(મારા બગીચામાં ઉગેલી સુંદરતા.. ૮/૮/૨૦૧૪)
*****
હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.
– સુંદરમ
રાષ્ટ્રીય કવિ એવા શ્રી ઝવેરચંદ મેઘાણીના પુત્ર, અને લોકમિલાપ ટ્રસ્ટના સ્થાપક શ્રી મહેન્દ્રભાઇ મેઘાણીને ગઇકાલે જ મળવાનું થયું. મહેન્દ્રભાઇ એટલે જાણે જીવતી-જાગતી યુનિવર્સિટી. એમના વિષે વધુ વાત ફરી ક્યારેક. પણ આજે એમના પિતા, શ્રી ઝવેરચંદ મેઘાણીનો જન્મદિવસ છે તો એમને યાદ કરીએ..! અહીં પ્રસ્તુત ગીત શાળામાં આવતુ, અને એના શબ્દો પર dance કરીને, ગીત ગાઇને રજૂ કરતા પણ શીખવાડ્યું હતું, એવું યાદ છે. આ ગીતની પ્રથમ પંક્તિ સાથે જ જાણે ફરીથી કલ્યાણી શાળા (અતુલ) પહોંચી જવાય છે.
*****
મારી મેંદીનો રંગ ઊડી જાય રે,
સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !
મારો કંકુનો ચાંદલો ચોળાય રે, સૂરજ …
મારી વેણી લાખેણી કરનાય રે, સૂરજ …
મારાં કાજળ નેણેથી ઝરી જાય રે, સૂરજ …
મારી ચૂડી અણમોલી તરડાય રે, સૂરજ …
મારે સેંથેથી હીંગળો રેળાય રે, સૂરજ …
મારી પાની સુંવાળી બળી જાય રે, સૂરજ …
મારા કેમે નો પંથે પૂરા થાય રે, સૂરજ …
જેને શોધું તે દૂર સરી જાય રે, સૂરજ …
– ઝવેરચંદ મેઘાણી
૫ વર્ષ પહેલાં (એપ્રિલ ૨૦૦૯) મેં અહીંં લખ્યું હતું કે આ ગીત વાંચીને મને એનું સ્વરાંકન કરવાનું મન થઇ ગયું – પણ મને ક્યાં આવડે છે એવી કલા? એટલે મારે તો રાહ જ જોવી પડી..! પણ એ રાહ જોવાનું વ્યર્થ તો ન જ ગયું! ગયા મહિને ‘ટહુકો ફાઉન્ડેશન’ની ટોળકીએ સાન ફર્નાન્ડો વેલીમાં રમેશ પારેખના અને બીજા ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી – એમાં વિજયભાઇ ભટ્ટે આ ગીતનું કરેલું સ્વરાંકન – ખૂબ જ ભાવવાહી રીતે રજુ કર્યું.
કાર્યક્રમનો આખો અહેવાલ આપ અહીં ક્લિક કરીને વાંચી શકો : રમેશ પારેખની યાદમાં – કાર્યક્રમ અહેવાલ
અને વિજયભાઇનું સ્વરાંકન – એમના જ અવાજમાં અહીં માણો – વારંવાર એ સાંભળવું અને ગણગણવું ગમશે એની તો ૧૦૦% ગેરંટી.!!
**************
Posted on April 9, 2009
ગઇકાલે જે ‘સ્વરાભિષેક‘ આલ્બમની વાત કરી, એમાં એક રમેશ પારેખના ગીતની રજૂઆત પહેલા અમરભાઇ પાસે આ ગીતના થોડા શબ્દો સાંભળ્યા, અને ગીત એટલું તો ગમી ગયું કે તરત જ શોધવું જ પડ્યું..
