Category Archives: પ્રવીણ બક્ષી

અમે નીલ ફુવારે રમતાં રે મનગમતાં રે.. – પ્રવીણ બક્ષી

સ્વર : ચિત્રા શરદ, પ્રકાશ સૈયદ
સંગીત : દિપેશ દેસાઇ

.

અમે નીલ ફુવારે રમતાં રે મનગમતાં રે..
વસંતની ફુલછાબ બિછાવી
બુલબુલ નાદ સુણંતા
પરાગના અસવાર બનીને ગંધ-સુગંધ વિહરંતા — અમે નીલ..

અષાઠની ઘનઘોર ઘટામાં ચમક ચમક ચમકંતા
સાંજ પડે ધીરીરાત ઢળે ત્યાં સપનાં સાથ ભમંતા — અમે નીલ..

ઉષા અરૂણના કુમકુમ પગલે રંગ સુરંગ રચંતા
કાજળ કેરા કેશ કરી કદી મયુરને નચવંતા.. — અમે નીલ..

વસંતની ફુલછાબ બિછાવી
બુલબુલ નાદ સુણંતા
પરાગના અસવાર બનીને ગંધ-સુગંધ વિહરંતા

– પ્રવીણ બક્ષી

આજ મારા નુપૂરઝંકારને જગાડી કોણ જાય – પ્રવિણ બક્ષી

થોડા વખત પહેલા પ્રવિણ બક્ષીની એક રચના, ‘હાં રે અભિસારે નીસરી હું અનંતના…’ સાંભળી હતી, યાદ છે? એમની જ એક બીજી રચના, એજ ગાયકો અને સંગીતકાર ના સ્વરાંકન સાથે સાંભળીએ.. ફરી ફરીને સાંભળવાનું, એમની સાથે ગાવાનું મન થઇ જાય એવી મઝાની રચના..

સ્વર : ચિત્રા શરદ, પ્રકાશ સૈયદ
સંગીત : દિપેશ દેસાઇ

.

આજ મારા નુપૂરઝંકારને જગાડી કોણ જાય,
સૂર મારા પોઢી રહ્યા, નિંદરને ખોળલે,
રૂમઝુમ ઝુમ નાદ એનો વિશ્વમહીં વિસ્તરે..

સંધ્યા સલૂણી જઇ સાગરમાં પોઢતી,
અવનીએ ચૂંદડી અંધાર ઘેરી ઓઢતી
આજ મારી અંજલિએ પૂર્ણિમાની ચાંદની ઢોળાય…

ઘેરો રણકાર આજે વાગે મારી ઘૂઘરીમાં,
સૂરના સમીરણો ભરાય મારી બંસરીમાં,
આજ મારા આતમના આઠઆઠ વિંધ વિંધી જાય…

દેહના શૃંગાર જાગે, મનના મલ્હાર જાગે,
નવલા સંગીત આજ હંસ કેરા ગાન જાગે,
આજ મારી જીવનશિશિરમાં વસંતિકા લહેરાય…

– પ્રવિણ બક્ષી

હાં રે અભિસારે નીસરી હું અનંતના – પ્રવીણ બક્ષી

સ્વર : ચિત્રા શરદ, પ્રકાશ સૈયદ
સંગીત : દિપેશ દેસાઇ

.

હાં રે અભિસારે નીસરી હું અનંતના
છાયો અંધાર ઘેરીઘેરી રાતલડી
જ્યોતિઓ ઝગે રે દિગંતમાં

મેંદી મુકી’તી મેં તો રાગને વિરાગની
માળા ગુંથી તી મેં તો અશ્રુના બિન્દુની
નૂતન શૃંગાર મારા હંસના… હાં રે..

નુપૂરના નાદ મારે ગાજે બ્રહ્માંડમાં
કંકણના નાદ સરી જાય ખંડખંડમાં
રંગે રંગાઇ હું વસંતના… હાં રે..

સોળસોળ પાંખડીનું પોયણું પ્રફૂલ્લ આ
સૃષ્ટિ સોહાગભર્યો ઉડતો પરાગરજ
પાંખડીયે પાંખડીયે ઝંખના… હાં રે..

– પ્રવીણ બક્ષી