મેં તો પાપડ બાંધ્યા ને આવી ઝરમરતી ઝૂલ.. – ભગવતીકુમાર શર્મા

 

મેં તો પાપડ બાંધ્યા ને આવી ઝરમરતી ઝૂલ, હવે કેમ કરી તડકા તડાવવા?
કાળમીંઢ વાદળીને કરગરી હું થાકી, વળી કાંચળીના મોરને શેં ટોકવા?

કોરું આકાશ જોઇ સહિયર બરકી’તી : ‘હાલ્ય, ગાશું ને વેલણ વટકાવશું
કાંસાની થાળી પે ગોરી હથેળીઓની મેંદીની ભાતને તરાવશું’

રેઢાં પડ્યાં’તા મારા વેલણ ને આડણી, અટકેલાં ગાણાં ક્યાં માંડવા?
મેં તો પાપડ બાંધ્યા ને આવી ઝરમરતી ઝૂલ, હવે કેમ કરી તડકા તડાવવા?

છાપરે ચડીને હું તો છંટાઇ છાકથી, ધાર એવી સોંસરવી ઉતરી !
કોરી અગાશીમાં તડતડતાં ફોરાંએ ફોરમની ઓકળીઓ ચીતરી !

ભર રે ચૈતરમાં રેલ્યો આષાઢ : હવે દિવસોને કેમ કરી ઠેલવા ?
મેં તો પાપડ બાંધ્યા ને આવી ઝરમરતી ઝૂલ, હવે કેમ કરી તડકા તડાવવા?

બપોરી વેળ સહેજ ઝોલે ચઢું ત્યાં સુણું પગરવ લીલાશને ઉંબરે
શેઢેથી સંચરીને ફળિયે ફોરેલ સૂર પાવાના એવા મુંને આવરે !

પાછળથી આવીને પોપચાં દબાવતાંને કાઢવાના મન ક્યાંથી લાવવા ?
મેં તો પાપડ બાંધ્યા ને આવી ઝરમરતી ઝૂલ, હવે કેમ કરી તડકા તડાવવા?

4 replies on “મેં તો પાપડ બાંધ્યા ને આવી ઝરમરતી ઝૂલ.. – ભગવતીકુમાર શર્મા”

  1. આપણા જીવનનો ઘણાનો મિઠ્ઠો અનુભવ..પાપડના ગુંડલા ખાવાનો…પિન્કીબેને કીધું તેમ યાદ કરો ત્યારે આવે મોંમા પાણી..પાપડ સુકવતી વખતે પણ ભાંગી ગયો હતો ને મમ્મી એટલે ખાધો છે હો..આવી પાપડની વાત તો અમિતાભ બચ્ચનની જુની મુવી “યારાના” કચ્ચા પાપડ…પક્કા પાપડ..યાદ આવ્યું ને એકલી હસી પડી…!

  2. ‘મેઁ તો પાપડ બાઁધ્યા ને આવી ઝરમરતી ઝૂલ…
    હવે કેમ કરી તડકા તડાવવા ? ‘
    અણધારી ઘટના માટે તૈયાર રહો! આપણા જીવનનો ઘણાનો અનુભવ સુંદર રીતે ગીતમાં વણ્યો.
    યાદ આવ્યું લોકગીત-
    પટેલને ત્યાં પાપડ વણવા ગ્યાં’ તાં મા ! ગ્યાં’તાં મા !
    એક પાપડ ચોર્યો મા ! ચોર્યો મા !
    ઘંટી હેઠળ ઘાલ્યો મા ! ઘાલ્યો મા !
    રોટલા ઘડતાં શેક્યો મા ! શેક્યો મા !
    ભેંસ દોતાં ખાધો મા ! ખાધો મા !

  3. વાહ્….
    indiaમા એક તો season ચાલે જ
    પાપડ, કાતરીની અને એમાં આ ગીત….
    અને મનવંત અંકલે તો મોંમાં પાણી લાવી દીધું…….

  4. મેઁ તો પાપડ બાઁધ્યા ને આવી ઝરમરતી ઝૂલ…
    હવે કેમ કરી તડકા તડાવવા ?
    પાપડનુઁ ગુલ્લુઁ તો યાદ આવે જ ને ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *