વારતાના અંતમાં – દિનેશ કાનાણી

fall.jpg

એક માણસ હારવાનો વારતાના અંતમાં;
હું દિલાસો આપવાનો વારતાના અંતમાં.

સોળ આના સાવ સાચી વાત લઈ ને આવજો,
હું પુરાવો માગવાનો વારતાના અંતમાં.

પાનખરની કેટલી થઈ છે અસર એ શોધવા,
ડાળ લીલી કાપવાનો વારતાના અંતમાં.

હું તમારી જીતનો હિમાયતી છું એટલે,
સાથ કાયમ આપવાનો વારતાના અંતમાં.

કોણ મારા શ્વાસનો હકદાર છે એ જાણાવા,
રાત આખી જાગવાનો વારતાના અંતમાં.

જિંદગીભર આપતા આવ્યા છો જાકારો ભલે,
હું તમારો લાગવાનો વારતાના અંતમાં.

આહા આવ્યું વેકેશન…

સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી
આલ્બમ : મેઘધનુષ
kids.jpg

.

આહા આવ્યું વેકેશન, જુઓ રજાની મજા
શું શું લાવ્યું વેકેશન, આવી મજાની રજા

રજાની મજા, મજાની રજા, રજાની મજા

સાથે ભેરુઓની ટોળી
સાથે સખીઓની જોડી
એ તો ડુંગર ઉપર દોડી
ઉપર ટોચે જઇને લાગી દુનિયા જોવા

જો જો મમ્મી તો બોલાવે,પાછળ પપ્પાને દોડાવે
તો પણ આવીશ નહીં હું હાથમાં

અમે તો મુંબઇ જવાના
અને ચોપાટી ફરવાના
ભેળપૂરી ખાવાના
આખો દરિયો ડોળીને દૂર દેશ જવાના

આખો દરિયો ડોળીને દૂર દેશ જવાના
દૂર દેશ જઇ ભારતના ગુણ ગાવાના

આહા આવ્યું વેકેશન, જુઓ રજાની મજા
શું શું લાવ્યું વેકેશન, આવી મજાની રજા

– એમાં મારો શું વાંક? – સુરેશ દલાલ

pearls-and-shells.jpg

મેં તો આપ્યું’તું તને મોતી
ને તને શંખલા ને છીપલાં વ્હાલા લાગે
– એમાં મારો શું વાંક?

મેં તો માણસની પ્રગટાવી જ્યોતિ
ને તને ઢીંગલી ને ઢીંગલા વ્હાલા લાગે
– એમાં મારો શું વાંક?

મેં તો આંબો આપ્યો ને તને બાવળ ગમે
મેં તો શાંતિ આપી, તને ઉતાવળ ગમે
મેં તો આકાશ આપ્યું ને તને વાદળ ગમે
મેં તો સત્ય આપ્યું,
ને તને સપનાંઓ વાંઝિયા ને ઠાલાં ગમે
– એમાં મારો શું વાંક?

મેં તો રસ્તો આપ્યો તને ચરણો આપ્યાં
પણ ચરણોને બેડી તેં બાંધી દીધી,
મેં તો હોંશે હોંશે એક ઉછેર્યો’તો બાગ
પણ બાગમાં તેં રણ ને આંધી કીધી
મેં તો એક એક દરવાજા ખોલ્યા
પણ દરવાજે દરવાજે તને તાળાં ગમે
– એમાં મારો શું વાંક?

દીકરીતો પારકી થાપણ કહેવાય – અવિનાશ વ્યાસ

ગુજરાતમાં કન્યાવિદાય વખતે કદાચ સૌથી વધુ ગવાયેલું આ ગીત… ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ – હજુ સુધી ટહુકો પર ન હતુ એના બે કારણ, અને આમ જોવા જઇએ તો બંને કારણો થોડા વિરોધાભાસી છે.

‘દીકરી – પારકી થાપણ’ આ વાત મને કોઇ દિવસ ગળે નથી ઉતરી. આખી જિંદગી પપ્પાની લાડકી – લગ્ન પછી પારકી? કદાચ જે સમયે આ ગીત બન્યું એ વખતે (અને કદાચ આજે પણ?) સમાજમાં એ માન્યતા પ્રચલિત હશે.

બીજું કારણ – ભલે હું આ ગીતની પ્રથમ પંક્તિ સાથે પોતાને relate નથી કરી શકતી, છતાં પણ આ ગીત વાગતું હોય તો એ પુરુ થાય એ પહેલા આંખો ભીંજાય જાય છે. આજ સુધી એ હિંમત નથી આવી કે લાગણીશીલ થયા વગર આ ગીત સાંભળી શકું.

સ્વર : લતા મંગેશકર

412842479_7c90b2c708_m

.

બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરીતો પારકી થાપણ કહેવાય

બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

તને વહાલો વરસાદ કે હું ? – મુકેશ જોષી

567579800_a39d24cc9d_m.jpg

મને સાચ્ચો જવાબ દઇશ તું?
તને વહાલો વરસાદ કે હું ?

તને વરસાદી વાદળના વાવડ ગમે
કે મારા આ મળવાના વાયદા
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે
કે છત્રીના પાળવાના કાયદા

તને વરસાદી મોરલાનું ટેંહુક ગમે
કે મારી આ કોયલનું કૂ… તને

તને વરસાદી વાદળનું ચૂમવું ગમે
કે તરસી આ આંખોનું ઝૂરવું
હું ને આ વાદળ બે ઊભાં જો હોઇએ
તો, કોનામાં દિલ તારે મૂકવું

તને આભમાં રમતું એ વાદળ ગમે
કે દરિયાનો કાંઠો ને હું… તને

તને છોને વરસાદ હોય વ્હાલો પણ,
કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
તો આંખો ભીંજાય કોની યાદમાં

આઠે મહિના મને આંખોમાં રાખે
ને ચોમાસે કહે છે જા છૂ… તને

रंजिश ही सही, दिल ही दुखाने के लिये आ… – एहमद फराज़

આજે ફરીથી એક એવી ગઝલ લાવી છું, કે જેટલીવાર સાંભળો એટલીવાર વધુ ને વધુ ગમતી જ જાય…

ટહુકો પર પહેલા 4 જુદા અવાજમાં મુકેલી આ ગઝલ – આજે એક નવા સુમધુર સ્વર સાથે ફરીથી એકવાર રજુ કરું છું – અને એ અવાજ આમ તો હવે કોઇના માટે નવો નહીં રહ્યો હોય. છેલ્લા થોડા મહિનામાં તો એણે જાણે દેશ-દુનિયાના ભારતીયોને પોતાના અવાજનુ ઘેલુ લગાડ્યું છે.

સ્વર : ઐશ્વર્યા મજમુદાર.

—————————————————————–

Posted on September 16, 2007.

થોડા દિવસો પહેલા કુણાલના બ્લોગ પર મારી એક ઘણી ગમતી ગઝલ વાંચવા મળી. આમ તો હું વિચારતે જ હતી કે આ ગઝલ કોઇ દિવસ તમને પણ ચોક્કસ સંભળાવીશ, આ ગઝલ વાંચીને હવે સાંભળવામા મોડુ શું કરવા કરવું, એમ ને ?

તો આ વિષેની થોડી વાતો કુણાલ તરફથી. 🙂

અને એક જ ગઝલ ચાર જુદા જુદા અવાજમાં, મારા તરફથી….
—–

અહેમદ ફરાઝ… પાકિસ્તાનના શાયરોમાં કદાચ સૌથી વધુ પંકાયેલા શાયર…. તેમની ગઝલો અને નઝમો almost બધાં જ નામાંકિત ગઝલ-ગાયકોએ ગાઈ છે અને શોખીનો માણતા અને વખાણતા આવ્યા છે…

એમની આ એક ગઝલ જે મારી પ્રિય ગઝલોમાંની એક છે… અને બીજા ગાયકો કરતાં મને ( એટલે કે કુણાલને ) મેંહદી હસનનું composition સૌથી વધુ ગમે છે…

ranjishhi1.JPG

સ્વર : મેંહદી હસન

સ્વર : રુના લૈલા

સ્વર : શહેનાઝ બેગમ

સ્વર : આશા ભોંસલે

( મને આ ગઝલોનું રિમિક્સ નથી ગમતું હોં.. એમ તો મને કોઇ પણ ગીતનું રિમિક્સ નથી ગમતું, પણ મને થયું, direct comparision થઇ શકે એટલા પૂરતી પણ આ ગઝલ મુકવામાં વાંધો નથી. 🙂 )

रंजिश ही सही, दिल ही दुखाने के लिये आ…
आ फीर से मुजे़ छोड़ के जाने के लिये आ…

(ranjish : animosity)

पहेले से मरा़सिम न सही फीर भी कभी तो
रस्म-ओ-राहे दुनीया ही निभाने के लिये आ…

(maraasim : relationship; rasm-o-rahe duniyaa : manners, traditions of the world)

किस-किस को बतायेंगे जुदाई का सबब हम
तु मुज़से ख़फा है तो ज़माने के लिये आ…

कुछ़ तो मेरे पींदार-ए-मुहोब्बत का भरम रख़
तु भी तो कभी मुज़को मनाने के लिये आ…

(pindaar-e-muhabbat : love’s pride)

इक उम्र से हुं लज्ज़त-ए-गीरीया से भी मेहेरु़म…
ए राहत-ए-जां मुज़ को रुलाने के लिये आ…

(umr : ages; lazzat-e-giriyaa : joy of crying; mahruum : devoid; raahat-e-jaaN : comfort of the soul)

अब तक दिल-ए-खु़श फ़हम को है तुज़से उम्मीदें..
ये आखीरी शम्में भी बुज़ाने के लिये आ…

(dil-e-Khush-feh’m : understanding/gullible heart; ummideN : hopes; shammeN : lights)
– एहमद फराज़

હવે ના બે શેર હકીકતમાં તાલિબ઼ બાગ઼પતીના છે પણ મેંહદી હસન એને હંમેશા આ ગઝલની સાથે જોડી દે છે… છેલ્લો શેર મારો favourite છે… ( અને પહેલો શેર જયશ્રીનો favourite છે. )

माना के मुहोब्बत का छुपाना भी है मुहोब्बत…
चुपके से कीसी रोज़ ये जताने के लिये आ…

जैसे तुज़े आते है ना आने के बहाने…
ऐसे ही किसी रोज़ ना जाने के लिये आ…
– तालिब़ बाग़पती

ખરા છો તમે – કૈલાસ પંડિત

સ્વર : પંકજ ઉધાસ
આલ્બમ : રજુઆત

alone.jpg

.

દ્વાર ખખડ્યું કે વિચાયું ખોલતા
એ જ મળવાને મને આવ્યા હશે
મેં પછી સમજાવતા મુજને કહ્યું
આટલી રાતે તો એ હોતા હશે ?

– કૈલાસ પંડિત
——-

ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન આપણું
બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું

– ઉમ્મર ખૈયામ ( અનુવાદ : શૂન્ય પાલનપુરી)
—- —–

ઘડીમાં રીસાવું, ખરાં છો તમે.
ઘડીમાં મનાવું, ખરાં છો તમે.

ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.

મેં તો પાપડ બાંધ્યા ને આવી ઝરમરતી ઝૂલ.. – ભગવતીકુમાર શર્મા

 

મેં તો પાપડ બાંધ્યા ને આવી ઝરમરતી ઝૂલ, હવે કેમ કરી તડકા તડાવવા?
કાળમીંઢ વાદળીને કરગરી હું થાકી, વળી કાંચળીના મોરને શેં ટોકવા?

કોરું આકાશ જોઇ સહિયર બરકી’તી : ‘હાલ્ય, ગાશું ને વેલણ વટકાવશું
કાંસાની થાળી પે ગોરી હથેળીઓની મેંદીની ભાતને તરાવશું’

રેઢાં પડ્યાં’તા મારા વેલણ ને આડણી, અટકેલાં ગાણાં ક્યાં માંડવા?
મેં તો પાપડ બાંધ્યા ને આવી ઝરમરતી ઝૂલ, હવે કેમ કરી તડકા તડાવવા?

