થાક લાગ્યા છે! – ઉશનસ્

વગર ચાલ્યે જ, શય્યામાં જ જાણે પગ ભાંગ્યા છે
વીતેલા લાખ ભવના સામટા કંઇ થાક લાગ્યા છે.

ખરું કહું? છેક આદિથી ખડે પગે ઊંચકી પૃથ્વી
સૂરજની લાયમાં છાયા વગરના થાક લાગ્યા છે!

ગયા જન્મેય ‘માણસ’ નામની જાતે હું જન્મયો હઇશ
નહીં તો આવડા તે હોય, આ જે થાક લાગ્યા છે!

બહુ વપરાય લાગે ઢીલાઢસ તાર જંતરના,
પ્રણય જેવા પ્રણયમાંયે હ્રદયને થાક લાગ્યા છે!

ભલા, ખુદ ચાલવાથી શું ચરણને થાક લાગે કે?
અરે ચાલ્યું ગયું કોઇ અને અહીં થાક લાગ્યા છે!

તમે મનરથ લઇ ખોડાઇ ઊભા રહી જુઓ ઉમરે,
નર્યા હોવાપણાના ચાકમાં આ થાક લાગ્યા છે!

નહીં તો કેટલા હળવા હવાના શ્વાસ? પણ ઉશનસ્
બિચારે બે’ક લીધા, ના લીધા ત્યાં થાક લાગ્યા છે!

એવું કૈં કરીએ – રમેશ પારેખ

2 દિવસ પહેલા ધવલભાઇએ આ ગીત લયસ્તરો પર મુક્યું, એટલે આ ગમતીલું ગીત ફરીથી યાદ આવ્યું. જ્યારે પહેલીવાર સાંભળ્યુ, ત્યારે કદાચ આખો દિવસ આ એક જ ગીત સાંભળ્યું હતું. ખરેખર ઇચ્છા થઇ ગઇ હતી કે ગોફણમાં ચાંદો ઘાલીને ફેંકુ એના ફળિયે.. 🙂

સ્વર : ઝરણા વ્યાસ
સંગીત : ઉદ્દયન મારુ
Album : નિર્ઝરી નાદ

chando

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !

હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,
ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ !

શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?

દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે

સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ !

—————————————–

Happy Wedding Anniversary to a very special couple.. 🙂

રઢિયાળી ગુજરાત – માધવ ચૌધરી

સૌને મારા તરફથી ‘ગુજરાત દિન’ની હાર્દિક શુભેચ્છાઓ…

સ્વર : નરેશ ખંભાતી
સંગીત : મેહુલ સુરતી

રઢિયાળી ગુજરાત
અમારી રઢિયાળી ગુજરાત!
વીરનરોની માત
અમારી રઢિયાળી ગુજરાત!

કીર્તિ તણી સૌરભ પ્રસરતાં ગરવાં તારાં બાળ,
ગાંધી વલ્લભ સપૂત તારા, ભારતતારણહાર!
દેશ થયો રળિયાતઃ
અમારી રઢિયાળી ગુજરાત!

દયાનંદ સ્વામીએ સ્થાપ્યો રૂડો આર્ય સમાજ,
દલપતરામ-કવિ નર્મદને કર્યાં કીર્તિનાં કાજ;
કૂખ દીપાવે માતઃ
અમારી રઢિયાળી ગુજરાત!

———————————————————

સાથે સાંભળો :

અમે યુ.એસ.એ. ના રહેવાસી…. – ચન્દુ મટ્ટાણી

ગુજરાત, આપણું વ્હાલ અને વૈભવ…

ગુણવંતી ગુજરાત …. – અરદેશર ખબરદાર ‘અદલ’

સદાકાળ ગુજરાત – અરદેશર ફ. ખબરદાર ‘અદલ’

સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની…

કંકોતરી -આસીમ રાંદેરી

કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે,
એને પસંદ છો હું નથી, શાયરી તો છે,
વર્ષો પછી યે બેસતા વરસે એ દોસ્તો,
બીજું તો નથી એમની કંકોતરી તો છે!

– અમૃત ‘ઘાયલ’

card1274

.

મારી એ કલ્પના હતી કે વિસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે.

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ.

રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ.

જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
સિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે.

જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે.

દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે,
કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

આસીમ હવે વાત ગઇ, રંગ પણ ગયો…
તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો…
હાથોની છેડછાડ ગઇ, વ્યંગ પણ ગયો…
મેળાપની એ રીત ગઇ, ઢંગ પણ ગયો…

હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
એ પારકી બની જશે હું એનો એજ છું.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

છોડી દે – નીતિન વડગામા

એક બે ત્રણ ચાર છોડી દે.
ઊગતો અંધકાર છોડી દે.

તોજ નમણી નિરાંત નિરખાશે,
તુ તને બારો બાર છોડી દે.

આપમેળેજ આવી મળશે એ,
અહર્નિશ એના વિચાર છોડી દે.

આજની મહેકજ માણી લે,
કાલનો ઘેઘૂર ભાર છોડી દે.

હાથમાં લેવું પડે હલેસું પણ ,
માત્ર મનનો મદાર છોડી દે.

સુખની ચાવી તનેય સાંપડશે,
એક અમથી નકાર છોડી દે.

છેડ છાડ ઝાઝી તું રહેવા દે,
સ્હેજ છેડીને તાર છોડી દે.

પ્રાણ પ્રગટી જશે સ્વયંય એમાં,
શબ્દની સારવાર છોડી દે.

આવ્યું ટહુકે ટહુકવાનું ટાણું ! – તુષાર શુક્લ

વ્હાલમનું વ્હાલ જાણે વરસે ગુલાલ
એને કેમ કરી રાખવું છાનું?
સખીરી ! આવ્યું ટહુકે ટહુકવાનું ટાણું !

લજ્જાનો લાલ રંગ, કાજળનો કાળો
બેઉએ આંખડીમાં ગુંથ્યો છે માળો
એના રંગમાં આ હૈયું રંગાણું !

જંતર વાગે ને જીવમાં ઓરતાઓ જાગે
અંતર આ ઉંબરાને ઓળંગવા માગે
એને મળી ગયું મનગમતું બાનું !

સામેની મેડી મારી માડીથી અજાણી
એમાં છુપાયો મારા દલડાનો દાણી
મારું હૈયું કહે તે હું તો માનું !

 

એક સથવારો સગપણનો – વેણીભાઇ પુરોહિત

26મી જાન્યુઆરી ના દિવસે શબ્દો સાથે મુકેલું આ ગીત, આજે 26મી એપ્રિલના દિવસે ફરી એકવાર – સુર અને સંગીત સાથે..

સ્વર ઃ આશિત – હેમા દેસાઇ
સંગીત ઃ ક્ષેમુ દિવેટિયા

.

એક સથવારો સગપણનો
મારગ મજીયારો બે જણનો
… એક સથવારો …

આંખલડીના દીવા રે દીવા અજવાળાં અજવાળાં
વાંસલડીના ટહુકા રે ટહુકા પરવાળાં પરવાળાં

એક અણસારો ઓળખનો
એક ઝમકારો એક ક્ષણનો
… એક સથવારો …

ખબર નથી પણ અમથું અમથું લાગે વ્હાલું વ્હાલું
મેઘ ધનુષ્યની જાદુઇ રંગત, શું ઝીલું શું ઝાલું

એક ધબકારો રુદિયાનો
એક પલકારો પાંપણનો
… એક સથવારો …

સપનાની સંગતથી કેવું આખું ગગન ગુલાબી
ગુલાલની ગલીઓમાં ચાલો શું જમણી શું ડાબી

એક ફણગો છે ફાગણનો
એક તણખો છે શ્રાવણનો
… એક સથવારો …

પધારો વસંતો… આ આંગણ સજાવો..!! – કમલેશ સોનાવાલા

સ્વર : રૂપકુમાર રાઠોડ, સોનાલી વાજપાઇ

.

વીતી ગયો છે દિન બધો,
છતાં અજવાસ બાકી છે,
પ્રણયની કે પ્રલયની એ,
હજી એક રાત બાકી છે.

મચલતી હવાઓ, લચકતી લતાઓ
છલકતી જુવાની, ગુલોથી વધાવો….
પધારો વસંતો… આ આંગણ સજાવો..!!

લટકતી લટોથી ન નજરો બચાવો
ઉઠાવો મિલાવો ઝુકેલી નિગાહો
જો બદલાય મૌસમ ન બદલો અદાઓ
પધારો વસંતો… આ આંગણ સજાવો..!!

અગન છે દિલોમાં, દિલોને મિલાવો
કરી છે જે વાતો, ન એને ભુલાવો
રસીલી તમારી રિસાઇ, મનાવો…
પધારો વસંતો… આ આંગણ સજાવો..!!

દિવાલો બની છે ત્યાં ઘરને વસાવો
બનીને દુલ્હનિયા આ ડેલામાં આવો
ભરી સેંથી સિંદૂર દીવો તો જગાવો
પધારો વસંતો… આ આંગણ સજાવો..!!

– કમલેશ સોનાવાલા

સળગી ઉઠ્યો કિનારો – શયદા

sunset.jpg

એવો તે શું થયો મજધારે દોષ મારો;
પગ મુકતાંની સાથે સળગી ઉઠ્યો કિનારો.

ફાંફાં હજાર મારે છૂટે નહીં કિનારો;
ઊછળી રહ્યો છે સાગર પણ બિચારો.

જ્યાં ત્યાં ઝુકી ઝુકીને સીજદા કર્યા હજારો;
એથી જ તો ગયો છે એળે જનમ અમારો.

શાને હજારોમાં તું હૈયાસુનો ફરે છે?
જા, એકને શરણ જા, છે એકમાં હજારો

શાને વિચાર બીજા સંગીતના કરું હું;
ઉરમાં અગમ નિગમનો ગુંજે છે એકતારો.

