ગીત લખું કે ગઝલ – મુકેશ જોષી

‘પાંચીકા રમતી’તી…. દોરડાઓ કુદતી’તી.. (બચપણ ખોવાણું) – ગીતનો સુમધુર કંઠ યાદ છે? ઝરણા વ્યાસના એ મીઠેરા કંઠનો પૂરેપૂરો લ્હાવો લેવો હોય તો એનો જવાબ છે – એમનું નવુ આલ્બમ ‘નિર્ઝરી નાદ’.

સ્વર : ઝરણા વ્યાસ
સંગીત : ઉદ્દયન મારુ

Photo by fringuellina

.

ફરી આંખ કાં સજલ
ગીત લખું કે ગઝલ

કોણ ફરી આવીને ઊભું, બંધ કલમને દ્વારે
જીવ પૂછે છે અડધી રાતે, કોણ હશે અત્યારે!

આ કોણ કાપતું મજલ
ગીત લખું કે ગઝલ

કોણ ફરી પગલીઓ પાડે, કાગળના આંગણામાં
નકકી કોઈ હશે પ્રગટતું, કવિ નામના જણમાં

આ કોણ આટલું સરલ
ગીત લખું કે ગઝલ!

હું જ લખું છું એ વિશે તો, મનેય પડતો શક
કો’ક લખાવી જાય છે ને, માનું મારો હક

(તો) થશે કો’ક દી ટસલ
ગીત લખું કે ગઝલ!

ગઝલ – બકુલેશ દેસાઇ

childhood(ગૂમ થયેલું શૈશવ..  )

————–

પડ હેઠળથી, પડ હેઠળથી, પડ નીકળે છે
નીરસ દિવસ – રાતો આડેધડ નીકળે છે

ગુમ થયું ક્યાં શૈશવ, ક્યાંક સગડ નીકળે છે?
પીછો કરતી પાકટતા અણઘડ નીકળે છે !

હા ને ના – ની વચ્ચે ખેંચ-પકડ નીકળે છે
રેશમ રિશ્તે પણ ગાંઠો સજ્જડ નીકળે છે

કોણ કહે છે : લીલી સૂકી વારા ફરતી
કાળી મહેનત અંતે સુક્કુ ખડ નીકળે છે

હા કે ના નો મતલબ એક જ થાય ખરો કે ?
એની વાતે ના માથું ના ધડ નીકળે છે !

હાથ મિલાવો, ચૂમો કે હળવે આલિઁગો
ચાહે તે રૂપમાં સંબંધ બરડ નીકળે છે. 

લાગણી-યાદો કંઇ નહિ એવા સ્ટેજ ઉપર હું
શ્વાસોના છેલ્લા દ્રશ્યે ભડભડ નીકળે છે.

બજે તાલ મંજીરા ઢોલ રે ભવાની માં – અવિનાશ વ્યાસ

ગુજરાતી ગરબાઓ જો આપણે આખુ વર્ષ સાંભળતા હોઇએ, તો આ ચૈત્ર નવરાત્રી વખતે કંઇ ગરબા વગર ચાલે?

આ ગરબામાં સ્વર – સંગીતનો એવો તો જાદુ છે કે હું જેટલી વાર સાંભળું એટલી વાર ૨-૩ વાર તો સાંભળવો જ પડે છે.. અને નવરાત્રી હોય કે ના હોય, ગરબે રમવાની ઇચ્છા થઇ જ જાય છે.

સ્વર : રેખા ત્રિવેદી

navratri

( picture by Meghna Sejpal )

.

બજે તાલ મંજીરા ઢોલ રે ભવાની માં
જોગણીયું સૌ ડોલે મનમાની માં
ગબ્બરને હીંડોળે
રમવા આવો ને માં, અમારે મ્હોલે

તોરણ બાંધ્યા શેરીને પોળે રૂપાળી માં
મસ્તક તારે ખોળે બિરદાળી માં
જનમ જનમને કોલે
રમવા આવો ને માં, અમારે મ્હોલે

માં..
પહેરી પગમાં પાવડી
તમે આવો ને રમવા માવડી
છે અંતર આશ આવડી
તમે તારો અમારી નાવડી

તુજ ભક્તિ ભરી રસ છોળે હેતાળી માં
તનમનિયા તરબોળે મતવાલી માં
હૈયું ઝંખી ઝોળે
રમવા આવો ને માં, અમારે મ્હોલે

માં
ચોસઠ ચોસઠ જોગણી
એની આંખ્યું ઝુરે છે વિજોગની
રત રઢિયાળી રમે બિરદાળી
આજ તાળી બજે છે ત્રિલોકની

નૈના તરસ્યા તુજ ને ખોળે કૃપાળી માં
સ્વપ્ન મહીં ઢંઢોળે મહાકાળી માં
આતમ અંબા ખોલે
રમવા આવો ને માં, અમારે મ્હોલે

લિમીટ – કૃષ્ણ દવે

MEERA[1]

ધારે તો સ્ક્રીનપર એ તમને જ ફીટ કરી દે.
ધારે તો મૂળમાંથી તમને ડિલીટ કરી દે.

જાણે છે એમને જે, તૈયાર સૌ રહે છે
કોને ખબર એ ક્યારે કોને રીપીટ કરી દે.

મોકલ હજુયે મોકલ આનાથી ઘૂંટ કાતિલ
પીનારનો ભરોસો એનેય સ્વીટ કરી દે.

અવગણ નહી તું એને ક્ષણને વિરાટ પગ છે
બે ચાર સ્ટેપ મૂકે તારી લિમીટ કરી દે.

શંકાની ન્યાત આખ્ખી હંમેશ ફ્લોપ ગઇ છે
ટાણુ એ સાચવી લે, શ્રધ્ધાને હિટ કરી દે.

દેખાય ધૂંધળું તો લ્યો આ ગઝલને પહેરો
દ્રષ્ટીનો ભેદ ભાંગે, દ્રશ્યોને નીટ કરી દે.

જિંદગીનો આ ટુંકસાર… – મુકુલ ચોક્સી

સ્વર : મેહુલ – નુતન સુરતી
સંગીત : મેહુલ સુરતી

kinaro.jpg

.

જિંદગીનો આ ટુંકસાર છે
ન કિનારો ન મઝધાર છે

જેઓ બીજાનો આધાર છે
તેઓ પોતે નિરાધાર છે

કોઇ જીવે છે ભૂતકાળમાં
કોઇ પળ ભાવીનો ભાર છે

આજ કંઇ પણ નવું ન બન્યું
એ જ મોટા સમાચાર છે

—————

આ ગઝલનો છેલ્લો શેર વાંચી મને ભરતભાઇનો આ શેર ચોક્કસ યાદ આવે

એક દિ’ અખબાર કોરું આવશે
એક દિવસ થઇ જશે કંઈ ના થવું

કોઇ નક્કર જાણકારી… – ડૉ. મહેશ રાવલ

vslaank.jpg

ખુદ મને પણ, ભાળ મારી ક્યાં મળી છે ?
દરઅસલ, શંકા ય સારી ક્યાં મળી છે ?

છે વળાંકો ઓળખીતાં એ ખરું ! પણ
કોઇ નક્કર જાણકારી ક્યાં મળી છે ?

કેટલી ડમરી ચડી, ને ઊતરી ગઇ
ધૂળ પણ, અહીં એકધારી ક્યાં મળી છે ?

લોથ ઢળતી હોય છે, ઇચ્છા નગરમાં
કોઇ પાસેથી કટારી ક્યાં મળી છે ?

અબઘડી નીકળી પડું, સઘળું ત્યજીને
પણ, હજુ સંજ્ઞા તમારી ક્યાં મળી છે ?

રે…. વણઝારા…… – વિનોદ જોષી

એક વર્ષથી પણ વધુ સમયથી આ ગીત ટહુકો પર ગુંજે છે. CD cover પરથી માહિતી લઇને આ ગીત મેં ઉદય મઝુમદારના સ્વરાંકન તરીકે રજુ કર્યું હતું.

આ પહેલા પણ જેમણે આ ભુલ તરફ નિર્દેશ કર્યો હતો, એમની અને શ્રી સુરેશભાઇની માફી માંગી આ ગીત હવે ફરીથી રજું કરું છું.

સ્વર : મીનાક્ષી શર્મા
સંગીત : સુરેશ જોષી

rajasthani_belle_PI59_l

.

રે…. વણઝારા……
રે…. વણઝારા……

તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ,
મને બદલામાં વેણી લઇ આપ.

રે…. વણઝારા……

પાથરણા આપું તને આપું પરવાળા,
પૂનમ ઘોળીને પછી આપું અજવાળા…

રે…. વણઝારા……

તારી મોજડીએ તોડી મારી મોતીની પાળ,
મને બદલામાં દરિયો લઇ આપ.

રે…. વણઝારા……

રાજપાટ આપું તને આપું ધબકારા,
પાંપણની પાંદડીના આપું પલકારા…

રે…. વણઝારા……

તારા ટેરવે તણાયા મારા કમખાના ઢાળ,
મને બદલામાં ટહુકો લઇ આપ.

મુક્તકો – રઇશ મનીઆર

332372292_7db5e4cef4_m.jpg

ગઝલમાં જીવનનો મરમ વ્યક્ત કરીએ,
કે સત્યમ્ શિવમ્ સુંદરમ્ વ્યક્ત કરીએ;
આ મત્લાથી મક્તા સુધીની નમાજો
પઢી લઇ અમે તો ધરમ વ્યક્ત કરીએ.

———————————

કોરા કાગળ ઉપર બસ સખી રે! લખ્યું,
એથી આગળ નથી મેં લગીરે લખ્યું,
આપણે ક્યાં કદી કંઇ લખ્યુ છે ‘રઇશ’!
એક મીરાએ લખ્યું, એક કબીરે લખ્યું.

ગોરી મોરી – ઉમાશંકર જોષી

ફાગણ જાય અને ચૈત્ર આવે એ પહેલા આ ગીત સાંભળી લઇએ ને ?… (આભાર : ઊર્મિસાગર.કોમ)

સંગીત : ભાઇલાલભાઇ શાહ
સ્વર : પ્રણવ મહેતા, બીના મહેતા
Album : ગોરી મોરી

kesudo.jpg

.

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.

ગોરી મોરી,હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે લોલ;
વ્હાલા મોરા,ઝૂલ્યો મેલ્યો ન જાય કે ઝૂલશું જિંદગી રે લોલ.

ગોરી મોરી,ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રે લોલ;
વ્હાલા મોરા, આ શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે લોલ.

ગોરી વ્હાલે મેલી આંબલીયાની ડાળ કે ચાલ્યાં ચાકરી રે લોલ;
લાગી ઊઠી વૈશાખ-જેઠની ઝાળ કે વેળા આકરી રે લોલ.

આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય, ગોરીનો ભીંજ્યો કંચવો રે લોલ;
વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે લોલ.

આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી, આંખડી રે લોલ;
વ્હાલા મોરા,બીજની ન કરજે ત્રીજ, ભીંજાતી મેં અંહી ખડી રે લોલ.