આમ તો ગીતમાં ફાગણની વાત આવે છે.. પણ આવું સરસ ગીત તમારી સમક્ષ મુકવા માટે આવતા ફાગણ સુધી રાહ જોવાઇ? ચૈત્ર મહિનામાં પણ જાણે ફાગણના કાગળો રમેશ પારેખ નામનો ટપાલી આપણે ત્યાં નાખી ગયો એમ લાગશે…!! 🙂
આવા કેટલાય ગીતો વાંચીને ઘણીવાર એમ પણ થાય – જો મને સ્વરાંકન કરતા આવડતું હોય તો? તો આવા સુંદર શબ્દોને મેં પણ સંગીતમય બનાવ્યા હોત..! 😀

(સાવ રે સુક્કુ.. ..Goa_Wildernest Resort : by Vivek Tailor)
* * * * * * *
સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું
ઝાડને એની લળક લળક સાવ રે સાચી છાંયડીનાં ઝાંઝર પ્હેરાવી દઉં
કોઇ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના (અંગત) કાગળો ફેંકી દઉં
મેળામાં ખોવાઇ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છે તે ઝાડને જડું
સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું
ડાળીએ કાબર કાગડા પોપટ વાયરા જેવું આવવું-જવું આવવું-જવું થાઉં
ઝાડ પરોવી લઉં મારામાં એક લીલાકુંજાર દોરે હું ઝાડમાં પરોવાઉં
પંડના જણ્યા જીવને જેવો પહેલોવારુકો અડકે માનો હાથ – એવું હું ઝાડને અડું
સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું
– રમેશ પારેખ
હરિ, કેટલી વાર ?
ઝટ્ટ પધારો,
કદાચ હું નીકળી જાવાનો જીવનમાંથી બ્હાર…..
પ્રભાતિયાની ચિઠ્ઠી તમને મળી હતી કે નહીં ?
પંખીએ એમાં જ કરી’તી ટહુકા સાથે સહી
ગઈ રાતના નામજાપનો કીધો’તો મેં તાર…. હરિ….
ઝાંખી બારી, કમાડ ઝાંખાં, ઝાંખું છે અજવાળું
સાઠ વરસથી ખુલ્લા ઘરને હવે મારવું તાળું
તમને સોંપી ચાવી, મારે જાવું પેલે પાર….. હરિ…..
તુલસીદળ પર આંસુ મૂકી કરે વિનંતી જોશી
તમે આવતા ભવમાં મારા બનજો ને પાડોશી
સાદ પાડતાંવેંત તમે હાજર ને હું તૈયાર….. હરિ…..
– મુકેશ જોષી
અઢી અક્ષરે પ્રેમ લખુ ને બે અક્ષરમાં હરિ
સાડા ચારે હરિ આપણે મળવુ છે ને ફરી ?
હરિ તમે તો શેઠ તમોને સમયબાધ શુ નડશે
મારે તો ઓફિસ મહીથી રજા ય લેવી પડશે
એક રજા ગાળુ તમ સાથે પાછો જનમ ધરી…
સાડા ચારે હરિ ાઆપણે મળવુ છે ને ફરી ?
તમે કહો તે જગ્યા ઉપર આપણ બંને મળિયે
ત્યાંથી સાથે સાથે જાશુ મારા ઘરના ફળિયે
તમે નહી આવો તો મારો દિવો જાય ઠરી..
સાડા ચારે હરિ આપણે મળવુ છે ને ફરી ?
– મુકેશ જોશી
આ ઝરમર ઝરમર કરી રહ્યા તે જળને ઝીલો
આ ધરતીથી આકાશ બની સાંકળને ઝીલો.
આ એકજ ટીપુ આખે આખાં સરવર દેશે,
ધરો હથેળી અચરજના અવસર ને ઝીલો.
આ કણ કણ લીલી લીલા છે નાચી ચોગરદમ,
જીવતર જેણે પ્રગટાવ્યા તે બળને ઝીલો.
આ નથી ફક્ત આકાશી ઘટના ઝીલી શકો તો,
ઘટ -ઘટ ઉમટી ઘેરાયા વાદળને ઝીલો.
આ ઉમ્મર પદવી ,નામ ઘુંટ્યા તે ભૂંસી દઈને,
અંદર અનરાધાર વસ્યા બાળકને ઝીલો.
આ મહેર કરી છે મહરાજે મોટુ મન રાખી,
ખોલી દો ઘુંઘટપટ વરસ્યા વરને ઝીલો.
– ધ્રુવ ભટ્ટ
****
આસ્વાદ – ઉર્વશી પારેખ (કાવ્યાનુભૂતિ) (કાવ્યાનુભૂતિ પુસ્તક ટહુકોને મોકલવા માટે ઉર્વશીબેનનો ખૂબ ખૂબ આભાર)
વર્ષા ઋતુ નું આગમન થઇ ચુક્યું છે. આજે આપણે વરસાદની રચના માણીશું. ઠંડા પવનની લહેરખીઓ વાતી હોય, વ્રુક્ષ, છોડ, પાન એ બધાપવન સાથે નૃત્ય કરી રહ્યા હોઈ. આકાશ, આજુબાજુનું વાતાવરણ ચોખ્ખુ, નિર્મળ અને આહલાદક હોઈ, મન ને શાતા આપી સભર કરતું હોય ત્યારે લાગે ઝીણા ઝરમર વરસાદમાં ફરવા નીકળી પડીએ. પ્રકુતિને મનભેર માણી ઝીલી લઈએ.
અહીં કવિ કહે છે કે વરસાદ ઝરમર પડી રહ્યો છે તે આપણે ઝીલીએ, ધરતી અને આકાશ વરસાદ રૂપી સાંકળ વડે જોડાઈ ગયા છે તે જોઈએ, માણીએ. હથેળીમાં વરસાદના ટીપાને ઝીલીને ભેગા કરીએ,જે તમને સરોવરની અનુભૂતી કરાવશે. વરસાદનાં આવવાથી ચારેબાજુ લીલા લીલા છોડો ઉગી જાય છે, લીલોતરી પથરાઈ જાય છે, આ લીલેરા જીવતર ને પ્રગટાવનાર ધરતીનાં બળને,શક્તીને ઝીલીએ. આ વરસાદ એ ફક્ત આકાશી ઘટના નથી, પણ ઉમટી આવેલા વાદળોની રમાતી સંતાકુકડી,દોડાદોડી છે તેને માણીએ. અંહી કવિ એક સરસ વાત કરે છે કે, તમે તમારી ઉંમર, પદ, નામ, હુંપણું આ બધુ ભૂલી જઈ, તમારા અંદર જે બાળક વસેલુ છે તેને ભરપુર આનંદ માણવા દો. ભગવાને ખુબ મોટું મન રાખી મોટી મહેર કરી છે તો બધા અંચળાઓને ફગાવી નાના બાળકની જેમ વરસતા વરસાદમાં ભીંજાવાનો લ્હાવો લઇ, વરસાદને ઝીલીલો માણી લો.
શબ્દવેદ – નરસિંહ મહેતાની સમગ્ર કવિતા પુસ્તક લેવા માટે અહીં ક્લીક કરો
સ્વર – કૌમુદી મુનશી, નીનુ મઝુમદાર
સંગીત – નીનુ મઝુમદાર
પ્રસ્તાવના – હરીન્દ્ર દવે
આલ્બમ – નરસૈંયો ભક્ત હરિનો
પરભાતે મહીં મથવા ઊઠ્યાં જશોદારાણી,
વિસામો દેવાને ઊઠ્યાં સારંગપાણિ.
માતા રે જશોદા તારાં મહીડાં વલોવું,
બીશો ના માતાજી હું ગોળી નહીં ફોડું;
ધ્રૂજ્યો મેરુને એને ધ્રાસકો રે લાગ્યો,
રવૈયો કરશે તો તો નિશ્ચે હું ભાંગ્યો.
વાસુકિ ભણે ‘મારી શી પેર થાશે ?’
નેતરું કરશે તો તો જીવડો રે જાશે.
મહાદેવ વદે, મારી શી વલે થાશે ?
હવેનું આ હળાહળ કેમ રે પીવાશે.
બ્રહ્મા ઇંદ્રાદિક લાગ્યાં રે પાય,
નેતરું મૂકો તમે ગોકુળરાય;
જશોદાજી કહે હું તો નવનિધ પામી,
ભક્તવત્સલ મળ્યો નરસિંહનો સ્વામી.
– નરસિંહ મહેતા
શક્યતાને આ રીતે સાંધો નહીં,
ઉંબરા પર ઘર તમે બાંધો નહીં.
સાચું પડશે તો મઝા મારી જશે,
સ્વપ્ન જોવામાં કશો વાંધો નહીં.
એટલી ખૂબીથી ચાદરને વણી,
ક્યાંયથી પણ પાતળો બાંધો નહીં.
એમને તો જે હશે તે ચાલશે,
એમના નામે કશું રાંધો નહીં.
આ ગઝલ છે, એની રીતે બોલશે,
કોઈ સાધો, કોઈ આરાધો નહીં.
– અંકિત ત્રિવેદી
વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?
ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?
આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?
જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,
એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?
ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?
આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?
– અનિલ ચાવડા
ટહુકો.કોમના ગાયક વૄંદ – હેતલ બ્રહ્મભટ્ટ, આણલ અંજારિયા, અચલ અંજારિયા અને વિજય ભટ્ટ – સૌ એ જયશ્રી ભક્તાની આગેવાની હેઠળ ફરી એકવાર સુંદર કાર્યક્રમ પીરસ્યો; Los Angeles ના ગુજરાતીઓને ગુજરાતીપણાનું ગૌરવ અપાવ્યું. ૧૩મી જુલાઇની બપોરે સાન ફર્નાન્ડો વેલી ગુજરાતી એસોસિયેશનના ઉપક્રમે ૧૬૦થી વધુ ગુજરાતીઓએ ગુજરાતી ગીત-સંગીત-કવિતા માણ્યા. SFVGA ના શ્રીમતી સુરભીબેન શાહે સૌને આવકાર્યા અને જયશ્રી ભક્તાને કાર્યક્રમનું સંચાલન સોંપ્યું. સળંગ કાર્યક્રમ દરમ્યાન જયશ્રીએ સુંદર કાવ્યપંક્તિઓ દ્રારા રમેશ પારેખ અને અન્ય કવિઓની કવિતાનો શ્રોતાઓને રસાસ્વાદ કરાવ્યો.
આણલે પોતાના તાલિમબધ્ધ અવાજથી સુંદર શ્લોક ગાઇને કાર્યક્રમનો શુભારંભ કર્યો. હેતલે ખૂબજ ભાવપૂર્વક માડી
તારુ કંકુ ખર્યું ગીતની કલાત્મક રજૂઆત કરી વાતાવરણને ઊર્જામય બનાવી મા સ્તુતિ રજૂ કરી. આણલે રમેશ પારેખનું મીરાગીત શાસ્ત્રીય રીતે રજુ કરીને ‘આજ મને મોરપિંછના શુકન થયા’ ગાઇને ર.પા.ની મીરાસ્થિતીનો ખ્યાલ આપ્યો. વિજયભાઇએ રમેશ પારેખની ગઝલ ‘લે મારાથી કર શરૂ’ ની રજુઆત રાગ કિરવાણીમાં પોતાની આગવી ઢબે દરેક શેર સમઝાવતા ગાઇને શ્રોતાઓને રમેશ પારેખના ઉંડા માનવતાવાદી અભિગમનો પરિચય કરાવી દાદ મેળવી. ત્યાર બાદ અચલ રમતિયાળ અને પ્રેમસભર રમેશ પારેખનું ગીત – મારી આંખમાં તું – રજૂ કરી પુરુષપ્રધાન પ્રણયગીતની રજૂઆત કરી.
આ દરમ્યાન જયશ્રી બે ગીતોની વચ્ચે ખૂબ જ રસપ્રદ રીતે કવિતાની પંકિત રજૂ કરી બે ગીતોને વણી લેતી હતી. આણલનું છેલાજી રે સૌને જાણીતા ગીત સાથે ગણગણવાનું ખૂબ ગમ્યું. આણલની રજૂઆત ખૂબ જ મનોરંજક હતી. અને તેમાં વળી જયશ્રીની પ્રસ્તાવનાએ શ્રોતાઓને ખૂબ જ રમૂજ પુરી પાડી. ત્યાર બાદ હેતલે તેના તાલિમબધ્ધ અવાજમાં રમેશ પારેખનું ભાવવિભોર પ્રિયતમાનું ગીત – સાંવરિયો – ગાયું. જે શ્રોતાઓએ ભરપૂર તાળીઓથી વધાવી લીધું. વિજય-અચલે – રમેશ પારેખનું રમતિયાલ ગીત – એક છોકરી ન હોય – ગાઇને મસ્તીનું વાતાવરણ ઉભું કરી દીધુ.
