મારા પ્રભુ તો નાના છે….

આજે આ મઝાનું બાળગીત… બાળપ્રાર્થના… અને એક નાનકડાને આ સાથે ખૂબ ખૂબ વ્હાલ સાથે અઢળક અઢળક જન્મદિવસની શુભેચ્છાઓ..! Happy Birthday, Ishan..! 🙂

કવિ – ?
સ્વરકાર – ?
સ્વર – મેઘધનુષ આલ્બમના બાળ કલાકારો
આલ્બમ – મેઘધનુષ

મારા પ્રભુ તો નાના છે,
દુનિયાના એ રાજા છે.

આભે ચડીને ઊભા છે,
સાગર જળમાં સૂતા છે.

યમુના કિનારે બેઠા છે,
મીઠી બંસી બજાવે છે.

પગમાં ઝાંઝર પહેર્યા છે,
છનનન છનનન નાચે છે.

– કવિ ?

મોસમનો પહેલો ગરમાળો – વિવેક મનહર ટેલર

કેસુડો…. ગુલમ્હોર… અને આજે ગરમાળો..!! આમ તો હજુ ઉનાળાને થોડી વાર છે – પણ जब छिड़ी रात बात फूलो की….

આમ તો વિવેકની બધી ગઝલો સાથે એણે પોતે પાડેલો ફોટો મુકુ છું – પણ આજે એના તરફથી કંઇક બીજું જ લઇ આવી..! સાંભળો આ પળચટ્ટી ગઝલ – ડોક્ટર સાહેબના પોતાના સ્વરમાં પઠન સાથે..! અને ખાસ આભાર પ્રીતિ ભટ્ટનો – આ મઝાના ફોટા માટે…

મોસમનો પહેલો ગરમાળો !.... Photo: Priti Bhatt

પીળઝાણ નજરો ને પીળચટ્ટા શબ્દો ને પીળપદા શ્વાસનો શો તાળો ?
હો, મને વૈદ કને ન લઈ ચાલો, જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !

વર્ષ આખું ઊભ્ભો’તો લીલી પ્રતીક્ષા લઈ, પહેલી પીળાશ ફૂટી આજે;
પીળી આંખોમાં હવે પીળી આવે છે ઊંઘ, પીળવત્તર સપનાંઓ આવે,
પીળુકડા સૂરજની પીળમજી ડાળો પર પીળક* બાંધે છે હવે માળો.
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !

ઠંડકની પાનખર બેઠી નગરમાં ને, તાપના બગીચા ખીલ્યા સડકો પર;
લૂના ગોફણિયેથી સન્નાટો વીંઝાતો, બારી ન એકે સલામત,
બળઝળતા દિવસો પર ગીધડાંની જેમ નખ ભેરવીને બેઠો ઉનાળો.
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !

આયખાની આંખ્યુંમાં ટાઢક થઈ અંજાતું, પીળું ગરમાળાનું કાજળ;
રવરવતી વેદના પળમાં ચૂસી લે, જેમ સૂરજ ઢાંકી દે કોઈ વાદળ,
રસ્તાની તડતડતી ચામડી રૂઝવવા હાથ પીળો ફરે છે સુંવાળો.
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !

– વિવેક મનહર ટેલર
(૧૦-૧૫/૦૩/૨૦૦૯)

વસંત મળે – હિતેન આનંદપરા

ગઇ કાલે કેસુડો… અને આજે ગુલ્મ્હોર…! હું તો આ નીચેનો ફોટો જોઇને જ ગુલમ્હોર ગુલમ્હોર થઇ ગઇ… અને સાથે માણીએ હિતેનભાઇની એવી જ સુગંધી ગઝલ…

મળે ગુલમ્હોર એ અદાથી.....   Photo: Webshots.Com
મળે ગુલમ્હોર એ અદાથી..... Photo: Webshots.Com

બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.

સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.

અમે જે પાનખરોમાં વિખેરી નાંખેલી,
અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે.

ગલી ગલીમાં ફરી રહી છે મહેંક દિવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.

કરે છે આગેકૂચ પુરબહારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે!

વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.

– હિતેન આનંદપરા

( આભાર – ઊર્મિસાગર.કોમ)

મને ફાગણનું એક ફૂલ આપો – સુન્દરમ્

આજે આ ફાગણના ફૂલ જેવું કામણગારું ગીત… વિવેક કહે છે એમ – આખું ગીત એના લયમાધુર્ય અને શબ્દોની પસંદગીના જોરે અદભુત દૃશ્ય ઊભું કરે છે જે વાંચતાવેંત જ સોંસરું ઉતરી જાય છે… અને આવા મઝાના શબ્દોમાં અમરભાઇના સ્વર-સંગીતનો જાદુ ભળે… આ હા હા… બીજું મારે તો શું કહેવું ?

સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત
ચલો ગાઇએ ખેલીએ ફાગ હોરી
– રાજેન્દ્ર શુક્લ

સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ

કેસૂડો કામણગારો
કેસૂડો કામણગારો... (Source : Flickr)

સ્વર:કલ્યાણી કૌઠાળકર
આલબમ :શબ્દનો સ્વરાભિષેક-5

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.

વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

-સુન્દરમ્

અજંપાનું ફૂલ – ગની દહીંવાળા

આજે ગનીચાચાને એમની પુણ્યતિથિને દિવસે યાદ કરી એમની આ ગઝલ માણીએ, અને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!
********

કયારેક પગ મહીંથી આ રસ્તો વિદાય થાય.
તો થાકનો ય કંઇક નિરાંતે ઉપાય થાય.

હાલત અમારી જોઇને બીજા ય વ્યાકુળ થાય.
પર્વત ઢળી પડે અને સાગર ઊભા ય થાય.

અમને હસી જ કાઢજો એ છે અતિ ઉચિત,
ઠલવાય લાગણી, તો નીપજ વેદના ય થાય.

ખીલ્યું હો બાર માસી અજંપાનું ફૂલ જ્યાં,
ત્યાં મુંઝવણની વેલ તો વાવ્યા વિના ય થાય.

પાડી ઊઠ્યો છે જામનો ખાલીપો એવી ચીસ,
મદડાં તરસનાં જીવ લઇ દોડતાં ય થાય.

આદિથી એજ આગના સંચયથી લાલસા,
સૂરજ ન હોય તો અહીં તો દિનકર ઘણા ય થાય.

સંતાપિયા સ્વભાવને આઘાત શા ‘ગની’?
વેરણ તો એવા જીવની ઠંડી હવા ય થાય.

–ગની દહીંવાળા

(આભાર – લયસ્તરો.કોમ)

વરસાદ પછી વગડો – જયંત પાઠક

તમને થશે કે આ વસંતના દિવસોમાં વરસાદ? Busy Season માં overtime કરી કરીને આ જયશ્રી હોળી – ઉનાળો.. વચ્ચેનું બધું ભૂલી ગઇ? અને ના સાહેબ.. એવું નથી..! આ અમારા કેલિફોર્નિયામાં આજકલ ‘गरजत बरसात सावन आयो रे…’… પણ હા – દેશનું ચોમાસું જોયા પછી આ ચોમાસું કંઇ ખાસ જામતું નથી..! પણ એ તો – ‘તુ નહીં, તેરા ગમ હી સહી..

*******

પડી ગયો વરસાદ
ટપક ટપ ટપક્યાં કરતા પાન
પછી અચાનક
આભ ઉઘડ્યાં
સૂરજના કર અડકે
ઝલમલ તડકે
તરૂને ભીનલ વાન
રડતાં રડતાં હસી પડ્યું લો રાન !

– જયન્ત પાઠક

શંભુ ચરણે પડી….

આજે મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે – આ મારું ઘણું જ ગમતું શિવ-ભજન ફરી એકવાર… ગમશે ને?

********************
Posted on June 13, 2007

આ ભજન મારા માટે ઘણું ખાસ છે. નાનપણથી જે થોડા ભજનો મોઢે યાદ છે, એમાંનું એક આ ભજન.

મને હજુ યાદ છે… નાની હતી ત્યારે કોઇ કોઇ વાર પપ્પા સાથે ‘નાદબ્રહ્મ’ ( ભક્ત સમાજનો official ભજનસંગ્રહ ) લઇને સાંજે ભજન ગાવા બેસતા. ‘શ્રી ગુરુને પાયે લાગું, પહેલા વહેલા...’, ‘મારી નાડ તમારે હાથે, હરી સંભાળજો રે..’, ‘શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન….’ જેવા અમુક ભજનો પપ્પાને ખાસ ગમતા, એટલે એ કાયમ ગવાતા…
એમાંનું એક ભજન આ પણ ખરું. હજુ પણ જેટલી વાર આ ભજન વાંચુ કે સાંભળું, એટલી વાર સુવિધા કોલોનીનું એ ઘર, મમ્મી પપ્પા, અને 10-12 વર્ષની જયશ્રી… બધું યાદ આવી જાય….

સ્વર : મનોજ દવે

shivjee

.

Jatatavigalajjala pravahapavitasthale
Galeavalambya lambitam bhujangatungamalikam
Damad damad damaddama ninadavadamarvayam
Chakara chandtandavam tanotu nah shivah shivam .. 1

Jatakatahasambhrama bhramanilimpanirjhari
Vilolavichivalara ivirajamanamurdhani
Dhagadhagadhagajjva lalalatapattapavake
Kishorachandrashekhare ratih pratikshanam mama .. 2

(‘શિવ તાંડવ સ્તુતિ‘ની શરૂઆતની 2 કડી અહીં લેવાઇ છે)
શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।
દયા કરી દર્શન શિવ આપો ॥૧॥

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા ।
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ॥૨॥ દયા કરી

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી ।
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ॥૩॥ દયા કરી

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે ।
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ॥૪॥ દયા કરી

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી ।
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ॥૫॥ દયા કરી

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું ।
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો ॥૬॥ દયા કરી

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો ।
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો ॥૭॥ દયા કરી

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ॥૮॥ દયા કરી

મને કેર કાંટો વાગ્યો…

નાનપણથી આ ગીત સાંભળતી આવી છું – પણ શરૂઆતમાં તો આ ગીત ‘કેડ કાંટો વાગ્યો’ એવું જ સંભળાતું..! અને ત્યારે પ્રશ્ન પણ થતો – કાંટો પગમાં વાગે એ સમજ્યા, આ કેડમાં કાંટો વાગે એ ગજબ ના કહેવાય?

અને ઘણા વખત પછી ખબર પડી કે ‘કેર’ કે ‘કેરડું’ એ એક પ્રકારનો છોડ છે.. (કોઇ પાસે એનો ફોટો હોય તો મોકલશો?) ‘કેર’ વિષે વધુ વાંચો લેક્સિકોન પર – અને સાંભળો આ મઝાનું લોકગીત..(કે પછી લોકગીત જેટલું લોકપ્રિય બનેલું ગીત?)

સ્વર – ?

ઓ રાજ રે વાવડીના પાણી ભરવા ગ્યા’તાં
મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો

ઓ રાજ રે ઘરમાંથી ઘંટીઓ કઢાવો
મને લહેરક લહેરક થાય રે લહેરાકે જીવડો જાય રે
મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો

ઓ રાજ રે સુરતની સાડીઓ મંગાવો
એ સાડીઓ ફડાવો, એના પાટા બંધાવો
મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો

ઓ રાજ રે ઘરમાંથી ખાણીયા કઢાવો
મને ધમક ધમક થાય રે ધમકારે જીવડો જાય રે
મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો

ઓ રાજ રે વાવડીના પાણી ભરવા ગ્યા’તાં
મને કેર કાંટો વાગ્યો, મને કેર કાંટો વાગ્યો

( આભાર – માવજીભાઈ.કોમ)

મધુમાસ -પ્રિયકાન્ત મણિયાર

આયો,  આયો  મધુર  મધુમાસ !

કુંજ  કુંજમાં   કોકિલ બોલે,
ફૂલ  ફૂલ પર  ભમરા ડોલે,
કળી કળી અંતર મૃદુ ખોલે,
લહર લહરમાં રાસ !
આયો  મધુર  મધુમાસ !

મંજરીએ દિશ દિશ ઊભરાઈ,
સુરભી અનિલે નહીં સમાઈ,
મનની  મ્હેકી રહી અમરાઈ,
પલકે પ્રણય પ્રકાશ !
આયો  મધુર  મધુમાસ !

– પ્રિયકાન્ત મણિયાર

શબ્દોનું સ્વરનામું – તૃતીય કડી..

પહેલી કડી: વીએમટેલર.કોમ
બીજી કડી: લયસ્તરો.કોમ
ચોથી કડી: ગાગરમાં સાગર.કોમ

*

ત્રેવીસમી ફેબ્રુઆરી, 2011ની સાંજે સુરત ખાતે ગાંધી સ્મૃતિભવનમાં એક અલગ જ અંદાજમાં મારા બે પુસ્તકો ‘ શબ્દો છે શ્વાસ મારા’ (ગઝલસંગ્રહ) તથા ‘ગરમાળો’ (કાવ્યસંગ્રહ) અને ઑડિયો સી.ડી. ‘અડધી રમતથી’નું વિમોચન થયું પણ આખી વાત થઈ જરા હટ કે… વિમોચન વિધિ આપે ઉપર મુજબની પહેલી અને બીજી કડીમાં માણી જ હશે… આ છે આ કાર્યક્રમની ત્રીજી કડી…

*

કાર્યક્રમના બીજા ભાગમાં મારા શ્વાસોનું સરનામું યાને કે ‘શબ્દોનું સ્વરનામું’ શોધવાની કોશિશ કરી ગાર્ગી વોરા, અમન લેખડિયા તથા રાહુલ રાનડેએ… અને એ રીતે શરૂઆત થઈ ગુજરાતી ગીત-ગઝલની ગઈકાલને માણવાની અને આવતીકાલને જાણવાની…

182735_1841039713968_1479837407_2010085_3504016_n

મિત્ર ડૉ. તીર્થેશ મહેતાએ કવિના શબ્દ, સંગીતકારના સંગીત, ગાયક કલાકારોના કંઠ અને શ્રોતાજનોના હૈયાના તાર જોડી આપવાનું કામ કર્યું અને એ એમને પહેલીવાર કરતા હોવા છતાં ખૂબ ફાવ્યું અને જામ્યુંય ખરું… (આમ જોઈએ તો એમનો તો ધંધો પણ એ જ છે, હાડકાં જોડવાનો!!)

DS2_5011

આખી અનૌપચારિક વિધિમાં કેટલીક ઔપચારિક્તા… આભારવિધિ..

IMG_8538

સ્વયમના તથા અન્ય મિત્રોના હાથે કળાકારો તથા કાર્યક્રમની સફળતાના સૂત્રધારોનું ભાવભર્યું સ્વાગત…

IMG_8539

અને સુગમ સંગીતની મહેફિલ એની ચરમસીમાએ પહોંચી… વચ્ચે ભાવિન શાસ્ત્રી અને નૂતન સુરતી પણ મહેમાન કલાકાર તરીકે મારું ‘બેઠો મૂંછોના ખેતરમાં બગલો’ ગાઈ લોકોને બહેલાવ્યા…

DS2_4929

અને આ છે શરૂઆતથી અંત સુધી હકડેઠઠ રહેલું આઠસો પ્રેમીજનોનો મેળાવડો…

DS2_4822

DS2_4941

DS2_4945

અને કાર્યક્રમની અંતિમ કડી માણીએ ગાગરમાં સાગર.કોમ પર…