ટહુકો પર કવિ શ્રી મનોજ ખંડેરિયાની સ્મૃતિમાં ઉજવાતો આ ‘મનોજ પર્વ’ ની ૧૩મી કડીમાં આજે આ સ્પેક્ટ્રોમીટરમાંજય વસાવડાની કલમે કવિ શ્રી મનોજ ખંડેરિયાને અપાયેલી શ્રધ્ધાંજલીરૂપ લેખ. (આમ તો આ લેખ કવિના નિધનના એકાદ મહિના પછી છપાયો હતો – પણ મને લાગ્યું કે આટલા વર્ષે આ લેખ વાંચીને ફરી એક વાર કવિ ને શ્રધ્ધાંજલી આપીએ).
*******
ઉઘાડા દ્વાર હો તો પણ નીકળવું ખૂબ અઘરું છે
ફરું છું લઈને મને, પણ ખુદને મળવું ખૂબ અઘરું છે
પડી ગઈ સાંજ, હું સૂરજ નથી એ સત્ય છે કડવું
ફરી ઉગવાના રંગો લઈને ઢળવું ખૂબ અઘરુ છે!
સૂર્ય ડૂબ્યા પછી ફરી ઉગે એનો ભરોસો છે, પણ આત્માની જયોતિ બૂઝાયા પછી ફરી કયારેય પ્રગટવાની નથી! આજથી એકાદ માસ પહેલા જૂનાગઢમાં અવસાન પામેલા કવિ મનોજ ખંડેરિયા જેવું વ્યકિતત્વ ફરી કઃઈં૧૪૬તી ઉગવાનું નથી. કોઈ પણ જાતના ભારેખમ શબ્દોના પ્રયોગ વિના- મરીઝ, શૂન્ય, રૂસ્વા, ઘાયલ ઈત્યાદિ ગઝલકારોએ ગુજરાતીમાં કંડારેલી પરંપરાગત ગઝલનો મનોજભાઈએ આધુનિક અવતાર કરાવ્યો હતો. સામાન્ય રીતે સાહિત્યસર્જકોને મોત પછી તરત જ અંજલિ આપી દેવાની પ્રથા છે. એ દ્રષ્ટિએ જોઈએ તો હવે મનોજ ખંડેરિયાના નિધનની ‘ન્યૂઝ વેલ્યુ’ પૂરી થઈ ગઈ ગણાય.
પણ સર્જક વિદાય લે છે, એનું સર્જન થોડું મરે છે? માણસ મરે ત્યારે જ એના ગુણાનુવાદ કરવા અને પછી ન્યૂઝ ચેનલોની ભાષામાં ‘હાલાત અબ પહેલે જૈસે સામાન્ય હૈ’ કહી દેવું એ કયાંનો ન્યાય? પાંચસો વરસ પહેલા દૂર પરદેશમાં થઈ ગયેલા કોઈ કવિને આજે પણ અંજલિઓ અપાતી હોય, તો આપણી જ ધરતી પર થઈ ગયેલા આપણા કવિને આટલી ઝડપથી કેમ ભૂલી જવાય?
કરે વહેતી એને જ ડૂબાડી દેતી
અહીં શાહી સાથેના અનુભવ છે કડવા!
મનોજ ખંડેરિયાએ લખેલી આ પંક્તિ ગુજરાતના તો શું, ભારતભરના કલમજીવીઓ અને શબ્દસમર્થોને લાગુ પડે છે! જે લોકો શબ્દોને વહેતા મુકે છે, એમના માટે ઉપયોગ પૂરો થયા પછી ભાગ્યે જ સમાજ શબ્દો ખર્ચ કરે છે! અહીં ગાંધી, નહેરૂ, સરદાર, ઈંદિરા જેવા નેતાઓને પ્રતિવર્ષ તસવીરો સાથે યાદ કરવામાં આવે છે. પણ એમના પર જ લખનારો લેખક એક દિવસે જયારે ભેજું ઘસી અને આંગળીઓ તોડી છેલ્લા શ્વાસ લે છે… પછી એમને મુઠ્ઠીભર વાચકો સિવાય કયારેય મિડિયા યાદ કરતું નથી! મનોજભાઈએ લખેલું :
સપના નહીં જ હોય અને ક્ષણ નહીં જ હોય
આ શબ્દની પછી તો કશું પણ નહીં જ હોય
ખખડાવું બંધ દ્વાર, યુગોથી ને જાણું છું
આ ઘર અવાવરુ છે, કોઈ પણ નહીં જ હોય
*
શબ્દનું અસ્તિત્વ પળ જેવું હશે
કૈ યુગો તે છળતું છળ જેવું હશે
એ પ્રસંગોનું હવે અસ્તિત્વ તો –
વસ્ત્ર પરની કોઈ સળ જેવું હશે!
