Category Archives: કલ્યાણજીભાઇ

મારા તે ચિત્તનો ચોર રે – બરકત વિરાણી ‘બેફામ’

સ્વર : લતા મંગેશકર
સંગીત : કલ્યાણજી-આનંદજી
ગુજરાત ફિલમ : અખંડ સૌભાગ્યવતી (૧૯૬૪)

વેરણ થઇ ગઇ રાતડી રહેતી આંખ ઉદાસ
સપનાં પણ પહોંચ્યા સખી મારા સાંવરિયાની પાસ.

મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરીયો
કે જેવો રાધા ને નંદનો કિશોર
એવો મારો સાંવરીયો

જમુના તીર જઇ ભરવા હું નીર ગઇ
પ્રીતની વાદળી વરસી
હૈયાની હેલ મારી છલકાવે પ્રેમ
તોયે હું રહી ગઇ તરસી
તનડું ભીંજાય તોયે રોમ રોમ લાય
મારા નટખટના નેણ છે નઠોર
એવો મારો સાંવરિયો….

મીઠી રે મોરલીને કાને તેડાવી મને
એના તે સૂરમાં સાંધી
મોંઘેરા મનના વનરા તે વનમાં
ફૂલોના હાર થી બાંધી
લંબાવી હાથ એની પાધડીની સાથ
જોડે મારા પાલવની કોર
એવો મારો સાંવરિયો…..

જોયા ના તારલા ને જોઇ ના ચાંદની
જોઇ ના કાંઇ રાતરાણી
ચડતું તું ઘેન અને ધટતી તી રેન
એવી વાલમની વાણી
ભૂલીતે ભાન રહ્યું કાંઇયે ના સાન
જ્યારે ઉગી ગઇ આભમાં ભોર
એવો મારો સાંવરિયો….

– બરકત વિરાણી ‘બેફામ’

ચાલ્યા જ કરું છું – અવિનાશ વ્યાસ

સ્વર : મુકેશ
સંગીત : કલ્યાણજીભાઇ

.

ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું,
આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું
ચાલ્યા જ કરું છું

સંસારની પગથારને કોઇ ઘર નથી,
મારાજ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી,
શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાંવ્યાં કરું છું
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું

હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને,
બુધ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઇને,
મંદિરમાં જઇ ઘંટને બજાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું

નાટક કરું છું જે હું નથી તે હું થઇને,
મરું છું કોઇ વાર મીઠું ઝહર લઇને,
જેણે બનાવ્યો એને હું બનાવ્યા કરું છું,
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું