ટહુકોના એક વાચક-શ્રોતા મિત્ર ‘રાજશ્રીબેન ત્રિવેદી’ એક ગીત છેલ્લા ૨૦ વર્ષથી શોધતા હતા, અને આખરે એ ગીત એમને મળ્યું પણ ખરું..! અને એમણે તરત જ એ ગીત ટહુકોના બીજા મિત્રો સાથે વહેંચવા મને મોકલી આપ્યું..! જો કે મેં એ ગીત… શ્રાવણના દિવસોમાં સાંભળાવવા માટે સાચવી રાખ્યું..! 🙂
પણ શ્રાવણ આવી ને જતો રહ્યો તો યે એ ગીત સંભળાવવાનું તો ભૂલી જ ગઇ..! (માફ કરશો ને?! 🙂 તો ચલો, આવતા વર્ષના શ્રાવણ સુધી રાહ નથી જોવી..!! આ રહ્યું આ અણમોલું ગીત.. સુધા મલ્હોત્રાના સ્વરમાં..!!
ગીત વિષે વધુ માહિતી નથી મારી પાસે… તમે મદદ કરશો ને? !!
સ્વર – સુધા મલ્હોત્રા
કવિ – ?
સ્વરકાર – ?
.
સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ
નથી એને કાંઇ જંપ, નથી મનને આ ચૈન
આકાશે જોઇ મેં તો છાયા ઘનશ્યામની
ને જાગી ઉઠ્યા શમણાંના ગીત
જોઇ જોઇ ઝંખુ ને ઝૂરું હું રાત’દી
એવી મારી પાગલની પ્રિત
વીજળી ચીરે વ્યોમ ને મને, વેદના ચીરે —-?
સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ
કોણ જાણે એવું શું આવે છે યાદ કે
નીતરે છે આંખમાંથી ધારા
આખા આ આયખાને આમ કાં દઝાડતા
કોની તે યાદના અંગારા
નથી ઉજળા દિવસ, ઘોર અંધારી રૈન
સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ
નથી એને કાંઇ જંપ, નથી મનને આ ચૈન