પગ ઝાંઝરી વગાડી મધરાતના આ કોણે?
રગરગની ઝણઝણે છે શાથી બધી સિતારો.

કોની અજાણ દ્રષ્ટિ નર્તન કરી રહી છે;
શાથી ઝુમી રહ્યા છે બ્રહ્માંડ કૈં હજારોગ .

વામન બની જા પહેલે મળશે વિરાટ પદવી;
ભૂવ્યોમ માપવાના કરજે પછી વિચારો.

જીવન પછી છે મૃત્યુ, મૃત્યુ પછી છે જીવન;
ઘટમાળા એની એ છે એના તે શા વિચારો.

ખારાશ જો નથી તો જીવન મીઠાશ શું છે?
શાને કરે છે નિંદા સાગર કહીને ખારો?

તું કાલને ભરોસે શાને જીવન ગુમાવે;
આજે જ લે કરી બસ નિજ પાપમાં વધારો.

બીજાનો દોષ કાઢું એવો હું મુર્ખ ક્યાં છું;
મુજને ખબર છે સાથે, રક્ષક હતો લૂંટારો.

આથીએ વધારે ‘શયદા’ સદ્ભાગ્ય તે હશે શું?
તારા રૂદનથી માનવ હસતાં થયા હજારો.

Asha – Lata duets….. (part-1)

એક દિવસ અચાનક મારુ એક ઘણું જ ગમતું, પણ ઘણા વખતથી શોધવા છતાં જે નથી મળ્યું, એ ગીત યાદ આવ્યું, અને google કર્યું તો કંઇ બીજું જ અનાયાસ મળી ગયું …. અને એ હતું – The full (?) list of Asha – Lata duets..!!

legendary%20lata%20asha%20cdઆ બંને બહેનોના અવાજ વગર હિંદી ફિલ્મોનું સંગીત ખરેખર અધુરુ જ કહેવાય.. લતા મંગેશકર કે આશા ભોંસલે, એક જ નામ બસ હોય છે સુરોનો જાદુ રેલાવવા માટે. અને આ બંને સુર જ્યારે ભેગા થાય, ત્યારે… આહા…

બીજાનું ખબર નથી, પણ મને હંમેશા એમના duets એકદમ special, fascinating લાગ્યા છે.

અને જ્યારે મને આખુ list મળ્યુ, ત્યારે ખબર પડી કે મને ખબર હતી, એના કરતા દસ ગણા વધારે ગીતો એમના joint account માં credited છે.
તો આજે મજા લઇએ એ special ગીતોની… ( આ તો એક ઝલક માત્ર જ છે… બધા જ ગીતો તો ધીમે ધીમે આવશે ટહુકો પર. )

  • ए काश किसी दिवानेको, हमसे भी मुहोब्बत हो जाये…

———————–

  • मन क्युं बहेका रे बहेका आधी रातको….

———————–

  • मेरे महेबूबमें क्या नहीं…

———————–

  • जब जब तुम्हे भुलाया, तुम और याद आये….

આ ગઝલની mp3 હું ઘણા વર્ષોથી શોધું છું, અને આટલા વર્ષોની શોધ પછી audio નહીં પણ video મા ગઝલ મળી. તો એ જ માણીયે… ( કોઇ પાસે mp3 હોય અને મોકલી શકે તો મજા આવી જાય.. 🙂 )

ફિલ્મ ‘જહાંઆરા’ની આ ગઝલ શરૂ થાય છે એ જ ફિલ્મની એક બીજી ગઝલના 2 શેરથી… આ ગઝલના સ્વર – શબ્દો અને સંગીતમાં ખરેખર જાદુ છે… આ જ ગઝલની પ્રથમ પંક્તિઓ કદાચ હું આ ગઝલ માટે કહી શકું – જાતે નહીં હૈ દિલ સે, અબ તક તુમ્હારે સાયે….!!

(આ પોસ્ટ ટહુકો પર આવ્યાને હજુ તો 5 કલાક પણ નો’તા થયા, અને એક વાચકમિત્રે (એટલે કે શ્રોતામિત્રે) આ ગઝલ મોકલી પણ દીધી – એમનો હ્રદયપૂર્વક આભાર માની, આ ગઝલની ઓડિયો-વિડિયોની મજા લઇએ)


https://www.youtube.com/watch?v=PWZKmBs6WgE

———————–

અને જ્યાંથી મને ‘આશા-લતા’ ના ગીતોનું આખુ list મળ્યું, એ ખજાનાની ચાવી જોઇએ છે? 😀

http://www.india-forums.com/forum_posts.asp?TID=857657

આ વેબસાઇટ પર એવા ઘણા ગીતોના video પણ છે જે આજ સુધી જોયા કે સાંભળ્યા ના હોય (at least, મારા જેવા નવા નિશાળીયાઓએ).

તમારી પાસે આ ત્રણ વસ્તુઓ હોય તો સમજોને કે દિવસ સુધરી જ ગયો.. 🙂

– Broadband Internet Connection
– સમય
– જુના, અને ખાસ કરીને ‘આશા-લતા’ના ગીતો માટે લગાવ.