બચપણ …. – કૈલાસ પંડિત

બચપણ.. એક વાર મોટા થયા પછી જેની સૌથી વધુ ખોટ સાલે એ બચપણ.

થોડા દિવસ પહેલા સુરેન ઠક્કર ‘મેહુલ’ની એક ગઝલ સાંભળી હતી ટહુકા પર, યાદ છે ને ?

કલરવોના ઘર સમું કલબલતું આંગણ સાંભરે,
સાવ લીલુંછમ હજી આજેય બચપણ સાંભરે.

અને એવું કોણ હશે કે જેણે જગજીતસીંગના કંઠે ‘वो कागझकी कश्ती, वो बारिशका पानी’ સાંભળીને પોતાના બાળપણના દિવસો યાદ ન કર્યા હોય, અને ફરી એક વાર બાળક થવાની જેને ઇચ્છા ન થઇ હોય. કોઇ દિવસ ટહુકા પર એ ગીત પણ સાંભળશું, પણ આજે મજા લઇએ મનહરભાઇના કંઠે ગવાયેલી આ સુંદર રચનાની. ( આ ગઝલ તો નથી, તો આને નઝમ કહેવાય ? )

કવિ : કૈલાસ પંડિત
સ્વર : મનહર ઉધાસ

.

ઘરની સઘળી વસ્તુ મરી ગઇ
બહુ સુના છે ઘરના ખૂણા
શાંત ઉભા છે દ્વારના પડદા
બંધ પડ્યા છે મેજના ખાના
રોઇ રહ્યા છે સઘળા રમકડા

સ્વચ્છ પડેલી ભીંતો ઘરની, લાગે જાણે વિધવા થઇ ગઇ
બિસ્તર કેરી ચાદર જાણે, બાળ વિહોણી માતા થઇ ગઇ

આખો દિ’ ઘર આખા ને બસ માથે લઇ ને ફરતો’તો
વસ્તુ ઘરની ઉલટી-સીધી, અમથો અમથો કરતો’તો
પેન લખોટી ચાકના ટુકડા ખિસ્સામાહેં ભરતો’તો
જુના પત્તા રેલ ટિકિટને મમતાથી સંઘરતો’તો

કોઇ દિ’ મેં શોધી નો’તી, તો યે ખુશીઓ મળતી’તી
લાદી ઉપર સૂતો તો ને આંખો મારી ઢળતી’તી
મારી વાતો દુનિયા આખી મમતાથી સાંભળતી’તી

ખળખળ વહેતા ઠંડા જળમાં છબછબિયાં મેં કિધા’તા
મારા કપડા મારા હાથે ભીંજવી મેં તો લીધા’તા
સાગર કેરા ખારા પાણી કંઇક વખત મેં પીધા’તા
કોણે આવા સુંદર દિવસો બચપણ માંહે દિઘા’તા

સૂના થયેલા ખૂણા સામે વિહ્વળ થઇને નીરખું છું
શાંત ઉભેલા પડદાને હું મારા ફરતે વીટું છું
ઘરની સઘળી ભીતોંને હું હળવેથી પંપાળું છું
ખોવાયેલા વર્ષોને હું મારા ઘરમાં શોધું છું

ક્યાં ખોવાયું બચપણ મારું ક્યાંકથી શોધી કાઢો
મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી લાવો
મોટર બંગલા લઇલો મારા, લઇલો વૈભવ પાછો
પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો

( આભાર : મેહુલ નાયક )

પ્રેમના ટહુકાઓ – દિલીપ પરીખ

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને,

તારા વિના અહીં તો ધૂમ્મસ છે બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને.

અકળાઇ જાઉં એવા અબોલા ના રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને,

તું આવશે નહિ એ હું જાણું છું, તે છતાં,
તું આવવાના ખોટા ઇરાદાઓ લખ મને !

કોઇ મને બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારા હાથે દિલાસા લખ મને !

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
કયાં ક્યાં પડયા છે તારાં એ પગલાં લખ મને !

(મુકતક સમજીને લખેલી પહેલી બે પંક્તિઓ પરથી બાકીની પંક્તિઓ શોધી આપવામાટે આભાર, ઊર્મિ.)

સાંવરિયા.. – સુધીર પટેલ.

ocean

બતાઓ મળે કઇ ગલી સાંવરિયા ?
અમે જોઇ આવ્યાં બધી ગુજરિયા.

વહાવું કહો કેટલાં ઝળઝળિયાં ?
ભરાઇ ગયાં છે અહીં સૌ દરિયા !

ધરી ધૈર્ય ઊભા છીએ બસ યુગોથી,
કહે અમને દુનિયા ભલે બાંવરિયા.

દઇ દો બહેરાશ ઘોંઘાટથી આ,
ફરીથી સંભળાવો તમે બાંસુરિયા !

જવું કેટલું એના ઊંડાણમાં પણ ?
જો દેખાઇ ગયા છે ભીતરના તળિયા !

તમસ તોયે ઘેરી વળે છે ફરીને,
અમે વાટના અંત લગ ઝળહળિયા.

અમે તોયે એના જ થૈ રહેશું ‘સુધીર’,
છબિલા કહો કે કહોને છલિયા.

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો …. – કવિ દાદ

કવિ દાદનું કન્યાવિદાયનું આ ગીત. તમે દિકરી હો, કે દિકરીના પપ્પા હો, અને આ ગીત સાંભળીને તમારી આંખો ન ભીંજાય, તો જ નવાઇ.. !!

સ્વર અને સંગીત : ઇસ્માઈલ વાલેરા

Red_mandap3

.

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો

આવું કેમ ?

292220568_4af1e845d3

લાગણી મારી,
જે અનુભવું છું એ દર્દ મારું.
આંખો મારી,
અને જેના તૂટવાનો કોઇ અફસોસ નથી
એ શમણું પણ મારું.
અને છતાંય
જો આજે મારે રડવું છે –
તો કેમ મને
ખોટ સાલે છે
તારા ખભાની ?

– જયશ્રી

નિરખને ગગનમાં… – નરસિંહ મહેતા

સ્વર : આશિત દેસાઇ

krishna

.

નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો
તે જ હું, તે જ હું, શબ્દ બોલે
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે
અહીયાં કોઇ નથી કૃષ્ણ તોલે

નિરખને ગગનમાં….

શ્યામ શોભા ઘણી, બુધ્ધિ નવ શકે કળી
અનંત ઓચ્છવમાં પંથ ભુલી
જળ અને ચેતન રસ કરી જાણવો
પકડી પ્રેમે સજીવન મૂડી

નિરખને ગગનમાં….

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં
હેમની કોર જ્યાં નિસરે તોલે
સચ્ચિદાનંદ આનંદ ક્રિડા કરે
સોનાના પારણામાંહી ઝુલે

નિરખને ગગનમાં….

બત્તી વિણ તેલ વિણ સુત્ર વિણ જો વળી
અચળ ઝળકે સદા અનળ દિવો
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો
વણ જિવ્હાએ રસ સરસ પીવો

નિરખને ગગનમાં….

અકળ અવિનાશી એ નવ જ જાયે કળ્યો
અરધ ઉરધની માંહે મહાલે
નરસૈયાંચો સ્વામી સકળ વ્યાપી રહ્યો
પ્રેમના તંતમાં સંત ઝાલે

( કવિ પરિચય )

મને ગમશે – બરકત વિરાણી ‘બેફામ’

તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.

તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,
ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.

જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.

જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું,
કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે.

તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે ‘બેફામ’,
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે.

( કવિ પરિચય )  

રેશમિયા લૂગડામાં જઇને ડામર ગોળી મૂકી દે…

સ્વર : ? ગીતકાર : ? સંગીતકાર : ?

( વડોદરાના રિષભગ્રુપના ગરબાઓની એક CDમાં આ ગીત છે, પણ એના પર ગીતકાર, ગાયક કે સંગીતકારની કોઇ માહિતી નથી )
krishna_PG21_l

.

રેશમિયા લૂગડામાં જઇને ડામર ગોળી મૂકી દે
ડામર ગોળી મુકતા કેટલા અવસરિયા ગઇ ચૂકી રે

કાબર ચિતરી ગાયો ચારી, મોહન પાછા વળશે રે
મોહન પાછા વળશે એના વાવડ કોને મળશે રે

આંખ્યુંની આ ગમાણમાંથી ખિલા છોડી ભાગી રે
આસુંની ગાયોની સાથે મોહન મુરલી વાગી રે

Happy ઉત્તરાણ…. !!!

આમ તો અમેરિકામાં પણ 15મી જાન્યુઆરી થઇ ગઇ હવે… અને ગુજરાતમાં તો વાસી ઉત્તરાણ આવી ગઇ.. પણ ઉત્તરાણને લગતું કોઇ ગુજરાતી ગીત મળ્યું જ નહીં ( તમારા ધ્યાનમાં હોય તો જણાવજો..) તો મને થયું, કે હવે તો હિંદી ગીત જ યાદ કરવા પડશે. આજકાલ તો ઉત્તરાણ અને પતંગવાળુ ગીત યાદ કરવાનું આવે તો મોટેભાગે તો લોકો ‘હમ દિલ દે ચુકે સનમ’નું કાયપો છે જ યાદ કરે.. પણ આજે આપણે જરા જુના ગીત યાદ કરીયે…

uttaran

( ૧૩ મી જાન્યુઆરી : હવામાન ખાતાની આગાહી જણાવે છે કે આવતી કાલે આકાશ પતંગછાયુ રહેશે. )

चली चली रे पतंग मेरी चली रे,
चली बादलो के पार… होके डोर पे सवार,
सारी दुनिया ये देख देख जली रे.. !!

અને આ બીજુ ગીત છે, એ ખરેખર તો ઉત્તરાણને કે પતંગને લગતું ગીત નથી… પણ જ્યારે મેં પહેલી વાર સાંભળેલું, ત્યારે મને પતંગ ચોક્કસ યાદ આવેલા… કારણકે એમાં ફીરકીની વાત આવે છે… { ઘણી વાર પછી ખબર પડેલી કે એમાં ચકરડીની વાત થઇ છે… પતંગવાળી ફીરકી નહીં 🙂 }