છાપરે ચડીને હું તો છંટાઇ છાકથી, ધાર એવી સોંસરવી ઉતરી !
કોરી અગાશીમાં તડતડતાં ફોરાંએ ફોરમની ઓકળીઓ ચીતરી !

ભર રે ચૈતરમાં રેલ્યો આષાઢ : હવે દિવસોને કેમ કરી ઠેલવા ?
મેં તો પાપડ બાંધ્યા ને આવી ઝરમરતી ઝૂલ, હવે કેમ કરી તડકા તડાવવા?

બપોરી વેળ સહેજ ઝોલે ચઢું ત્યાં સુણું પગરવ લીલાશને ઉંબરે
શેઢેથી સંચરીને ફળિયે ફોરેલ સૂર પાવાના એવા મુંને આવરે !

પાછળથી આવીને પોપચાં દબાવતાંને કાઢવાના મન ક્યાંથી લાવવા ?
મેં તો પાપડ બાંધ્યા ને આવી ઝરમરતી ઝૂલ, હવે કેમ કરી તડકા તડાવવા?

નશાના ધામ તરફ – અમૃત ‘ઘાયલ’

સ્વર : સંગીત – ??

1489667347_90c110bce7_m

.

નશાના ધામ તરફ મસ્તીના મુકામ તરફ,
નિગાહ છે કે રહે છે સદાય જામ તરફ.

કરી જો બંદગી સાહેબની અદબથી કરી,
વળ્યા ન હાથ અમારા કદી સલામ તરફ.

ઉઠાવો કોઈ જનાજો જવાન પ્યાસ તણો,
કે મીટ માંડી નથી જાતી ભગ્ન જામ તરફ.

હવે તો દ્રષ્ટી ફક્ત સાદગીને શોધે છે,
ગયો એ દોર કે રહેતી હતી દમામ તરફ.

એ સ્નેહનું જ રૂપાંતર છે એય પણ ક્યાંથી,
કે એમને હો તિરસ્કાર મારા નામ તરફ.

દીવાનગીમાં અજાયબ મળી ગઈ દ્રષ્ટી,
કે ફાટી આંખથી જોતા રહ્યા તમામ તરફ.

ગતિ ભણી જ નજર નોંધતા રહ્યા કાયમ,
કદી ગયા ન અમે ભૂલથી વિરમ તરફ.

જો હોય શ્રદ્ધા મુસાફર ને પૂર્ણ મંજિલમાં,
તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ.

હતો એ મસ્ત પ્રવાસી કરી પ્રવાસ સફળ,
અનોખી શાનથી ‘ઘાયલ’ ગયો સ્વધામ તરફ.

-અમૃત ‘ઘાયલ’

ગઝલ – હરિશ્વંદ્ર જોશી

(આકાશની પ્રતિક્ષા…. સંચાર નથી શું પાંખમાં ?)
Photo byNikonsnapper 

——————-

અટકી જવાય સાંજમાં તો શું કરી શકો ?
બેસે ન સ્વપન આંખમાં તો  શું કરી શકો ?

મન શોધતું ફરે છે ઉદાસીના કારણો
પોતે જ હોય વાંકમાં તો શું કરી શકો ?

લાગે  કે એકઠું કરી લીધું બધું અને
નીકળે ન કાંઇ ફાંટમાં તો શું કરી શકો ?

આકાશ તો  યુગોથી પ્રતિક્ષા કરે છે
સંચાર હો ન પાંખમાં તો શું કરી શકો ?

લંબાય રાત અંધની આંખો સમી સતત
અટવાય સૂર્ય ઝાંખમાં તો શું કરી શકો ?

પીળાશ પી રહી છે સફેદીને પત્રની
શબ્દો જ હોય  ટાંકમાં તો શું કરી શકો ?

ચાવી દઇને વાગતાં વાજાં હરીશ સૌ
સરકે ન જીવ ખાંચમાં તો શું કરી શકો ?