શ્યામલ મુન્શીને આપણે એક ઉત્તમ સંગીતકાર – ગાયક તરીકે કદાચ વધારે ઓળખીએ છીએ. પણ આ ગીત વાંચીને ખ્યાલ આવશે કે શ્યામલભાઇ એટલા જ મઝાના કવિ પણ છે. અને હા, તમે જો શ્યામલભાઇને એકાદ-વાર પણ મળ્યા હોવ, તો શ્યામલભાઇ આટલી ખડખડાટ હસાવતી કવિતા લખે એ વાતની જરા પણ નવાઇ ના લાગે.. (શ્યામલભાઇ અને રઇશભાઇની હઝલોનું એક આલ્બમ આવવાનું છે, જેની હું ખૂબ આતુરતાથી રાહ જોઇ રહી છું..)
‘ળ ને બદલે ર’ બોલતા ભાઇનું આ ગીત ખરેખર કારજીપૂર્વક સાંભરવું પડે એમ છે.. નહીં તો ગોટારા થવાના પૂલેપૂલા chance છે.. ( મારો ભત્રીજો ઘણીવાર ‘ર ને બદલે લ’ બોલે છે..!! 🙂 )
અને હા, શ્યામલભાઇના અવાજમાં આ ગીતનું રેકોર્ડિંગ ઘણા વખતથી શોધું છું. તમે મદદ કરશો?
* * * * * * *
હું છું મૂરજીભાઈ કારભાઈ ગોરવારા
કારજીપૂર્વક સાંભરજો નહીં તો થશે ગોટારા
વાદરવારી કારી રાતે પુષ્કર થતી વીજરી
વ્યાકુર હતો હું મરવા ત્યાં તો તમે જ ગયા મરી
તમે તો જાણે ખર ખર ખર વહેતી શીતર જરધારા
કારજીપૂર્વક સાંભરજો નહીં તો…….
કારઝાર ઉનારે સરગે છે જ્વારા ઘરમાં
અકરાઈને ઘરવારી બોલે પાણી નથી નરમાં !
રોક્કર ને કકરાટ કરે છે બધાં બારક બીચારાં,
કારજી પૂર્વક સાંભરજો નહી તો…
મેરામાં થી એક કબૂતર લીધું છે મેં કાંસાનું
ઢોર બહુ સુંદર છે પાછું ચરકે છે મજાનું
શાંતિના એ દૂત છે, ધોરા, ભોરા ને રૂપારા
કારજીપૂર્વક સાંભરજો નહીંતો…
મૂર પછી ડાર પછી કુંપર ને કૂમરી કરી
ફૂલ ફૂટે એમામ્થી પીરા ભૂરા ને વાદરી
એને બનાવી મારા, આપી તમને બનાવી મારા
કારજીપૂર્વક સાંભરજો નહીંતો…
– ડો. શ્યામલ મુન્શી
—————-








