Category Archives: હરીશ મિનાશ્રુ

સાધો, મુરશિદ નર્યો નઠારો – હરીશ મીનાશ્રુ

સ્વર : શેખર સેન
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

સાધો, મુરશિદ નર્યો નઠારો,
એક કીડીને માથે મુક્યો કમળતંતુનો ભારો.

મહિયારણની માફક એ તો
હરિ વેચવા હાલી,
વણકર મોહી પડયો તો રણઝણતી
ઝાંઝરીઓ આલી;

ચૌદ ભુવનને ચકિત કરે એવો એનો ચટકારો.

બધું ભણેલું ભુલવાડી દે
એવો એક જ મહેતો,
ત્રિલોકની સાંકળ ભાળી
કીડીના દરમાં રહેતો;

નથી કોદરા કોઠીમાં, કેવળ કંઠે કેદારો.

– હરીશ મીનાશ્રુ

સાધો, હરિ સંગે હરીફાઈ – હરીશ મીનાશ્રુ

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીતઃ અમિત ઠક્કર
આલ્બમ: હરિને સંગે

.

સાધો, હરિ સંગે હરીફાઈ
જીતી જશું તો હરિ જીત્યાની કરશું આપબડાઈ…. સાધો…

હારી જઈશું તો ઈડરિયો
…..ગઢ ધરશું હરિચરણે,
કામદૂધા દોહી દોહી
……હરિરસ ભરશું બોધરણે….
ભગતિ તો જૂગટું છે, હાર્યો રમશે રમત સવાઈ…. સાધો….

અનંતની ચોપાટ પાથરી
…….હરિએ ફેંક્યા પાસા,
અમે જીત્યા તો ઢોલ વજાડો
……. હરિ જીતે તો ત્રાંસા.
છેક છેવટ હાર કબૂલી જાશું સ-રસ રિસાઈ…. સાધો…

– હરીશ મીનાશ્રુ

સાધો, હરિવરના હલકારા… – હરીશ મીનાશ્રુ

સાધો, હરિવરના હલકારા સાંઢણીએ ચઢી હલકથી આવે, લઈ ચલે બાવન બ્હારા

અમે સંતના સોબતિયા નહીં જાદુગર કે જોશી,
ગુજરાતી ભાષાના નાતે નરસિંહના પાડોશી;
એની સંગે પરમસ્નેહથી વાડકીના વ્યવહારા….. સાધો, હરિવરના હલકારા

ભાષા તો પળમાં જોગણ ને પળમાં ભયી સુહાગી,
શબદ એક અંતર ઝકઝોરે ગયાં અમે પણ જાગી;
જાગીને જોઉં તો જગત દિસે નહીં રે દોબારા….. સાધો, હરિવરના હલકારા

સાધો, હરિવરના હલકારા સાંઢણીએ ચઢી હલકથી આવે, લઈ ચલે બાવન બ્હારા

– હરીશ મીનાશ્રુ

મને સુક્કા કદંબનું તે પાંદડું કહે – હરીશ મિનાશ્રુ

સ્વર: ઝરણા વ્યાસ
સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ

મને સુક્કા કદંબનું તે પાંદડું કહે
મને ગોકુળ કહે તો તને મારા સોગંદ,
મને મોરલી કહે કે મોર પીછું કહે
મને માધવ કહે તો તને મારા સાગંદ.

કેમ કરી આંસુને ઓળખશે ભાઈ?
હું તો પાણીમાં તરફડતી માછલી.
જીવતરની વારતામાં ગૂંથેલી ઘટના તો
ખાલીખમ શ્રીફળની કાચલી.

જીવ સોંસરવી ઘૂઘવતી વેદનાને અમથુંયે
દરિયો કહે તો તને મારા સોગંદ.

વેણુંમાં ફરફરતા આદમ ને ઇવ
જાણે સૂક્કેલા પાંદડાની જાળી,
ચપટી વગાડતાંમાં ઊડી ગઇ ક્યાંક
મારા ભેરુબંધોની હાથતાળી.

મને ડૂમો કહે કે ભીનું ડૂસકું કહે
મને માણસ કહે તો તને મારા સોગંદ.