આજે મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે – આ મારું ઘણું જ ગમતું શિવ-ભજન ફરી એકવાર… ગમશે ને?
********************
Posted on June 13, 2007
આ ભજન મારા માટે ઘણું ખાસ છે. નાનપણથી જે થોડા ભજનો મોઢે યાદ છે, એમાંનું એક આ ભજન.
મને હજુ યાદ છે… નાની હતી ત્યારે કોઇ કોઇ વાર પપ્પા સાથે ‘નાદબ્રહ્મ’ ( ભક્ત સમાજનો official ભજનસંગ્રહ ) લઇને સાંજે ભજન ગાવા બેસતા. ‘શ્રી ગુરુને પાયે લાગું, પહેલા વહેલા...’, ‘મારી નાડ તમારે હાથે, હરી સંભાળજો રે..’, ‘શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન….’ જેવા અમુક ભજનો પપ્પાને ખાસ ગમતા, એટલે એ કાયમ ગવાતા…
એમાંનું એક ભજન આ પણ ખરું. હજુ પણ જેટલી વાર આ ભજન વાંચુ કે સાંભળું, એટલી વાર સુવિધા કોલોનીનું એ ઘર, મમ્મી પપ્પા, અને 10-12 વર્ષની જયશ્રી… બધું યાદ આવી જાય….
સ્વર : મનોજ દવે
.
Jatatavigalajjala pravahapavitasthale
Galeavalambya lambitam bhujangatungamalikam
Damad damad damaddama ninadavadamarvayam
Chakara chandtandavam tanotu nah shivah shivam .. 1
Jatakatahasambhrama bhramanilimpanirjhari
Vilolavichivalara ivirajamanamurdhani
Dhagadhagadhagajjva lalalatapattapavake
Kishorachandrashekhare ratih pratikshanam mama .. 2
(‘શિવ તાંડવ સ્તુતિ‘ની શરૂઆતની 2 કડી અહીં લેવાઇ છે)
શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ।
દયા કરી દર્શન શિવ આપો ॥૧॥
તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા ।
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ॥૨॥ દયા કરી
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી ।
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ॥૩॥ દયા કરી
નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે ।
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ॥૪॥ દયા કરી
હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી ।
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ॥૫॥ દયા કરી
આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું ।
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો ॥૬॥ દયા કરી
ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો ।
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો ॥૭॥ દયા કરી
શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ॥૮॥ દયા કરી