હવે વારો હતો રમેશ પારેખની વસંત ગઝલનો. હેતલ-વિજયે ગુલમ્હોર મ્હોર્યા એટલે – ગાઇને યુગલ ગીત-ગઝલ રીતે રજુ કરી. વિજયે આ ગઝલનું સ્વરનિયોજન પોતે કર્યું હતું, અને ખૂબ જ સુંદર રીતે રજુ કરી શ્રોતાઓને ઝુમાવી દીધા, ઉનાળામાં વસંતના ગુલમ્હોર મ્હોરાવી દીધા.
કાર્યક્રમનો બીજો દોર અચલે ‘પંખીડાને આ પીંજરુ‘ ગાઇને શરૂ કર્યો. સૌ ને આ જાણીતા ગીત સાથે ગણગણવાની ખૂબ મઝા આવી. અચલ-આણલે રમેશ પારેખનું ‘એવું કંઇ કરીએ‘ યુગલગીત ગાઇને દાંપત્ય જીવનને કેમ આનંદમય કર્યું તે શીખવ્યું. ત્યારબાદ રમેશ પારેખનું અત્યંત સંવેદનશીલ ‘વૃક્ષસંવનનાર્થીનું ગીત‘ ‘સાવ રે સૂક્કા ઝાડને જોઇ‘ રજૂ કર્યું વિજયે આ ગીતની સમજણ આપતાં ધીમી તરન્નુમની રીતે રસાસ્વાદ કરાવતા રજૂઆત કરી. વિજયે રાગ પહાડી ઉપર આ ગીતનું સ્વરાંકન કર્યું છે તે સમજાવીને રજૂઆત કરી. સુકા વૄક્ષ પ્રેમની વાત સાંભળીને શ્રોતાઓને આંખમાં ઝળઝળિયાં આવી ગયા. આણલે ઓધાજી મારા વ્હાલાને વઢીને કહોજો ની અત્યંત સુંદર ભક્તિમય રજૂઆત કરી શ્રોતાઓના દિલ જીતી લીધા. સુંદર સ્વર ઠરાવ અને પારંપરિક સ્વરનિયોજન શ્રોતાઓને સ્પર્શી ગયું. વિજયભાઇએ જલન માતરીની ગઝલ ‘તકદીર ખુદ ખુદાએ લખી‘ રજૂ કરી જે ખૂબ જ દાદ પામી. વળી પાછા અચલે અવિનાશ વ્યાસની ‘કહું છું જવાનીને‘ ગાઇને શ્રોતાઓને સરી જતી યુવાનીને પકડવા મથતા વ્રૂધ્ધની ઓળખાણ આપી.
ત્યાર બાદ દોર હતો વરસાદી ગીતોનો. આણલ-હેતલે રાગ મલ્હારમાં તાના-રીરીનું ગીત ‘ગરજ ગરજ‘ અત્યંત કલાત્મક અને શાસ્ત્રીય રીતે ગાયું, જાણે મેધરાજા ઉતરી પડ્યા. સૌને ગીતની ઝડપી પરાકાષ્ઠા ખૂબ ગમી. ત્યારબાદ વરસાદનો દોર હેતલે ચાલુ રાખ્યો અને શાસ્ત્રીય રીતે રીમઝીમ ગાઇને તેની ગાયકીની તાલિમનું પ્રદર્શન કર્યું. ત્યાર બાદ સૌએ સાથે મનપાંચમના મેળામાં સમૂહગીત તરીકે રજૂ કર્યું. અને અંતે જાણીતા ગરબા-રાસની શુંખલા રજૂ કરીને સૌને તાનમાં લાવી દીધા કે સૌ શ્રોતાઓ ગરબા-રાસ લેવા લાગ્યા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કી-બોર્ડ અને વાંસળી સાથે ‘અનિસ ચંદાની‘ અને તબલા પર ‘જયપ્રકાશજી’ એ કલાકારોનો ખૂબ જ સરસ સાથ આપીને માહોલને જીવંત રાખ્યું.
અંતે સુરભીબેને સૌનો આભાર માન્યો.