ગુલમ્હોર

gulmahor1

આ વેદનાઓ મારી કહો કોને જઇ કહું
ગુલમ્હોર મારી આંખ મહીં પાંગર્યા કરે.
– આશ્લેષ ત્રિવેદી

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો
તોર તે કયાં ગયો કોઇ કહેતું નથી
આ નગરની વચોવચ હતો એક
ગુલમ્હોર તે ક્યાં ગયો કોઇ કહેતું નથી
– મનોજ ખંડેરિયા

હું ગુલમ્હોરને જોઉં ને ગુલમ્હોર મને
કોને જોઇને કોને કોના રંગ યાદ આવે.
– રમેશ પારેખ  

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.
-મનોજ ખંડેરિયા

આ હાથ અને હાથમાં કાગળનું રણ સફેદ
અહીં ઝાંઝવાં, મુકામ, તૃષા ને હરણ સફેદ
કઈ વેદનાએ શોષી લીધાં એનાં યે રુધિર
કે છે તો છે વસંતમાં ગુલમ્હોર પણ સફેદ
– રમેશ પારેખ

હજી આ કોકરવર્ણો તડકો છે …. – વેણીભાઇ પુરોહિત

સ્વર : ચન્દુ મટ્ટાણી

હજી આ કોકરવર્ણો તડકો છે
સાંજ તો પડવા દો, દિવસને ઢળવા દો

હજી આ સૂર્ય બુઝાતો ભડકો છે
સાંજ તો પડવા દો, દિવસને ઢળવા દો

હજી ક્યાં પંખી આવ્યા તરૂવર પર
અને કયાં દીપક પણ પ્રગટ્યા ઘર ઘર
હજી ના મનડુ બેઠુ મહુવર પર

દેવ મંદિરે નોબત સંગે ઝાલર મધુર વગડવા દો
સાંજ તો પડવા દો, દિવસને ઢળવા દો

હજી આ ધરતી ઉની ઉની છે
ગગનની મખમલ તારક સૂની છે
સાંજ તો શોકિન ને સમજુની છે

કનક કિરણને નવ વાદળમાં અદભૂત રંગ રગડવા દો
સાંજ તો પડવા દો, દિવસને ઢળવા દો

હજી ક્યાં દુનિયાદારી થાકી છે
હવાની રુખ બદલવી બાકી છે
હજી આ કિરણોમાં કરડાકી છે

ગમતીલી ગોરજને ઉંચે અંગેઅંગ મરડવા દો
સાંજ તો પડવા દો, દિવસને ઢળવા દો

( કવિ પરિચય )

H वो कागझकी कश्ती, वो बारिशका पानी

થોડા દિવસો પહેલા જ મનહર ઉધાસના કંઠે ‘બચપણ’ ગીત સાંભળ્યું, એ તો યાદ હશે ને ? અને ત્યારે મેં કહ્યું હતું કે वो कागझकी कश्ती, वो बारिशका पानी પણ એક દિવસ ટહુકા પર સાંભળીશું. તો ચલો.. આજે જ એ ગીતની મજા લઇએ. અને આજે તો આ ગીત જરા બોનસની સાથે છે. એ જ ગીત, અને એ જ ગાયક, પણ ગીતનો લય થોડો બદલાય એમાં તો ગીતનો ભાવ કેટલો બદલાય જાય, એ આ ત્રણે ગીત વારાફરતી સાંભળશો તો ખ્યાલ આવશે. ( કદાચ એ મારો ભ્રમ પણ હોઇ શકે, પરંતુ મને ફક્ત જગજીતસીંગના અવાજમાં જે ગીત છે એ વધારે કરુણ લાગે છે).

સૌથી પહેલા, જગજીગસીંગ અને ચિત્રાના અવાજમાં આ ગીત.
શબ્દો : ?
48335451_be3e9c9254

અને હવે સાંભળો, ફક્ત જગજીતસીંગના અવાજમાં, એ જ શબ્દો, પણ વધારે કરુણ લાગે એ રીતે. ( આ ગીત 2 અલગ અલગ ભાગમાં છે, પહેલામાં 2 ફકરા, અને બીજામાં 1 ફકરો )

suvidha1

( બાળપણના દરેક પહેલા વરસાદની મજા જ્યાં માણી છે એ સુવિધા કોલોનીનો બાગ, અતુલ )

( હિન્દી જોડણીમાં ભુલ થઇ હોય તો ધ્યાન દોરશો )

ये दौलतभी लेलो, ये शोहरतभी लेलो
भले छीनलो मुझसे मेरी जवानी
मगर मुझको लौटादो बचपनका सावन
वो कागझकी कश्ती, वो बारिशका पानी

मुहल्लेकी सबसे निशानी पुरानी
वो बुढिया जिसे बच्चे कहते थे नानी
वो नानीकी बातों में परियोंका डेरा
वो चहेरेकी झुर्रियोंमें सदीयोंका फेरा
भुलाये नहीं भुल सकता है कोइ
वो छोटीसी रातें, वो लम्बी कहानी

कडी धूपमें अपने घरसे निकलना
वो चिडिया वो बुलबुल वो तितली पकडना
वो गुडियाकी शादी पे लडना झगडना
वो झुलों के गिरना वो गिरके संभलना
वो पितल के छल्लों के प्यारे से तोहफे
तो तुटी हुइ चुडियोंकी निशानी

कभी रेतके उंचे टिलों पे जाना
घरोंदे बनाना बनाके मिटाना
वो मासुम चाहतकी तसवीर अपनी
वो ख्वाबों खयालोंकी जागिर अपनी
न दुनियाका गम था न रिश्तोंका बंधन
बडी खूबसुरत थी वो झिंदगानी

હોઇ શકે… ! – હેમેન શાહ

ટીપાંની જલધિ કને શું વિસાત હોઇ શકે ?
પણ અસવાર થવા લાયકાત હોઇ શકે.

બધાં રહસ્ય નથી ખોલી શકતું અજવાળું
પ્રકાશમાં જુદા જુદા પરદાઓ સાત હોઇ શકે.

ન શસ્ત્રહીન સમજ મારી બંધ મુઠ્ઠીને,
કે જ્યાં કશું નથી ત્યાં ઝંઝાવાત હોઇ શકે.

ધીમા અવાજ વડે બારી આજ ખખડે છે,
ઉઘાડી જો તો ખરો, પારિજાત હોઇ શકે.

યુગો સુધી પછી જેની થતી રહે ચર્ચા,
નિમેષ માત્ર ટકે એવી વાત હોઇ શકે.

જરાક ગમગીની માંગી’તી શાયરી માટે,
વધુ મળી એ તારો પક્ષપાત હોઇ શકે.

યાદ – રમેશ પારેખ

મારા જ ઘરમાં આવે મને મારા ઘરની યાદ
આવે ને આમ કોઇને કારણ વગરની યાદ

બાઝી ગયાં છે નકશાનાં જાળાંઓ આંખમાં
સચવાઇ રહી છે આમ તમારા નગરની યાદ

ચીલા મૂકી ગયાં તમે મારા વિચારમાં
તમને નથી હવે એ તમારી સફરની યાદ

ખરતી રહે છે આંગળી અક્ષર ક્ષણે ક્ષણે
આવે છે ટેરવાંને કઇ પાનખરની યાદ

શબ્દોમાં તરતી સાંજનું ખાલીપણું જુઓ:
આવે છે કોઇ દીવા વગરના ઝુમ્મરની યાદ ?

મુક્તક – એસ.એસ.રાહી

haran

કોને ખબર કે કેવો ખુલાસો મળ્યો હશે ?
કિંતુ એ નક્કી છે કે દિલાસો મળ્યો હશે,
નહીં તો આ દોડતુ હરણ ઉભું રહે નહીં,
મૃગજળ તરફથી નક્કી જાસો મળ્યો હશે.

H हम करें राष्ट आराधन

થોડા દિવસો પહેલા Internet પર ફરતા ફરતા આ ગીત મળી ગયું. માહિતી પરથી ખબર પડી કે દુરદર્શન પર આવેલી પ્રસિધ્ધ ‘ચાણક્ય’ શ્રેણીમાં આ ગીત છે. ( મને ચાણક્ય જોયાનું થોડુ થોડુ યાદ છે, પણ ખૂબ નાની હતી, એટલે આ ગીત તો યાદ નથી આવતું )

આજે પ્રજાસત્તાક દિન. – 26મી જાન્યુઆરી. આપણને રાષ્ટ્રભાવના યાદ કરાવતું આ ગીત ઓડિયો અને વિડિયો બંનેમાં મુક્યું છે. અને એક શબ્દો, એક રાગ હોવા છતાં આ બંને ગીતો અલગ અલગ છે.

સ્વર અને સંગીત : આશિત દેસાઇ

ફક્ત ઓડિયો સાંભળો :

हम करें राष्ट आराधन

हम करें राष्ट आराधन
तन से मन से धन से
तन मन धन जीवनसे
हम करें राष्ट आराधन………………।।…धृ

अन्तर से मुख से कृती से
निश्र्चल हो निर्मल मति से
श्रध्धा से मस्तक नत से
हम करें राष्ट अभिवादन…………………। १

अपने हंसते शैशव से
अपने खिलते यौवन से
प्रौढता पूर्ण जीवन से
हम करें राष्ट का अर्चन……………………।२

अपने अतीत को पढकर
अपना ईतिहास उलटकर
अपना भवितव्य समझकर
हम करें राष्ट का चिंतन…।………………।३

है याद हमें युग युग की जलती अनेक घटनायें
जो मां के सेवा पथ पर आई बनकर विपदायें
हमने अभिषेक किया था जननी का अरिशोणित से
हमने शृंगार किया था माता का अरिमुंडो से

हमने ही ऊसे दिया था सांस्कृतिक उच्च सिंहासन
मां जिस पर बैठी सुख से करती थी जग का शासन
अब काल चक्र की गति से वह टूट गया सिंहासन
अपना तन मन धन देकर हम करें पुन: संस्थापन………………।४

કવિતા ! – કલાપી

આજે 26મી જાન્યુઆરી, અમર કવિશ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’નો જન્મદિવસ. વિવેકભાઇના શબ્દોમાં ‘જેની કવિતાઓ દરેક પ્રેમીના પાઠ્યપુસ્તકમાં પહેલા પાના પર જ લખાયેલી રહેશે’, એ કવિ પોતાની કવિતા વિષે કંઇક આવું કહે છે.

કવિતા ! મારી કવિતાને હું કવિતા કહેતો નથી. હું કવિ છું એવું હું માની જ શક્યો નથી. મને વિચારો ગોઠવતાં આવડતું નથી. મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે. મને મારી કવિતા પણ એવી જ છે. હું જે કંઇ લખું તે મને આનંદ જ આપી શકે તેવુંયે નથી. હું શેલી કે શેક્સપિયર વાંચતો હોઉં છું ત્યારે ઘણી વખત મન થઇ જાય છે જાણે મારી કવિતાને, એ કાગળોને બાળી નાખું.

( તા. 14-1-1898નો પત્ર : ‘કલાપીના 144 પત્રો’ પુસ્તક )

અને સાથે જ વાંચો એમની જીવનઝાંખી, અને એમની બીજી રચનાઓ :

એક વેલીને..
ભોળાં પ્રેમી
ફુલ વીણ સખે!
કવિ કલાપીની પુણ્યતિથિ પર….
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં
એક ઘા
ક્લાપી – રખોપીઆને
કલાપીનાં સંસ્મરણો
કલાપીનો કેકારવ – 1
કલાપીનો કેકારવ – 2

હ્ર્દયક્મલની જૂઠી આશા – કલાપી

heart

રે ભોળી! જલઝુલતી કમલિનિ! કાં ભૂલ? વ્હાલી સખી,
જોઈ પૂર્વદિશામુખે પ્રસરતી લાલાશ આ ઊજળી?
આશા વ્યર્થ ધરે રવિ સુકરની સંધ્યા સમે, બાપલા!
એ તો હિમપતિ શશી નિકળશે, ના ના પતિ, હે હલા!

એ પોચું દિલ તું સમું સુનમન છે, તેણે ગૃજી આશ’તી:
જાણ્યું સૂર્ય થઈ પ્રફૂલ્લ કરશે પ્રેમી તણી પ્રીતડી;
ના તે તે નિકળી હતી શશી સમી, હિમે હણ્યું કાળજું;
જૂઠી આશ દઝાડતી સુમનને, ભુલે ન તે ઝાળ તું!

‘આપની યાદી:’ માંથી. પૃ: ૩, સંપાદક: હરિકૃષ્ણ પાઠક
તા: ૪-૧૧-૧૮૯૨

( મને આ કાવ્યનો ભાવાર્થ સમજાવશો ?? )

( કવિ પરિચય )

ઝાકળ થયા પછી – રઇશ મનીઆર

ઉમટ્યો ગઝલના ગામમાં વાદળ થયા પછી,
જાઉં તો પાછો જાઉં હવે જળ થયા પછી.

એના ભવનમાં ખૂબ ધીરેથી જવાય છે,
આવ્યો મને એ ખ્યાલ ઉતાવળ થયા પછી.

મારી જ સૌ અંધારી ગુફાઓ ને કંદરા,
દેખાવા માંડી ખુદ મને ઝળહળ થયા પછી.

વિહવળતા જીરવી શકું એ બળ મને મળે,
હા, સ્વસ્થ થઇ શકાય છે વિહવળ થયા પછી.

વિસ્તાર પામશે તું સમેટાઇ જો શકે,
તું યુગ બની શકે છે પ્રથમ પળ થયા પછી.

એ બહુ નજીક છે, છતાં જાણું છું હું ‘રઇશ’,
સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી.