને પ્રોજેક્ટ કરેજ નહિ.મુંબઈના મુશાયરામાં છવાઈ જાય.

એકવાર મનોજે મને પત્રમાં એક ગીત મોકલ્યું હતું. એ ગીત અદભૂત હતું . ગીતનો ઉપાડ જુઓઃ

આયનાની જેમ હું તો ઉભીતી ચુપ, ગયું મારામાં કોઈ જરા જોઇને…

મનોજની પ્રતિભા ખૂબ સૌમ્ય હતી.ખુબજ કેરીંગ દોસ્ત હતો. એક ખાનગી વાત કહું તો ૧૯૭૧ મા મનોજની ઈચ્છા મુંબઈમાં સ્થિર થવાની હતી. હુંતો મનોજને કંપની દેવા સાથે મુંબઈ આવ્યો હતો મુંબઈમાં અમે ખુબજ રખડ્યા. નાટ્ય સર્જક પ્રવિણ જોશી અને કાંતિ મડીયાને ઘેર કવિતાની અનેક મહેફીલો જમાવી. પછી યોગાનુયોગ એવું થયું કે મનોજ પાછો જુનાગઢ જતો રહ્યો અને હું મુંબઈમાં સેટલ થઇ ગયો.. મનોજ ની ગઝલોનો હું ફેન છું. મનોજ એક ખુબજ સવેદનશીલ સર્જક હતો.મનોજ ની ગઝલની વિશેષતા એ છે કે કોઈ એનું અનુકરણ કરી શકે જ નહિ. એકદમ કુંવારકા જેવી વર્જિન ગઝલો નો જોટો જડવો મુશ્કેલ છે મનોજના કલ્પનો બેનમૂન છે.ભાષા સૌન્દર્ય અદભુત છે. મનોજ ક્યારેય લોકપ્રિયતા પાછળ ગયોજ નથી. મુશાયરામાં ક્યારેય દાદ કે તાળીઓની દરકાર રાખી નથી.અંતમાં એક અંગત પ્રસંગ કહું.વર્ષો પહેલા હું, મનોજ અને રમેશ અમારા પહેલા કાવ્યસંગ્રહની હસ્તપ્રત લઈને રાજકોટમાં મળ્યા’ મનોજ પાસે અચાનક, રમેશ પાસે ક્યાં. અને માંરી પાસે કદાચની હસ્તપ્રત હતી.અમે ત્રણેય મિત્રોએ આખી રાત બેસીને બધી હસ્તપ્રતો સાથે વાચી.એ વખતે મેં એવો અભિપ્રાય આપ્યો કે મારે કન્યાવિદાય કાવ્ય મારા સંગ્રહમાંથી કાઢી નાખવું.. મને લાગ્યું કે આ કાવ્ય બહુ સારું નથી. મારી વાત સાંભળીને મનોજ અને રમેશ ગુસ્સાથી લાલપીળા થઈ ગયા. મનોજ અને રમેશે ઊંચા અવ્વાજે મને કહ્યું. “અનિલ. જો કન્યાવિદાય કાવ્ય તું તારા સંગ્રહમાંથી કાઢી નાખીશ તો આપણી દોસ્તી ખતમ….મનોજ અને રમેશની જીદ અને ધમકી પછી મેં કન્યાવિદાય કાવ્યને મારા “કદાચ” સંગ્રહમા સ્થાન આપ્યું….. આવી દોસ્તી આજે ક્યાં મળેછે? આજે હું મનોજ અને રમેશને ખૂબ મિસ કરુછું. એકલો પડી ગયો છું.આત્મા ઓળખે એ સાચા દોસ્ત બાકી બધા ભાગ્યના ખેલ….Friendship needs no words -it is solitude delivered anguish of loneliness!

_____________________________________________

Posted on February 15, 2007

મોરપિચ્છ અને ટહુકો શરુ કર્યાના થોડા જ દિવસોમાં આ ગીત મોરપિચ્છ પર મુક્યું હતું, એ આજે સંગીત સાથે ફરીથી રજુ કરું છું. ગીત એવું તો સરસ છે કે એક જ વાર વાંચો અને દિલમાં કોતરાઇ જાય. વારંવાર સાંભળવુ ગમે એવા આ ગીતના શબ્દો તો જુઓ…

છુંદણાના મોર સાથે માંડું હું વાત, મને એટલું તો એકલું રે લાગે ….

પરપોટો ફૂટે તો જળને શું થાય, નથી જાણ થતી કોઇ દિવસ કોઇને…

અને વિવેકભાઇના શબ્દોમાં કહું તો : આ ગીત વાંચો અને રૂંવાડા ઊભા ન થાય તો જાણજો કે તમે કદી પ્રેમ કર્યો જ નથી….

 

સ્વર – ?

સ્વરાંકન – અજીત શેઠ

mirror

This text will be replaced

આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને

ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે

આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા

પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.

– મનોજ ખંડેરિયા

*****

મનોજ પર્વ માં આ પહેલા રજૂ કરેલી કૃતિઓ માણવા અહીં કલિક કરો.