કપડાં પર કરચલી પડે, ને હાથ ફેરવી દો તો તરત અલોપ થઈ જાય…. આપણે ત્યાં કદાચ શબ્દ તો ઠીક, એના સર્જકોનું અસ્તિત્વ પણ આટલું જ માન ધરાવે છે. મહેફિલ, પ્રવચન, મુશાયરામાં સાંભળીને વાહ વાહ કરી લીધી… આપણું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. ખલાસ. પછી કોણ એ સર્જકોને યાદ કરતું ફરે કારમાં કેસેટ વાગતી હોય તો આપણે ગીતને પણ ગાયકથી ઓળખીએ છીએ. જગજીતસિંહની પેલી ગઝલ સાંભળી?’ કહીને નિદા ફાઝલીની રચના જગજીતના નામે ચડાવીએ છીએ. જેમ કે, સોલી કાપડિયાના મધુર કંઠે નીતરેલી આ ગઝલ મનોજ ખંડેરિયાની છે, એવું કેટલા જાણતા હશે?
Audio Player
.
જે શોધવામાં જીંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને
જીંદગી! ફિફટી ટુ એકસની સ્પીડે કલાકની ૩૬૦૦ સેકન્ડના આંટા ફરી જતી કોઈ સીડી રોમ! હજુ હમણા જ આ લખનારના પ્રવચનમાં શ્રોતા બનીને ખભે ઉમળકાથી છલકાતો સ્પર્શ કરનાર મનોજ ખંડેરિયાની આકૃતિ હવે ન સ્ટેજ પર, ન ઓડિયન્સમાં! સાહિત્યના મરમી પપ્પા લલિત વસાવડાના આત્મીયજન તરીકે દાયકાઓ પહેલા જૂનાગઢની (કયાંક હજુ યે કરતાલ વાગતી હોય’ એવી) તળેટીમાં એમણે સાથે ગુજારેલી સાંજોની વાત બચપણમાં સાંભળી હતી. ત્યારે યુવાન થઈ ગયેલા એ માણસમાં કવિનો જન્મ થતો હતો. પછી તો એ કવિતાને સુગંધ ફૂટી. સૌરાષ્ટ્રની સરહદો વિસ્તારની મનોજની મહેક આખી પૃથ્વીને ચકરાવો લઈ ગઈ… અને કાળ નામનું પોતું કેન્સર હોસ્પિટલની ફિનાઈલ ભરેલી વાસ અને સુગંધ પર ફેરવતું ગયું.. ‘આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના’ ના કવિને પાનખર અડકી ગઈ! ખર્યા આ શબ્દોઃ
લાલાશ આખા ઘરની હવામાં ભરી જઈશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઈશ
આખુંય વન મ્હેકતું રહેશે સદા
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઈશ
મારો અભાવ મોરની માફક ટહૂકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ.
*
યાદ ભૂંસાતી રહી કે હું- ખબર પડતી નથી
જયોત બૂઝાતી રહી કે હું- ખબર પડતી નથી
*
ખાલી કડાંનો કાળો કિચૂડાટ રહી જશે
હિંડોળાખાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
જાણું છું મારી માલમત્તા માંહ્ય છે છતાં
ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
સમૃધ્ધિ આ અખંડ દીવાની તને દઈ
ઘર ઝળહળાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
*
કૈ ઝળહળ ઝળહળ જેવું છે, દરવાજો ખોલ
આ મરવું ઝાકળ જેવું છે, દરવાજો ખોલ
મનોજ ખંડેરિયા જેવા મુલાયમ આદમીને પણ મૃત્યુ જેવી બરછટ ઘટનાનું ઓબ્સેશન હતું. ‘શબ્દ અને મૃત્યુ’ એ બને એમના પ્રિય વિષય, એક કૃતિમાં એમણે ટેબલ પરથી અચાનક પડી ને ફૂટી જતા ગ્લાસની વાત લખી છે, જેમાં મિત્રો સાથે રવિવારની સરકતી સોનેરી સાંજ ફરી ગાળવાની તડપનો ઉલ્લેખ છે. તો એક રચનામાં ‘આખાય આકાશમાં વ્યાપી ગયેલા શબ્દોનો તંબૂ સંકેલીને’ ચાલી નીકળવાની વાત છે. કયાંક મીણના નગરમાં પીગળવાની વેદના છે, તો કયાંક મૃગજળના રેણમાં ફસાયાની મૂંઝવણ!…. આ બધું સામાન્ય વાચકને જરા અઘરું અઘરું લાગે, પણ ધેટસ આર્ટ! જે ઝટ ખબર પડી જાય, તેમાં કંઈ રોમાંચ નથી. જે હળવે હળવે ઉઘડે એ ઉત્તેજના આપે છે. સીધી જ કોઈ ચિઠ્ઠી પકડાવી દે, અને પહેલાં મોબાઈલના સ્ક્રીન પર મેસેજ પ્રગટયાનો ઝબકારો થાય, પછી ‘ઇન્બોકસ’ ખોલીને નામ વંચાય…. પછી એ મેસેજ ધીરે ધીરે સ્ક્રીન પર સરકતો જાય- આ બે ક્રિયામાં નેચરલી બીજી ક્રિયા લહેજતદાર છે! જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે, એ ‘જાતસ્ય હિ ધુ્રવો મૃત્યુ’ની ફિલસૂફી વેઃદકાળના ૠષિથી લઈને ગામડાંગામના ભાભા પણ જાણે છે. પણ કોઈ પાન હંમેશા લીલું રહેતું નથી… એ કુદરતી ઘટનાને વણીને મનોજભાઈએ આ જ ચિંતન કેવી રસિકતાથી સમજાવ્યું હતું.
પાંદડાને લીલમથી હોઈ શકે એટલો જ
આપણો આ ઘરથી સંબંધ
ખેરવેલા પીંછાની ઊંડી લઈ વેદના
પંખી તો ઉડતું આકાશમાં
કાંચળી ઉતારીને સાપ સરી જાય એમ
આપણે ય સરવાનું ઘાસમાં
*
ઈચ્છાનો સૂર્ય અસ્ત થવાની ઘડી છે આ
અજવાશ અસ્તવ્યસ્ત થવાની ઘડી છે આ
આવી ગયો છે સામે શકુનિ સમો સમય
આજે ફરી શિકસ્ત થવાની ઘડી છે આ
પ્રગટાવ પાણિયારે તું ઘીનો દીવો હવે
ઘર અંધકાર ગ્રસ્ત થવાની ઘડી છે આ
કેવું વેધક દ્રશ્ય રચ્યું છે! ભારતીય સંસ્કાર મુજબ મૃત્યુ બાદ પાણિયારે સ્વજનો ઘીનો દીવો કરતાં હોય છે. આમ જુઓ તો દીપક પ્રકાશ આપે. પણ આવા અવસરે થયેલ દીવો સંકેત આપે છે કે ઘરનો પ્રકાશ જેની હાજરીથી હતો, એવી એક વ્યકિત કાયમ માટે ઘર છોડીને જતી રહી છે, હવે હેલોજન લાઈટ પણ દૂર ન કરી શકે એવું અંધારું કાયમ માટે ઘરમાં ફેલાઈ ચૂકયું છે!
મને અંત-વેળાએ છળતું રહ્યું
હવે મારું રથ-ચક્ર ગળતું રહ્યું
ઢળ્યો સૂર્ય, ચાંદરણું ચાલ્યું ગયું
સ્મરણ એનું આ ઘર ચગળતુ રહ્યું
*
નજૂમી, ઓળખે છે જેને તું આયુષ્ય રેખા કહી
અમારે મન રૂપાળો મૃત્યુનો રસ્તો હથેળીમાં
પણ મૃત્યુ મનોજ ખંડેરિયાના શરીરનું થયું છે શબ્દોનું નહિ! મનોજ ખંડેરિયા સૌમ્ય, સરળ અને સમૃધ્ધ- સુખી ઈન્સાન હતા. છતાં દુઃખ, પીડા યાને ‘વિષાદ’ એમના શબ્દોતોમાં સતત પડઘાતો રહેતો. આજે હવે કવિની યાદો જ રહી છે, ત્યારે એમના ‘સ્મરણ’ વિશેના શબ્દોનું તરત જ સ્મરણ થઈ આવે…
હટાવો જૂના કાટમાળો બધા!
નીચે જીવતી એક પળ નીકળે
અંગ્રેજીમાં શબ્દ છેઃ ‘ડાઉન મેમરી લેન! યાઃદોની શેરીમાં લપસવું! કયારેક કોઈ એક નાનકડી ઘટના આજીવન દિમાગમાં સમડીની જેમ ચકરાવા લેતી હોય છે. એ કોઈ નમણા ચહેરાને જોયાનો થનગનાટ પણ હોઈ શકે, કે કોઈ કૂમળાં ટેરવાને અડકયાની ઝણઝણાટી પણ! એ કોઈ કડવા અપમાનનો સણકો પણ હોઈ શકે અને કોઈ દુખઃદ પ્રસંગની ઘૂટન પણ! પછી કોઈ જૂની વસ્તુ જોતાં કે કોઈ સ્થળે પહોંચતા કે કોઈ વાકય સાંભળતા જ આ સ્મરણોના ડેમના દરવાજા ખૂલી જાય! કયારેક કોઈ નિર્જીવ પદાર્થમાં કોઈ સજીવ વ્યકિતની જીવંત સ્મૃતિ હોય…
કહે તે સ્વીકારું, શરત માત્ર એક જ
મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ
ભરાયો’તો કયારેક મેળો અહીં પણ
મને આ જગ્યાની મમત માત્ર એક જ
ચલો મારી અંદર, ભર્યા લાખ વિશ્વો!
તમે જોયું છે આ જગત માત્ર એક જ
*
અચાનક ધૂળમાંથી જે રીતે સિક્કો મળી આવે
અજાણી શેરીમાં એમ જ મને સ્મરણો મળી આવે
હથેળીમાં લખી એક નામ, મુઠ્ઠી બંધ કર હળવે
પછી ખોલી જરા જો તો કૂણો તડકો મળી આવે
*
અમે કયારેક કોડીથી રમ્યા’તા એ જ કારણથી
દિવસને રાત ખળભળતો રહ્યો દરિયો હથેળીમાં
છબી ફૂટયાની ઘટના પર રજ ચડી કૈંક વરસોની
છતાં ખૂંચે છે ઉંડે કાચની કરચો હથેળીમાં
હંમેશા સ્મરણ માટે સમય અનિવાર્ય છે. સમય જ ઘટનાઓ સર્જે છે. અને સમય જ એને યાદોની ફ્રેમમાં મઢે છે. મનોજભાઈને રચનાઓમાં એટલે જ ‘સ્વપ્નની ઝંખનાના હરણ’ દોડ્યા કરે છે. અર્થાત, મનના વિચારો કલ્પનામાં ચોથા ગિયરમાં પૂરપાટ ભાગે છે. એમના પુસ્તક ‘અટકળ’માં ‘જીરાફ’ નામની એક લાં… બી રચના છે. જેમાં બાળક હોઈએ ત્યારે સ્કૂલમાં ભણતી વખતે જોયેલા સપના પાછળથી કેવા તાજાં થાય. તેની લીલીછમ વાત છે. એવી જ એક રચના ‘કાલે સવારે’ છે. જેમાં બૂઢાપામાં આંખ સામે તરતી યુવાનીની મોસમ છે. સંગ્રહ ‘અચાનક’માં આવી જ રચના ‘વૃધ્ધ’ છે. જેમાં જીંદગીના છેલ્લા પ્રકરણોમાં આળસ મરડીને બેઠાં થતાં ભૂતકાળની રજુઆત છે. આ બધી રચનાઓ વાંચવા ‘અચાનક’, ‘અટકળ’, ‘હસ્તપ્રત’ જેવી એમની કિતાબો ફંફોસવી પડે. એમાં નજર નાખતી વખતે તરત જ એક વાત સ્પષ્ટ થાય. કયાંય કોઈ પ્રસ્તાવના કે આત્મનિવેઃદન નથી. રદ્દીફ- કાફિયાના સંતુલનમાં ઉસ્તાદ આ કવિએ કોઈ એવોર્ડ પણ સ્વીકાર્યો નહોતો. આમ પણ સાહિત્યના એવોર્ડ આપનારા પંડિતોના ત્રાજવાં- તોલામાં વજન કાગળના થોથાઓનું હોય છે, સર્જનની શ્રેષ્ઠતાનું નહિ! બાકી મનોજ ખંડેરિયાની કૃતિઓમાં અંશોની એક છાલક લો, અને માણો કે એમાં ચપટીક શબ્દોમાં કેવી રીતે કંકુ-ચોખા જ નહીં, પકવાનો પણ છે!
ટેકવી કાંટા ઉપર મસ્તક સમય
રાતભર જાગ્યા કરે છે ઘડિયાળમાં!
*
તુલસીનાં કૂંડામાં કૂમળા બે હાથેથી
સિંચાતુ જળ મારા રૂંવેરૂંવે રે નહી જાય.
*
આયનાની જેમ હું તો ઉભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને
*
આંખને જીભના કરો સાટા
દ્રશ્યના સ્વાદ છે તૂરા- ખાટા
*
મજબૂરી કેવી ડાળીની, બટકી ય ના શકે
એનાં ખરેલા પાનને અડકી ય ના શકે
*
રણ ગળામાં સ્વીકાર્યું ધખધખતું
માત્ર મનગમતી પ્યાસ લેવામાં
*
માંડ કણું આંખેથી કાઢું, ત્યાં ધુમ્મસના ધાડા આવે
નભ ના જોવા મળતું ખુલ્લું, સાવ ગીચોગીચ દહાડા આવે
*
એ રીતે સરે છે સમય તારા ખ્વાબમાં
ટૂકડો બરફનો જે રીતે પીગળે શરાબમાં
*
કદી આવીશ તો કેવો સમય ગાળ્યો બતા’વાને
સૂના દ્વારોના ભણકારા ભરું છુ, ખાલી ગજવામાં
*
કદી ના રોકી શકી આ ફૂલોની સમૃધ્ધિ
મને તો માળીની આ સાદગીએ રોકયો છે
*
અમારા ઘરમાં અમારા અવસર ઉપર નિમંત્રયા બધાને કિંતુ
હવે અમારી સભાથી અમને વહ્યા જવાની સજા મળી છે!
*
ભીંત ફાડી પીપળો ઉગતો તમે જોયો હશે
છાતી ફાડી મ્હોરતો ગુલમહોર જોયો છે તમે?
*
દીર્ઘ નાટક છે, એક પાત્રી છે
કેમ ભજવું ટૂંકી રાત્રિ છે
કોઈ મારું ભવિષ્ય શું લખશે?
મારે માટે કલમ વિધાત્રી છે!
જી હા. જરાક આ ખુમારી કેળવો. આમાંથી કદાચ ઘણી પંકિતઓ એક જ ધડાકે નહિ સમજાય. પણ એજ એની મજા છે. કોઈની પાસે સમજજો. નહિ તો આ લખનારને ફકત ‘મુકામ પોસ્ટઃ ગોંડલ’ કરીને કાગળિયો લખજો… પણ મનોજ ખંડેરિયાના સર્જનને જરા યાદ રાખજો.. કારણ કે એમણે જ અગાઉથી જ સ્પષ્ટતા કરેલીઃ
જાણું છું શ્વાસની દગાબાજી, છે ભરોસો- હવા ઉપર કોને?
બે ઘડી આ ગઝલ ગમી તો બસ, થાવું છે અમર કોને?
ફાસ્ટ ફોરવર્ડ
હું ક્ષિતિજની બહાર હોઈશ, આવજે
આ જગામાં આ રીતે રોકાઉ કયાં?
હું સ્વયં અંધારુ છું, ના શોધ કર
તારી ફરતો છૂં, તને દેખાવ હું કયાં?