મનોજ પર્વ ૧૧ : શાહમૃગો

કાવ્યસર્જનના આરંભકાળમાં મનોજ ખંડેરિયા, ગઝલ ઉપરાંત ગીત, અંજનીકાવ્ય અને અછાંદસની સાથે પણ કામ પાડે છે; તો કેટલાંક સંતર્પક દીર્ઘકાવ્યો પણ આપે છે. ‘શાહમૃગો’, સાધંત પ્રવાહી શૈલીમાં વહેતી અને ઝીણવટભર્યું કવિકર્મ દાખવતી કવિની ખૂબ જ જાણીતી બનેલી કૃતિ છે. આ રચનામાં કવિ, શાહમૃગોને પ્રતીકાત્મક સ્તરે પ્રયોજીને, માનવજીવનની સાથે જોડાયેલાં આકર્ષણો-પ્રલોભનો અને વળગણોની મર્મવેધક વાત કરે છે. અને એમ, આજના મનુષ્યની દશાને અસરકારક રીતે આલેખે છે.
આબાલ-વૃધ્દ્ર સૌ કોઈ જેનાથી સંમોહિત છે એવા શાહમૃગોની મોહિની વ્યાપક સ્તરે પ્રભાવ પાથરે છે, એની વેધક અભિવ્યક્તિ આ પંક્તિઓમાં થઈ છે –

શાહમૃગોની પાંખે મોહ્યો તડકો
રોજ સવારે શાહમૃગોનાં પટપટ પીછાં ગણતો
શાહમૃગોની ઋજુ રેશમી પતલી ડોકે
હવા ચૂમતી જાય.

અને પછીથી ભારે શરીરે ભાગી છૂટેલા શાહમૃગોને પકડવાના પ્રયત્નોને અંતે પણ એ હાથ ન લાધે ત્યારે –

શાહમૃગોના પગની ધૂળે
હજીય કંઈ વરસોથી આજે
ગામ ગામ અટવાય
ભીંત ભીંત આટવાય.

ભાવવ્યંજકતા અને ગતિશીલતાના ગુણથી સોહતું આ કાવ્ય આમ, કવિની કવિત્વશક્તિનો પરિચય આપવા ઉપરાંત એમની આગવી ઓળખ પણ રચી આપે છે.

નીતિન વડગામા

***********

(શાહમૃગ….San Francisco Zoo)

