Category Archives: પંકજ ઉધાસ

ખરા છો તમે – કૈલાસ પંડિત

સ્વર : પંકજ ઉધાસ
આલ્બમ : રજુઆત

alone.jpg

.

દ્વાર ખખડ્યું કે વિચાયું ખોલતા
એ જ મળવાને મને આવ્યા હશે
મેં પછી સમજાવતા મુજને કહ્યું
આટલી રાતે તો એ હોતા હશે ?

– કૈલાસ પંડિત
——-

ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન આપણું
બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું

– ઉમ્મર ખૈયામ ( અનુવાદ : શૂન્ય પાલનપુરી)
—- —–

ઘડીમાં રીસાવું, ખરાં છો તમે.
ઘડીમાં મનાવું, ખરાં છો તમે.

ન પૂછો કશું યે, ન બોલો કશું યે,
અમસ્તા મુંઝાઓ, ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો છો,
અમારે ક્યાં જાવું, ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા, ભુંસાઇ ગઇ.
નવી ક્યાંથી લાવું, ખરાં છો તમે.

આદમથી શેખાદમ સુધી – શેખાદમ આબુવાલા

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

taj

અહીં છે એવો સરંજામ નથી મળવાનો
તુટ્યો ફૂટ્યો ત્યાં કોઇ જામ નથી મળવાનો
લાખ જન્નત તું દેશે મને મારા ખુદા
મારા ઘર જેવો ત્યાં આરામ નથી મળવાનો

સ્વર : પંકજ ઉધાસ
આલ્બમ : રજુઆત

.

માનવીને આ જગત આદમથી શેખાદમ સુધી
એજ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી.

એજ ધરતી એજ સાગર એજ આકાશી કલા
એજ રંગીલી રમત આદમથી શેખાદમ સુધી.

રૂપનું રંગીન ગૌરવ પ્રેમના લાચાર હાલ
એજ છે(લાગી શરત) આદમથી શેખાદમ સુધી.

મોતને શરણે થવામાં સાચવે છે રમ્યતા
જિંદગીની આવડત આદમથી શેખાદમ સુધી.

ફૂલમાં ડંખો કદી કયારેક કાંટામાં સુવાસ
લાગણીની આ રમત આદમથી શેખાદમ સુધી.

બુધ્ધિની દીપક ના સામે ઘોર આંધારા બધે
એએક સત બાકી અસત આદમથી શેખાદમ સુધી.

બુધ્ધિ થાકી જાયતો લેવો સહારો પ્રેમનો
સારી છે આ બૂરીલત આદમથી શેખાદમ સુધી.

મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી
જિંદગીની માવજત આદમથી શેખાદમ સુધી.

જિંદગી પર રૂપ યૌવન પ્રેમ મસ્તી ને કલા
સૌ રહ્યા છે એક મત આદમથી શેખાદમ સુધી.

કોઈના ખોળે ઢળી છે કે પોઢી ઠંડક પામવા
માનવી છે યત્ન રત આદમથી શેખાદમ સુધી.

રંગ બદલાતા સમયના જોઇ દિલ બોલી ઉઠ્યું
’શું ખરું ને શું ગલત આદમથી શેખાદમ સુધી.

મુલાકાત પહેલી હતી – શોભિત દેસાઇ

બચ્યા છે કેટલા ? એ શબ્દ પણ ગણી લઉં છું
છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું
ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા
તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું

સ્વર : પંકજ ઉધાસ
આલ્બમ : રજુઆત (પંકજ ઉધાસનું પ્રથમ ગુજરાતી ગઝલોનું આલ્બમ)

.

રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી
મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી

આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો
છોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી

મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો હતો મૌનનો આશરો
એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી

જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂરના જઇ શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢુ છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી

 – શોભિત દેસાઇ

હું કશુંક પી ગયો છું…. – ગની દહીંવાલા

જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીવો
કાં પ્રિયા કાં યાર બુધ્ધિમાનની સાથે પીવો
ખૂબ પી ચકચૂર થઇ, જગનો તમાશો ના બનો
કમ પીવો છાની પીવો પણ ભાનની સાથે પીવો
– ઉમર ખૈયામ અનુ.’શૂન્ય’ પાલનપુરી

સ્વર : પંકજ ઉધાસ

holding hands

.

ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.

જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું,
કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.

હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,
ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.

આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,
કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.

નથી કાંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો,
નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.

બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જિવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.

’ગની’ પર્વતોની આગળ આ રહ્યું છે શીશ અણનમ,
કોઈ પાંપણો ઢળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું.

આભાર : જયદીપનું જગત

લાજ રાખી છે – કૈલાસ પંડિત

સ્વર : પંકજ ઉધાસ

આલ્બમ : રજુઆત
laaj raakhi

.

ન આવ્યું આંખમાં આંસુ, વ્યથાએ લાજ રાખી છે
દવાની ગઇ અસર ત્યારે, દુવા એ લાજ રાખી છે

તરસનું માન સચવાયું ફક્ત, તારા વચન ઉપર
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે

ઘણું સારું થયું આવ્યા નહીં, મિત્રો મને મળવા
અજાણે મારી હાલતની, ઘણા એ લાજ રાખી છે

પડી ‘કૈલાસ’ના શબ પર, ઉડીને ધૂળ ધરતીની
કફન ઓઢાળીને મારી, ખુદાએ લાજ રાખી છે