વર્ષાઋતુ કવિઓને તો પ્રિય છે જ – પણ સ્વરકારોને પણ વરસાદના ગીતો જરા વધુ માફક આવે છે.. અને વાંક જો કે એમાં કોઇનો નથી.. આપણને બધાને જ વરસાદ વ્હાલો નથી લાગતો? મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે..
અને ચાલો ચાલો ને રમીએ હોડી હોડી – થી શરૂ થયેલી આપણી અને વરસાદની પ્રેમકહાણીમાં ભાગ્યે જ ઓટ આવતી હશે.!!
અને આ જ કારણે – થોડા વખત પહેલા જ્યારે ટહુકો પર એક મિત્રએ ફરમાઇશ કરી એક ગીતની – હાલો મારા શામળા ને હાલો મારા ધોળીયા, આકાશે આવ્યો પેલો મહુલો – ત્યારે પહેલા તો થયું, ગીત તો મઝાનું લાગે છે, હજુ સુધી કેમ સાંભળવા ન મળ્યું..?? અને વરસાદનું નામ લેતા માથે ટીંપા પડે, એમ ભરતભાઇ પંડ્યાનો ઇમેઇલ આવ્યો – હાલો મારા શામળા…
સ્વર : રાજન – રચના

હાલો મારા શામળા ને હાલો મારા ધોળીયા !
આકાશે આવ્યો પેલો મહુલો, જી —– હાલો
તારા તે રંગ કેરો મેહુલો છે શામળા !
ને તારા તે રંગ કેરી વીજ, અલ્યા ધોળીયા !—–હાલો
બાંકી છટાએ આવ્યો ડુંગરની ધારે એ તો.
ઘેરી ઘટાએ આવ્યો ખેતરને આરે મારેઃ
ગઢને તે કાંગરેથી બોલાવે મોરલા ને
માટીની સોડમ દેતી સાદ. અલ્યા શામળા —–હાલો
સુકી આ ધરતી માથે, જૈને ત્રણે સંગાથે,
કરવી છે લીલમવરણી ભાત.
મારા આ આયખાની સુલી ને લીલીમા છે
ધરતી ને ધોરીનો સંગાથ,અલ્યા ધોળીયા —-હાલો
– પ્રહ્લાદ પારેખ
કવિ વિષે થોડી વધુ માહિતિ (આભાર – શ્રી ભરતભાઇ પંડ્યા)
વતન – ભાવનગર માતા -મેનાલક્ષ્મી બેન // પિતા જેઠાલાલ ભાઇ
પત્નિ – રંજનબેન
ભાવનગરની દક્ષિણામૂર્તી વિનય મન્દિરમા નાનાભાઇ ભટ્ટ,ગિજુભાઇ બધેકા, હરભાઇ ત્રિવેદીની વત્સલ નિશ્રામા શિક્ષણ લીધું. સત્યાગ્રહની લડત દરમીયાન ઉમાશંકર જોશી સાથે વિરમગામની છાવણીમા તાલિમ લીધી.લડત મા જોડાતા વિરપુરમા જેલ વેઠી.પછી ગાંધી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમા તથા ટાગોરના શાંતિનિકેતનમા અભ્યાસ.આ ત્રણેય વિદ્યાધામે તેમના વ્યક્તિત્વનુ ઘડતર કર્યું.
વિદ્યાર્થી કાળ દરમીયાન તેઓ મસતિખોર હતા . એકવાર મુ.નાનાભૈ ભટ્ટે તેમને સજા રુપે વિદ્યાર્થિ ગ્રુહ માથી અન્યત્ર સ્થળે રહેવાની વ્યવસ્થા કરી હતી.જ્યારે તે વિદ્યાર્થિગ્રુહે પાછા આવ્યા ત્યારે બીજા વિદ્યાર્થિઓ તેમને ખભે બેસાડી ઢોલ વાજા વગડતા પાછા લાવ્યા હતા.
૧૯૩૭મા મુંબઇ (તે જમાનામા પારલા હાલ ખાર) સ્થિત ‘પ્યુપિલ્સ ઑન સ્કુલ’મા શિક્ષક થયા.૧૯૩૮મા ભાવનગર તથા ગુરુજનો નો પ્રેમ તેમને ભાવનગર ખેંચી લાવ્યો અને તેઓ ‘ઘરશાળા’મા ગુજરાતી ના ‘માસ્તર’ તરીકે જોડાય છે અને શાન્તિનિકેતન જેમ ‘વર્ષા મંગળ”ના કાર્યક્રમો યોજે છે.૧૯૫૪મા તે મુંબઇ ની જાણીતી સ્કુલ ‘મોડર્ન હાયસ્કુલ’મા જોડાયા.
તેમનો કાવ્ય સર્જન નો આરંભ ગાંધી યુગમા થયો અને ગાંધીજીનુ આકર્શણ એટલું પ્રબળ હતું કે તેમના સમયના બીજા કવિઓ ગાંઘી રંગે રંગાયા પરંતુ પ્રહલાદ તેમની પોતીકી અને નીરાળી અનુભતિને કારણે એક સૌંદર્યલકક્ષી કવિ તરીકે અનુગાંધીયુગીન કવિ તરીકે ઓળખાયા.ગાંધી યુગમા જીવી તેમની અસરથી બહાર રહી કવિકર્મ કરવું તે બહુ મોટી વાત હતી. તે સમયમા જે એક્ નવો વળાંક ગુજરાતી કેવિતા ક્ષેત્રે આવ્યો તેના પગરણ પ્રહલાદ અને ક્રુશ્નાલાલ શ્રીધરાણીની ક્વિતમા મંડાયા છે.જોગાનુ જોગે આ બન્ને કવિઓ વિદ્યાર્થિકાળ દરમીયાન સહાધ્યાયીઓ હતા.આ વળાંકને રાજેન્દ્ર શાહ તથા નિરંજન ભગત જેવા કવિઓએ આગળ ધપાવ્યો.