શાહમૃગોનાં રૂપે રૂપે વારી ગયાં રે લોક
શાહમૃગોને પકડીને વાડામાં રાખ્યાં
શાહમૃગોની ફરતો દીવાલ કેરો પ્હેરો
શાહમૃગોને જીવ માફક જાળવતાં શહેરો
શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો
જોઈ જાતી આંખો
શાહમૃગોને જોવા આવે નગર
શાહમૃગોને જોવા આવે ગામ
ગામની સીમ
સીમમાં ધૂધરિયાળી વેલ
“વેલમાં બેઠો વાણિયો કંઈ કાગળ લખતો
કાગળમાં બે પૂતળિયું કંઈ હસતી રમતી”
વાતો કરતી
વાતોમાં એ શાહમૃગોનાં સપનાં જોતી
શાહમૃગોને રૂપે મ્હોતી
શાહમૃગોને કહેતી
શાહમૃગો ઓ શાહમૃગો, અમને વરવા આવો
અમે તરસીએ રૂપ તમારું, અમને હરવા આવો
પૂતળીઓએ
બાળપણામાં હોળી-ખાડે વ્હેલી સવારે
કંકુ છાંટી – દીવો મૂકી – કરી નાગલા – કર જોડીને
ઘર માગ્યું’નું શાહમૃગોનું
વર માગ્યા’તા શાહમૃગોના.
શાહમૃગો તો બાળકનાં સપનાંમાં આવે
પરીઓ સાથે આવે
શાહમૃગો તો
હવે વૃધ્દ્રની બધી બોખલી વાતવાતમાં આવે
શાહમૃગો પર
મૂછનો બોરો ફૂટ્યો એવા જુવાન ખુશખુશ
શાહમૃગો પર
સોળ વરસની કન્યા ખુશખુશ
શાહમૃગોની પાંખે મોહ્યો તડકો
રોજ સવારે શાહમૃગોનાં પટપટ પીછાં ગણતો
શાહમૃગોની ઋજુ રેશમી પતલી ડોકે
હવા ચૂમતી જાય.
વાડે રાખ્યાં શાહમૃગો તો
લળકત લળકત ડોકે
જુએ દીવાલો
જુએ ઝાંપલો
કદી કદી આકાશે માંડે આંખ
પ્રસારે પાંખ
છતાંયે કેમે ના ઉડાય
શરીર બાપડું ભારે એવું
પાંખ એટલો ભાર ઝીલી શકે ના ભાર.
એક સવારે
આવી નીરખવા આંખો થઈ ગઈ વ્યાકુળ
સાવ ઝાંપલો ખુલ્લો
શાહમૃગો વિણ વાડો ખાલી ખાલી
બુમરાણ મચાવી આંખોએ કે
શાહમૃગો તો ભાગ્યાં.
બૂમ પડીને ઘર કંઈ વ્યાકુળ
બૂમ પડીને ઘર શેરી વ્યાકુળ
આકુળવ્યાકુળ ગામ પકડવા શાહમૃગોને દોડ્યું
ગામે વાત કરી નગરોને
નગર નગરની ભીંતો દોડી
શેરી દોડી
રસ્તા દોડ્યા
મકાન દોડ્યાં
બારી દોડી
ઊંબર દોડ્યા
બાર-ટોડલા દોડ્યા
દુકાન દોડી
દુકાન-ખૂણે પડ્યાં ત્રાજવાં દોડ્યાં
શાહમૃગોનાં રૂપના પાગલ સહુ રે દોડ્યા.
શાહમૃગો તો સહુને પાછળ આમ આવતા જોઈ
બમણી તીર-વછૂટી ગતિએ નાઠા
ક્યાંક ભડકતા ભાગ્યા હફરક….હફરક….
આખા પંથે ધૂળ ઉડાડી હફરક….હફરક….
ધૂળના ઊંચા પ્હાડ ઉડાડી હફરક….હફરક….
ધૂળથી આખું આભ ઢાંકતાં જાય
દોડતા જાય
ક્ષિતિજની પાર નીસરી જાય
દૂર દૂર તે ક્યાંય ઊતરી જાય
ક્યાંય….
શાહમૃગોના પગની ધૂળે
હજીય કંઈ વરસોથી આજે
ગામ ગામ અટવાય
ભીંત ભીંત આટવાય.
શાહમૃગોનાં રૂપની પાગલ આંખે
ધૂળ ભરાતાં થઈ આંધળી-ભીંત
આંખ ચોળતા લોક દોડતા પૂછે :
શાહમૃગો પકડાયાં ?
શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો
જોઈ જાતી આંખો પૂછે :
શાહમૃગો એ ક્યાં છે ? ક્યાં છે ?
શાહમૃગોની વાટ નીરખતી પૂછે પૂતળીઓ :
શાહમૃગોને લાવ્યા ?
ઘડી વિસામો લેવા બેઠો
વડની છાંયે વૃધ્દ્ર બબડતો :
આ ચિરકાળથી દોડી રહેલા શાહમૃગો તો
હવે અટકશે ક્યારે, ક્યારે, રામ ?
શાહમૃગોની કરે પ્રતીક્ષા આંખ.

– મનોજ ખંડેરિયા

One reply

  1. ઘણા વખતે આ સુંદર કાવ્યમાંથી પસાર થવા મળ્યું. સામાન્ય રીતે ટહુકો પર આવા esoteric કાવ્યોનો ચાલ ઓછો હોવાથી સુખદ આશ્ચર્યનો અનુભવ થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *